Get The App

પંજાબમાં AAPના કેબિનેટ મંત્રી સંજીવ અરોડાની ધરપકડ, દરોડા બાદ EDની મોટી કાર્યવાહી

Updated: May 9th, 2026

GS TEAM

Google News
Google News
પંજાબમાં AAPના કેબિનેટ મંત્રી સંજીવ અરોડાની ધરપકડ, દરોડા બાદ EDની મોટી કાર્યવાહી 1 - image

Punjab AAP Minister Sanjiv Arora Arrested: પંજાબના કેબિનેટ મંત્રી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજીવ અરોડાને લઈને મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે. ચંદીગઢ સ્થિત તેમના સરકારી નિવાસસ્થાને આજે સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે દરોડા પાડ્યા હતા. કલાકો સુધી ચાલેલી આ કાર્યવાહી બાદ EDએ મંત્રી સંજીવ અરોડાની ધરપકડ કરી છે. બીજી તરફ, આ કાર્યવાહીને લઈને આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર પર રાજકીય દબાણ લાવવાનો આરોપ લગાવ્યો છે.

સંજીવ અરોડાના પરિવાર અને તેમની કંપની સાથે જોડાયેલી ઓફિસો પર દરોડા

સૂત્રો મુજબ EDની આ કાર્યવાહી મની લોન્ડરિંગ, ફેમા (FEMA) ઉલ્લંઘન, જમીન સંબંધિત બાબતો અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારોની તપાસ સાથે જોડાયેલી છે. EDની કાર્યવાહી માત્ર ચંદીગઢ સુધી મર્યાદિત રહી નથી, પરંતુ લુધિયાણા, જલંધર અને ગુરુગ્રામ સહિતના અનેક શહેરોમાં પણ દરોડા પાડ્યા છે. એવું જાણવા મળ્યું છે કે તપાસના દાયરામાં સંજીવ અરોડાના પરિવાર અને તેમની કંપની સાથે જોડાયેલી કેટલીક ઓફિસો પણ સામેલ હતી.

એક વર્ષમાં ત્રણ વખત ED સંજીવ અરોડાના ઘરે પહોંચી: ભગવંત માન

મુખ્યમંત્રી ભગવંત માને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે છેલ્લા એક વર્ષમાં આ ત્રીજી વખત છે જ્યારે ED સંજીવ અરોડાના ઘરે પહોંચી છે, પરંતુ એજન્સીને અત્યાર સુધી કંઈ મળ્યું નથી. તેમણે કહ્યું કે પંજાબ ગુરુઓ અને શહીદોની ધરતી છે, જેને દબાવી શકાય નહીં. ભાજપ કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ રાજકીય વિરોધીઓને નિશાન બનાવવા માટે કરી રહી છે.

ED ભાજપના ‘સુપારી કિલર’ તરીકે કામ કરે છે: AAP નેતા સંજય સિંહ

આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે પણ કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે. તેમણે EDને ભાજપના ‘સુપારી કિલર’ ગણાવતા કહ્યું કે વિપક્ષી નેતાઓને બદનામ કરવા માટે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે થોડા દિવસો સુધી કાર્યવાહી અને સમાચારોનો દોર ચાલશે, પરંતુ બાદમાં એજન્સી ખાલી હાથે પરત ફરશે.

આ પણ વાંચો: માખણલાલ સરકાર કોણ છે? PM મોદીએ જાહેર મંચ પર શુભેન્દુના શપથ સમારોહમાં એમના ચરણસ્પર્શ કર્યા

શું છે સમગ્ર મામલો? 

ED દ્વારા આ કાર્યવાહી મની લોન્ડરિંગ એક્ટ (PMLA, 2002) હેઠળ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, સંજીવ અરોડાએ તેમની કંપની દ્વારા 150 કરોડ રૂપિયાથી વધુના મોબાઇલ ફોનની નકલી GST ખરીદી બતાવી હતી અને ત્યારબાદ દુબઈથી ભારત ગેરકાયદેસર નાણાં લાવવા (રાઉન્ડ ટ્રીપિંગ) માટે નકલી નિકાસનો સહારો લીધો હોવાનો આરોપ છે.