Photos: ફ્રાન્સના પ્રમુખ મેક્રોંને મળવા બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો, અનિલ કપૂર સહિતના દિગ્ગજો નજરે પડ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Macron Meets Bollywood Stars: ફ્રાંસના રાષ્ટ્ર પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને પોતાના મુંબઈ પ્રવાસ દરમિયાન ઘણા બૉલીવુડ કલાકારો અને ફિલ્મી હસ્તીઓ સાથે મુલાકાત કરી હતી. તમામે ભેગા મળીને કળા અને સંસ્કૃતિની ગહન ચર્ચા કરી હતી. આ હસ્તીઓમાં શબાના આઝમી ઉપરાંત ઘણા જાણીતા અભિનેતા અને મ્યુઝિક કમ્પોઝર નજરે પડ્યા હતા.
અનિલ કપૂર, મનોજ બાજપેયીએ કરી મુલાકાત
ફ્રાંસના રાષ્ટ્ર પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરવા શબાના આઝમી, અનિલ કપૂર, મનોજ બાજપેયી, ડાયરેક્ટર ઝોયા અખ્તર, ઋચા ચડ્ઢા અને ગ્રેમી વિજેતા મ્યુઝિક કમ્પોઝર રિકી કેઝ પણ સામેલ હતા. આ દરમિયાન મેક્રોને ઘણા કલાકારો સાથે દિલ ખોલીને વાત પણ કરી હતી. ખાસ કરીને અનિલ કપૂરે રાષ્ટ્ર પ્રમુખ મેક્રોન સાથે લાંબી ચર્ચા કરી હતી.
બૉલીવુડ હસ્તીઓએ મુલાકાત વખતે રાષ્ટ્ર પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ઘણી તસવીરો પણ પડાવી હતી. ચર્ચાઓ એ પણ થઈ રહી છે કે બૉલીવુડ દિગ્ગજો સાથેની આ મુલાકાત બાદ ભારત અને ફ્રાંસ વચ્ચે ફિલ્મોને લઈને પણ ભાગીદારી થઈ શકે છે.
PM મોદી અને મેક્રોન વચ્ચે બેઠક
મેક્રોનના આજના કાર્યક્રમ મુજબ, બપોરે 3:15 વાગ્યે મુંબઈના લોક ભવનમાં PM મોદી અને મેક્રોન વચ્ચે બેઠક યોજાઈ હતી, ત્યારબાદ સાંજે 5:15 વાગ્યે તેઓ 'ભારત-ફ્રાંસ ઇનોવેશન વર્ષ 2026'નું ઉદ્ઘાટન કરશે અને ઉદ્યોગ જગતના નેતાઓ તથા સંશોધકોને સંબોધશે. આ મુલાકાત દરમિયાન સંરક્ષણ ઉપરાંત વેપાર, કૌશલ્ય વિકાસ, આરોગ્ય અને સપ્લાય ચેન જેવા ક્ષેત્રોમાં પણ લગભગ એક ડઝન જેટલા કરારો થવાની સંભાવના છે.
ઈમેન્યુઅલ મેક્રોન 19 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં 'AI ઇમ્પેક્ટ સમિટ'માં પણ હાજરી આપશે. બંને નેતાઓ રશિયા-યુક્રેન યુદ્ધ, ગાઝાની સ્થિતિ અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહયોગ જેવા મહત્ત્વના વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે, જે બંને દેશોના મજબૂત થતા સંબંધોની નવી મિશાલ રજૂ કરશે.









