વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન મુંબઈ પોલીસની બર્બરતા, કોમેડિયનની પત્નીને લાત મારી પાંસળીઓ તોડી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Comedian Raunak Rajani Accuses Mumbai Police: છેલ્લા કેટલાક દિવસોથી દેશભરમાં વિદ્યાર્થીઓના આંદોલનને કારણે વાતાવરણ તંગ બનેલું છે. 20 જુલાઈએ સંસદ માર્ચ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે થયેલી હિંસા બાદ 22 જુલાઈએ મુંબઈમાં પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. મુંબઈના શિવાજી પાર્ક ખાતે યોજાયેલા આ પ્રોટેસ્ટ દરમિયાન જાણીતા કોમેડિયન રોનક રાજાણી અને તેમની પત્ની પણ સામેલ થયા હતા. રોનકે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને મુંબઈ પોલીસ પર બળજબરીથી અટકાયત કરવાનો, ગેરવર્તણૂક કરવાનો અને તેમની પત્નીને ગંભીર ઈજા પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.
પોલીસ વેનમાં ધક્કામુક્કી અને શારીરિક ઈજા
રોનક રાજાણીએ વીડિયો મારફતે સમગ્ર ઘટનાની વિગતો આપતાં જણાવ્યું કે, ‘22 જુલાઈ, 2026ના રોજ શિવાજી પાર્કમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે લોકોને અટકાયતમાં લેવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન પોલીસ કર્મચારીઓએ મને અને મારી પત્નીને પણ પકડી લીધા હતા. પોલીસે અમને બળજબરીથી ધક્કા મારીને વેનમાં બેસાડ્યા હતા, જેના કારણે મારી ગરદનમાં મચકોડ આવી ગઈ હતી. જ્યારે મારી પત્નીને પંસળીના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.’
દિલ્હીથી પરત ફર્યા બાદ એક્સ-રેમાં ફ્રેક્ચર સામે આવ્યું
ઘટના અંગે વધુ વિગતો આપતાં રોનકે કહ્યું કે, ‘દેશભરમાં અન્ય આંદોલનકારીઓ સાથે થયેલી હિંસાની સરખામણીએ અમે શરૂઆતમાં આ વાતને બહુ મોટી નહોતી ગણી. ઘટનાના બીજા દિવસે એટલે કે 23 જુલાઈએ અમે દિલ્હી ગયા હતા. જોકે, મારી પત્નીનો દુખાવો સતત વધતો રહ્યો હતો. દિલ્હીથી પરત આવ્યા બાદ જ્યારે અમે ડૉક્ટરની સલાહ લીધી અને એક્સ-રે કરાવ્યો, ત્યારે જાણવા મળ્યું કે મારી પત્નીને પાંસળીમાં ફ્રેક્ચર થયું છે.’
વીડિયો પુરાવા સાથે શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર
કોમેડિયન રોનકે પોતાનો દાવો સાબિત કરવા માટે ઘટનાના વીડિયો ફૂટેજ પણ જાહેર કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે બે પુરુષ પોલીસ કર્મચારીઓએ મારી પત્ની સાથે બળજબરી કરી હતી અને વેનમાં બેસાડતી વખતે લાત પણ મારી હતી. મેં મારી પત્નીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ રહ્યો.’
આ સમગ્ર મામલે રોનક રાજાણીએ મુંબઈના શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે અને મુંબઈ પોલીસ પાસે આ મામલે કડક કાર્યવાહીની માગ કરી છે. આ ઘટના સામે આવ્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.









