પાઠ્યપુસ્તકોમાં 2 હજારથી વધુ ભૂલો, ન્યૂટનને પાયલટ ગણાવ્યા! ભાજપ શાસિત રાજ્યમાં શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Flawed Odisha Textbooks Row: ઓડિશા વિધાનસભામાં વિપક્ષના નેતા અને બીજેડી(BJD) પ્રમુખ નવીન પટનાયકે સરકારી શાળાઓમાં ભૂલોવાળા પાઠ્યપુસ્તકોના વિતરણને લઈને રાજ્યના શાળા અને જનશિક્ષણ મંત્રી નિત્યાનંદ ગોંડના રાજીનામાની માંગ કરી છે. તેમણે ગંભીર આરોપ લગાવ્યો હતો કે વિદ્યાર્થીઓ સુધી ક્ષતિગ્રસ્ત પુસ્તકો પહોંચાડીને તેમના વિશ્વાસ સાથે ચેડાં કરવામાં આવ્યા છે. નવીન પટનાયકે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, નિત્યાનંદ ગોંડે પણ નૈતિક જવાબદારી સ્વીકારીને તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ.
પુસ્તકોમાં 2000થી વધુ ભૂલો: આઇઝેક ન્યૂટનને પાયલટ દર્શાવાયા
અહેવાલો અનુસાર, રાજ્ય બોર્ડના ધોરણ 1થી 8ના પાઠ્યપુસ્તકોમાં 2000થી વધુ ગંભીર ભૂલો સામે આવી છે. જેમાં મહાન વૈજ્ઞાનિક આઇઝેક ન્યૂટનને એક ઉત્કૃષ્ટ 'પાયલટ' તરીકે વર્ણવવામાં આવ્યા છે, જ્યારે ઓડિશાની પ્રસિદ્ધ નિયમગિરી ટેકરીઓને ઝારખંડમાં દર્શાવવામાં આવી છે. આ મુદ્દે વિપક્ષી પાર્ટી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ભક્ત ચરણ દાસે ચેતવણી આપી છે કે જો શિક્ષણ મંત્રી એક અઠવાડિયામાં રાજીનામું નહીં આપે તો કોંગ્રેસ 'ઓડિશા બંધ'નું આહ્વાન કરશે અને મંત્રીના નિવાસસ્થાનનો ઘેરાવ કરશે. આ ઉપરાંત સીપીઆઇએમ(CPM) દ્વારા પણ માસ્ટર કેન્ટીન ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
ભાજપનો બીજેડી પર પલટવાર અને ક્રાઇમ બ્રાંચની તપાસ
બીજેડીની રાજીનામાંની માગ પર પલટવાર કરતાં ભાજપના મહાસચિવ બિરંચી નારાયણ ત્રિપાઠીએ સવાલ ઉઠાવ્યો હતો કે, જ્યારે બીજેડી સત્તામાં હતી અને તેના અનેક મંત્રીઓ પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા, ત્યારે કેટલા મંત્રીઓએ નૈતિકતાના ધોરણે રાજીનામાં આપ્યા હતા?
બીજી તરફ, આ સમગ્ર બાબતને ગંભીરતાથી લેતાં મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ પાઠ્યપુસ્તકોની ભૂલોની તપાસ ઓડિશા પોલીસની ક્રાઇમ બ્રાંચને સોંપી દીધી છે. આ મામલે કાર્યવાહી કરતાં SCERTના એક પૂર્વ નિયામકની અટકાયત કરવામાં આવી છે, જ્યારે ત્રણ સહાયક નિયામકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને અન્ય છ અધિકારીઓ સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે.









