India

દૂધના ભાવમાં એકઝાટકે 9 રૂપિયાનો વધારો! રાંધણગેસ અને રિક્ષા-ટેક્સીનું ભાડું પણ મોંઘું: મુંબઈમાં મોંઘવારીનો માર

By GS Team
1 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં 1 સપ્ટેમ્બર 2026 થી તબેલાના દૂધના ભાવમાં રૂ. 9 નો વધારો ઝીંકાયો છે. હવે રૂ. 93 પ્રતિ લિટર મળતું દૂધ રૂ. 102 માં મળશે. પશુ આહારના ભાવ વધતાં દૂધ ઉત્પાદકોએ આ નિર્ણય લીધો છે, જે તહેવારોમાં ગૃહિણીઓના બજેટ પર બોજ વધારશે. બીજી તરફ, FDA એ 1.6 લાખ લિટર ભેળસેળવાળું દૂધ જપ્ત કર્યું છે, અને સિંથેટિક દૂધ બનાવતી ગેરકાયદેસર ફેક્ટરીઓ સીલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દૂધના ભાવમાં એકઝાટકે 9 રૂપિયાનો વધારો! રાંધણગેસ અને રિક્ષા-ટેક્સીનું ભાડું પણ મોંઘું: મુંબઈમાં મોંઘવારીનો માર

Mumbai Milk Price Hike 102 Rupees : મુંબઈમાં તહેવારોની મોસમ શરૂ થાય તે પહેલાં જ નાગરિકોના રસોડાના બજેટ પર મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે. 1 સપ્ટેમ્બર 2026 થી મુંબઈમાં તબેલાના દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 9 નો વધારો ઝીંકાયો છે. આ ભાવવધારા બાદ રૂ. 93 પ્રતિ લિટરે મળતું દૂધ હવે રૂ. 102 પ્રતિ લિટર મળશે. આ નવી કિંમતો 1 સપ્ટેમ્બર 2026 થી 28 ફેબ્રુઆરી 2027 સુધી અમલમાં રહેશે. તહેવારો દરમિયાન ઘરોમાં દૂધનો વપરાશ વધે છે, ત્યારે રોજિંદા દૂધ ખરીદતા હજારો પરિવારો માટે આ વધારો આર્થિક બોજ સમાન સાબિત થશે.

પશુ આહાર અને ઘાસચારાના ભાવ વધતાં ખર્ચ વધ્યો

દૂધ ઉત્પાદકોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી ડેરી કારોબારમાં પડતર કિંમત સતત વધી રહી છે. અનાજ, તવેર, ચણાની દાળ અને પશુ આહારની કિંમતમાં 25% સુધીનો વધારો થતાં ઉત્પાદન ખર્ચ વધી ગયો છે. આ ઉપરાંત પશુઓની ખરીદી ખર્ચ, ખલી અને અન્ય જરૂરી સાધનો પણ મોંઘા થયા છે. જૂના ભાવે દૂધ વેચવું આર્થિક રીતે અત્યંત મુશ્કેલ બની ગયું હોવાથી ઉત્પાદકોએ સર્વસંમતિથી ભાવવધારાનો નિર્ણય લેવો પડ્યો છે.

રાજ્યભરમાં 1.6 લાખ લિટર ભેળસેળ વાળુ દૂધ જપ્ત

બીજી તરફ, દૂધમાં થતી ભેળસેળ અને બનાવટી (સિંથેટિક) દૂધના નેટવર્ક સામે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ મોટા પાયે ઝુંબેશ શરૂ કરી છે. FDA કમિશનર તુકારામ મુંઢેના નેતૃત્વમાં દૂધ કલેક્શન સેન્ટરો, ચિલિંગ પ્લાન્ટ્સ અને સ્થાનિક સપ્લાયર્સ પર ત્રાટકીને 1.6 લાખ લિટરથી વધુ ભેળસેળ દૂધ અને આશરે રૂ. 50 કરોડની કિંમતનો અસુરક્ષિત ખાદ્ય જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

સિંથેટિક દૂધ બનાવતી ગેરકાયદેસર ફેક્ટરીઓ સીલ

તપાસ દરમિયાન એવી ગેરકાયદેસર યુનિટ્સ પકડાયું છે. જ્યાં સ્કિમ્ડ મિલ્ક પાવડર, પાણી, ઇમલ્સિફાયર, કાસ્ટિક સોડા અને ઔદ્યોગિક કેમિકલ્સનો ઉપયોગ કરીને ઝેરી સિંથેટિક દૂધ બનાવવામાં આવતું હતું. આ કેસમાં અનેક પ્રોડક્શન યુનિટ્સ સીલ કરીને FIR દાખલ કરવામાં આવી છે અને આરોપીઓની અટકાયત કરાઈ છે. મહારાષ્ટ્રમાં બિન-ડેરી ઉત્પાદનોના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવાની સાથે FDA હવે દૂધ પુરવઠાની ડિજિટલ ટ્રેકિંગ સિસ્ટમ પણ શરૂ કરી રહ્યું છે, જેથી પુરવઠામાં થતી ગેરરીતિઓ અટકાવી શકાય.

મુંબઇમાં ટેક્સી પણ મોંઘી

મુંબઈમાં 1 સપ્ટેમ્બર 2026 થી મહાનગર ગેસ લિમિટેડ દ્વારા CNG ના ભાવમાં પ્રતિ કિલો રૂ. 2 અને ઘરેલું PNG માં પ્રતિ SCM રૂ. 1 નો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવવધારા બાદ મુંબઈમાં CNG ની નવી કિંમત રૂ. 88 પ્રતિ કિલો થઈ ગઈ છે. કંપનીના જણાવ્યા અનુસાર પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને ઇનપુટ કોસ્ટમાં થયેલા વધારાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગેસના ભાવવધારાની સાથે જ મુંબઈ મહાનગર ક્ષેત્ર (MMR) માં ઓટો રિક્ષા અને ટેક્સીના ભાડામાં પણ વધારો અમલી બન્યો છે. 1 સપ્ટેમ્બરથી ઓટો અને ટેક્સીનું ન્યૂનતમ ભાડું વધી જતાં રોજિંદો પ્રવાસ કરતા લાખો મુસાફરો પર આર્થિક બોજ વધશે.