India

ટેક્નોલોજી અને ક્રિટિકલ મિનરલ્સનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરવા સામે મોદીની ચેતવણી

By GS Team
13 Sep 20263 mins read
TukuTouch Logo
નવી દિલ્હીમાં BRICS સમિટના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેક્નોલોજી અને ક્રિટિકલ મિનરલ્સના શસ્ત્રીકરણ સામે વિશ્વને ચેતવ્યા. તેમણે પશ્ચિમી દેશો અને ચીન પર પરોક્ષ રીતે આક્ષેપ કર્યા કે તેઓ ટેક્નોલોજી અને ક્રિટિકલ મિનરલ્સનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે. PM મોદીએ કહ્યું કે, ટેક્નોલોજીનો ઉપયોગ બધા માટે થવો જોઈએ, અને BRICS દેશોએ સમાવેશી વિકાસ પર ભાર મૂક્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટેક્નોલોજી અને ક્રિટિકલ મિનરલ્સનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરવા સામે મોદીની ચેતવણી

નવી દિલ્હી : ભારતના યજમાનપદે યોજાયેલી બ્રિક્સ સમીટના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેક્નોલોજી અને ક્રિટિકલ મિનરલ્સના શસ્ત્રીકરણ સામે દુનિયાને ચેતવણી આપી છે. પીએમ મોદીએ પશ્ચિમી દેશો પર ટેક્નોલોજી અને ચીન પર ક્રિટિકલ મિનરલ્સનો હથિયાર તરીકે ઉપયોગ કરવાનો પરોક્ષ રીતે આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે, ટેક્નોલોજી અને ક્રિટિકલ્સના શસ્ત્રીકરણથી દુનિયાના સંયુક્ત વિકાસમાં અવરોધો ઊભા થઈ શકે છે. એવામાં ટેક્નોલોજી અપનાવવાની પ્રક્રિયામાં બધાને સાથે લઈને ચાલવું જરૂરી છે. ભારતના અધ્યક્ષપદે બ્રિક્સના આયોજનોમાં રેઝિલિયન્સ, ઈનોવેશન, સહયોગ અને સ્થિરતા પર વિશેષ ધ્યાન અપાયું છે.
બ્રિક્સ સમિટના બીજા દિવસે ભારત મંડપમ્માં બ્રિક્સ નેતાઓએ રાઉન્ડટેબલ બેઠકમાં ભાગ લીધો હતો. આ સિવાય પીએમ મોદીએ કઝાખસ્તાન, ઈજિપ્ત, યુગાન્ડા અને બુરુન્ડી સહિત સાત દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. સમિટના બીજા દિવસે ઓપન સેશનમાં વડાપ્રધાન મોદીએ ગ્લોબલ સાઉથના પડકારોનો સામનો કરવા અને માનવતાના વિકાસ માટે બ્રિક્સ દેશોને સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો.
વડાપ્રધાન મોદીએ પશ્ચિમી દેશો દ્વારા ટેક્નોલોજીને નાના દેશોના હાથમાં જતી રોકવાના તેમજ ચીન દ્વારા ક્રિટિકલ મિનરલ્સના સંશાધનોને અન્ય દેશોમાં પહોંચતા રોકવાના પ્રયત્નોની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે ટેક્નોલોજીનો ઉપયોગ બધા માટે હોવો જોઈએ. આથી, બ્રિક્સ દેશોએ ટેક્નોલોજીને અપનાવવામાં સમાવેશી વિચાર પર ભાર મૂક્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, નવી ટેક્નોલોજીનો ફાયદો કેટલાક દેશો અથવા પસંદગીના જૂથો સુધી મર્યાદિત રાખવાના બદલે વધુમાં વધુ દેશો અને લોકો સુધી તેને પહોંચાડવી જોઈએ. ભવિષ્યની ટેક્નોલોજીના વિકાસ અને તેની સાથે સંકળાયેલા નિયમો નિશ્ચિત કરવામાં વિકસિત દેશો જેટલી જ ભાગીદારી ગ્લોબલ સાઉથની પણ હોવી જોઈએ. તેમણે ઉમેર્યું કે, ગ્લોબલ સાઉથ દેશોનો બ્રિક્સ જૂથ પર વિશ્વાસ વધી રહ્યો છે, કારણે આ સંગઠનમાં તેમના પર નિયમો થોપવાના બદલે તેમનો અવાજ સાંભળવામાં આવે છે અને તેમની સાથે ભાગીદારી કરવામાં આવે છે. વડાપ્રધાને કહ્યું કે, ટેક્નોલોજીના ઉપયોગનું એક મોટું ઉદાહરણ ડિજિટલ ખેતીના ક્ષેત્રમાં સામે આવ્યું છે. બ્રિક્સ નેટવર્ક ઓન ડિજિટલ એગ્રીકલ્ચરનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું તેનાથી ખેડૂતો માટે નવી તકો પેદા થશે. આ પહેલ મારફત એઆઈ, જિયોસ્પેશિયલ ટેક્નોલોજી અને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ખેડૂતોની વાસ્તવિક જરૂરિયાતો સાથે જોડાશે.
વડાપ્રધાને બ્રિક્સ ઈન્ક્યુબેટર નેટવર્ક અને સ્ટાર્ટઅપ ઈનોવેશન ફંડનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું ઈન્ક્યુબેટર નેટવર્ક મારફત બ્રિક્સ દેશોના સ્ટાર્ટઅપ અને ઈન્ક્યુબેટર્સને જોડવાની પહેલ કરાઈ છે. વધુમાં સ્ટાર્ટઅપ ઈનોવેશન ફંડનો પ્રસ્તાવ નવા અને મોટા સ્તર પર લાગુ થનારા સમાધાનોને પ્રોત્સાહન આપવા માટે રખાયો છે.
પીએમ મોદીએ કહ્યું, આજે દુનિયામાં સતત યુદ્ધો વધી રહ્યા છે, જેની સામાન્ય લોકો પર ગંભીર અને વ્યાપક નકારાત્મક અસર પડી રહી છે. મહામારી, જળવાયુ આપદા અને સપ્લાય ચેઈનમાં અવરોધોએ આજની પરસ્પર જોડાયેલી દુનિયામાં કોઈપણ સંકટ માત્ર એક વિસ્તાર સુધી મર્યાદિત નથી રહેતા તેથી અમે બ્રિક્સની અંદર રેઝિલિયન્સ વધારવા પર ભાર મૂક્યો છે.

  • બધું બરાબર છે? : પીએમ મોદીનો જિનપિંગને સવાલ
    વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ નેતાઓને સંબોધન કરી રહ્યા હતા ત્યારે ચીનના પ્રમુખ જિનપિંગ અસહજ લાગતા વડાપ્રધાને તેમનું ભાષણ રોકીને તેમના અનુવાદકને 'બધું બરાબર છે?' તેવો સવાલ કર્યો હતો. પીએમ કઈ બાબતે સવાલ પૂછી રહ્યા છે તે સ્પષ્ટ થઈ શક્યું નહોતું. પરંતુ માનવામાં આવે છે કે માઈક્રોફોન અથવા અનુવાદ અંગે કોઈ સમસ્યા હોઈ શકે છે. જોકે, આ અંગે ચીને હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.