રાજ્યસભામાં બહુમતીની નજીક મોદી સરકાર! TMCમાં આંતરિક વિખવાદના કારણે 3 બેઠકો વધવાની શક્યતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

West Bengal Rajya Sabha Bye Election 2026 : પશ્ચિમ બંગાળમાં ખાલી પડેલી રાજ્યસભાની ત્રણ બેઠકો પર પેટા-ચૂંટણી યોજવાની ચૂંટણી પંચે જાહેરાત કરી છે. આ ચૂંટણીમાં ત્રણે બેઠકો પર તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના વડા મમતા બેનરજીને મોટો ઝટકો લાગી શકે છે. વાસ્તવમાં બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ ટીએમસીમાં આંતરિક ડખાં ઉભા થતા ગયા મહિને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ત્રણ સાંસદોએ રાજીનામું આપી દીધું હતું, જેના કારણે આ ત્રણેય બેઠકો ખાલી પડી હતી. આ પેટા-ચૂંટણીમાં રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ વધશે અને NDA સંખ્યાબળ મામલે બે-તૃતિયાંશની નજીક પહોંચી જશે.
TMCના 3 સાંસદોના રાજીનામા બાદ બેઠકો ખાલી પડી
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી બાદ ટીએમસીમાં ભારે આંતરિક ડખાં ચાલી રહ્યા છે. આ જ કારણે ટીએમસીના સાંસદ સુખેન્દુ શેખર રૉય, સુસ્મિતા દેવ અને પ્રકાશ ચિક બરાઈકે રાજીનામું આપતા ત્રણેય રાજ્યસભા બેઠકો ખાલી પડી હતી. એટલું જ નહીં ત્રણે સાંસદોએ ટીએમસી પણ છોડી દીધું હતું. સુખેન્દુ અને પ્રકાશનો કાર્યકાળ 8 ઓગસ્ટ-2029 સુધીનો અને સુસ્મિતા દેવનો કાર્યકાળ 2 એપ્રિલ-2030 સુધીનો હતો.
પેટા-ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર
ચૂંટણી પંચે રાજ્યસભા પેટા-ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દીધો છે. 8 જુલાઈથી ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 જુલાઈ રહેશે. ત્યારબાદ 15 જુલાઈએ ફોર્મની ચકાસણી થશે અને 17 જુલાઈ સુધી નામ પાછા ખેંચી શકાશે. 24 જુલાઈએ સવારે 9 થી સાંજના 4 વાગ્યા સુધી પશ્ચિમ બંગાળ વિધાનસભા સંકુલમાં મતદાન થશે અને તે જ દિવસે સાંજે 5 વાગ્યાથી મતગણતરી શરૂ કરી દેવામાં આવશે.
ત્રણેય બેઠક પર ભાજપની જીતની મજબૂત શક્યતા
રાજ્યસભાના સભ્યોની ચૂંટણી રાજ્યના ચૂંટાયેલા ધારાસભ્યો દ્વારા ખાસ મતદાન પદ્ધતિથી થાય છે. આ ફોર્મ્યુલા મુજબ, પશ્ચિમ બંગાળ વિધાનસભાની કુલ 294 બેઠકોના આધારે દરેક ઉમેદવારને જીતવા માટે 74 મતોની જરૂર પડશે. ટીએમસીમાં થયેલા ભાગલા અને બદલાયેલા રાજકીય સમીકરણો જોતાં, આ વખતે ભાજપ આ ત્રણેય બેઠકો પર જીત મેળવે તેવી મજબૂત શક્યતા દેખાઈ રહી છે.
ભાજપ અને NDA મજબૂત બનશે
હાલમાં રાજ્યસભામાં ભાજપ પાસે 114 સાંસદો છે. જો ભાજપ આ ત્રણેય બેઠકો જીતી લેશે, તો તેની સંખ્યા વધીને 117 થશે અને એનડીએ (NDA) નું કુલ સંખ્યાબળ 155 પર પહોંચી જશે. હાલની 245 સભ્યોની પ્રભાવી સંખ્યામાં કોઈ પણ બંધારણીય સુધારો પસાર કરાવવા માટે બે-તૃતીયાંશ બહુમતી એટલે કે 164 મતોની જરૂર પડે છે. આ જીત પછી પણ એનડીએ બે-તૃતીયાંશના આંકડાથી 9 બેઠક દૂર રહેશે, જ્યારે લોકસભામાં પણ તે આ બહુમતીથી 41 બેઠક દૂર છે.
સરકારના અટકેલા નિર્ણયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર વર્ષ 2029 થી મહિલા અનામત લાગુ કરવા અને 'વન નેશન, વન ઇલેક્શન' જેવા મોટા બંધારણીય સુધારાઓ દેશમાં આગળ વધારવા માંગે છે. જોકે, આ પ્રસ્તાવોને સંસદમાં પાસ કરાવવા માટે જે જરૂરી બે-તૃતીયાંશ બહુમતી હોવી જોઈએ, તે સંખ્યાબળ અત્યારે સરકાર પાસે નથી. આ પેટાચૂંટણી બાદ ભાજપ આ જાદુઈ આંકડાની વધુ નજીક પહોંચી જશે.









