નાગપુરમાં ક્લોરિન ગેસ લીક થતાં 40થી વધુ લોકોની હાલત ખરાબ, તાત્કાલિક હોસ્પિટલ ભેગા કરાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nagpur Gas Leak: નાગપુરમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. નાગપુરમાં ક્લોરિન ગેસ લીક થવાના કારણે 40 લોકોની હાલત ખરાબ થતા તેમને હોસ્પિટલ ખસેડાયા છે. આ તમામ લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોવાની માહિતી મળી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. પ્રભાવિત વિસ્તારના લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લગભગ 40 લોકોને હોસ્પિટલ ભેગા કરાયા છે, જેમાંથી 4થી 5 લોકોની હાલત ગંભીર હોવાથી તેમને ICUમાં રાખવામાં આવ્યા છે.
4થી 5 લોકોની હાલત ગંભીર
પ્રાપ્ત માહિતી પ્રમાણે નાગપુરના ગોધની વિસ્તારમાં સોમવારે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ક્લોરિન ગેસ લીક થયા બાદ અફરાતફરી મચી ગઈ હતી. ગોધની નગર પંચાયત દ્વારા સંચાલિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગેસ લીકની ઘટના બાદ લગભગ 40 લોકોને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ થઈ હતી. અસરગ્રસ્ત લોકોમાં પ્લાન્ટના 8થી 10 કર્મચારીઓ અને આસપાસ રહેતા 20થી 25 સ્થાનિક લોકો સામેલ છે. ગેસ લીક થયા બાદ લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ પૈકી 4થી 5 લોકોની હાલત ગંભીર જણાતાં તેમને સારવાર માટે ICUમાં શિફ્ટ કરાયા છે. બીજી તરફ અન્ય દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે.
વિસ્તારમાં સુરક્ષા વધારાઈ
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. ગેસની અસરને નિયંત્રિત કરવાની સાથે જ આસપાસના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે નજીકના વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. હાલમાં વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગો ગેસ લીકના કારણોની તપાસ કરી રહ્યા છે. આ સાથે જ ગેસ લીકના કારણે આસપાસના અન્ય વિસ્તારોના લોકોને કોઈ પ્રકારનું જોખમ ન રહે તે સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
અમરાવતીમાં પણ દુર્ઘટના
મહારાષ્ટ્ર માટે સોમવારની સવાર દુર્ઘટનાઓથી ભરેલી રહી છે. નાગપુરમાં ગેસ લીકની ઘટના પહેલાં અમરાવતીની જિલ્લા હોસ્પિટલના ચાઈલ્ડ વોર્ડમાં આગ લાગતાં 3 નવજાત શિશુઓનાં મોત નીપજ્યાં છે. મળતી માહિતી પ્રમાણે વેન્ટિલેટરમાં વિસ્ફોટ થવાના કારણે આગ લાગી હતી અને જોતજોતામાં તે આખા વોર્ડમાં ફેલાઈ ગઈ હતી. ત્યાં દાખલ નવજાત બાળકો આ આગની લપેટમાં આવી જતા હોમાઈ ગયા હતા.









