India

દેશભરમાં વરસાદ અંગે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, સેટેલાઈટ તસવીરોમાં દેખાયું વાદળોનું ઝૂંડ

By GS Team
19 Jul 20262 mins read
TukuTouch Logo
ઇસરો (ISRO)ના INSAT-3DR સેટેલાઇટની 19મી જુલાઈની તસવીરોમાં દેશના 2 તૃતીયાંશ ભાગ ગાઢ વાદળોથી ઘેરાયેલો જોવા મળ્યો. જમ્મુ-કાશ્મીરથી બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તર-પૂર્વ રાજ્યો સુધી ચોમાસું સક્રિય છે. હવામાન વિભાગે આગામી સમયમાં ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરી છે. પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહારમાં સૌથી ગીચ વાદળો છે, જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં આકાશ સ્વચ્છ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દેશભરમાં વરસાદ અંગે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, સેટેલાઈટ તસવીરોમાં દેખાયું વાદળોનું ઝૂંડ

Heavy Rain Alert: દેશભરમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે. 19મી જુલાઈના રોજ ઈસરો (ISRO)ના INSAT-3DR દ્વારા લેવામાં આવેલી સેટેલાઈટ તસવીરોમાં દેશભરમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. જેમાં, ભારતના લગભગ બે તૃતીયાંશ વિસ્તારને ગાઢ વાદળોએ ઘેરી લીધો છે. જમ્મુ-કાશ્મીરથી શરૂ કરીને ગંગાના મેદાની વિસ્તારો, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તર-પૂર્વીય રાજ્યો સુધી ચોમાસાના વાદળો ફેલાયેલા છે, જેને પગલે હવામાન વિભાગે આગામી સમયમાં ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરી છે.

ઉત્તરીય મેદાનોમાં સૌથી ગીચ વાદળો, પશ્ચિમ રાજસ્થાન અને તમિલનાડુમાં આકાશ સ્વચ્છ

સેટેલાઈટ વિશ્લેષણ અનુસાર, દેશમાં સૌથી વધુ ગીચ વાદળો ઉત્તરીય મેદાનો એટલે કે પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ પર જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત, અરબી સમુદ્રમાંથી આવતા ભેજયુક્ત પવનોને કારણે દક્ષિણ દ્વીપકલ્પમાં પણ વાદળોની લાંબી પટ્ટીઓ સર્જાઈ છે. બીજી તરફ, પશ્ચિમ રાજસ્થાન અને તમિલનાડુના કેટલાક ભાગોમાં હજુ પણ આકાશ સ્વચ્છ છે. સેટેલાઈટની ઇન્ફ્રારેડ છબીઓમાં જમ્મુ-કાશ્મીર અને ઉત્તર-પૂર્વના વિસ્તારોમાં લાલ અને જાંબલી રંગના અત્યંત ઠંડા અને ઊંચા તોફાની વાદળો સ્પષ્ટપણે નજરે પડી રહ્યા છે.

અંતરિક્ષમાંથી ઉપગ્રહો વાદળોનું અવલોકન કેવી રીતે કરે છે?

ચોક્કસ આગાહી માટે ભારતીય હવામાન વિભાગ (IMD) ઈસરોના ખાસ વેધર સેટેલાઈટની મદદ લે છે. ઈસરો દ્વારા નિર્મિત INSAT-3DR ઉપગ્રહ પૃથ્વીથી 36000 કિલોમીટર ઉપર ભૂસ્થિર ભ્રમણકક્ષામાં રહીને દર અડધા કલાકે ભારતની હાઈ-રિઝોલ્યુશન તસવીરો મોકલે છે.

બે ખાસ કેમેરાની કમાલ

•વિજિબલ ચેનલ: આ કેમેરો સૂર્યપ્રકાશના પ્રતિબિંબને કેપ્ચર કરે છે. તસવીરમાં વાદળો જેટલા વધુ સફેદ અને તેજસ્વી દેખાય, તેટલા જ તે વધુ જાડા અને વરસાદી હોવાનું સાબિત થાય છે.

•થર્મલ ઇન્ફ્રારેડ ચેનલ: 10.8 માઇક્રોમીટરની આવર્તન પર કામ કરતો આ કેમેરો પ્રકાશને બદલે ગરમી માપે છે. તે દિવસ-રાત સતત કાર્યરત રહીને વાદળની સપાટીનું તાપમાન માપે છે, જેનાથી વાદળોની ઊંચાઈ અને તોફાનની તીવ્રતા જાણી શકાય છે.

હવામાન વિભાગ આ સેટેલાઈટ ડેટાના આધારે દેશના જુદા-જુદા રાજ્યો માટે એલર્ટ જાહેર કરી રહ્યું છે અને બદલાતી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.