India

હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહી, 14 રાજ્યોમાં એલર્ટ, મહારાષ્ટ્રમાં મોટી આફતની ચેતવણી

By GS Team
5 Jul 20263 mins read
TukuTouch Logo
બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે દેશભરમાં ચોમાસું આક્રમક બન્યું છે. IMD દ્વારા આગામી 48 કલાક માટે ભારે વરસાદનું એલર્ટ અપાયું છે. મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યાં મુંબઈમાં 2 લોકોના મોત થયા છે અને અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિશા, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદની આગાહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહી, 14 રાજ્યોમાં એલર્ટ, મહારાષ્ટ્રમાં મોટી આફતની ચેતવણી

India Monsoon Red Alert : બંગાળની ખાડીમાં સર્જાયેલા ગંભીર લો પ્રેશરના કારણે દેશભરમાં ચોમાસું અત્યંત આક્રમક બન્યું છે. હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી 48 કલાક માટે દેશના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ અતિવૃષ્ટિની સૌથી ગંભીર અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે, જ્યાં મુંબઈ, પુણે અને રત્નાગિરી સહિતના વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદ અને ભારે ઝડપે પવન ફૂંકાતા જનજીવન પ્રભાવિત થયું છે અને અસંખ્ય વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ મોનસૂન સંપૂર્ણ સક્રિય હોવાથી રાજકોટ, જૂનાગઢ અને અમરેલી જેવા જિલ્લાઓમાં અતિ તીવ્ર વરસાદની કડક ચેતવણી જારી કરવામાં આવી છે.

મહારાષ્ટ્ર વધુ આફતની આગાહી, મુંબઈમાં અનેક વૃક્ષો ધરાશાયી, 2 મોત
મહારાષ્ટ્રના મુંબઈ, પુણે, સતારા અને રત્નાગિરી જેવા મોટા શહેરો માટે 6 જુલાઈએ રેડ એલર્ટ જાહેર કરાયું છે. મુંબઈમાં તેજ પવનના લીધે અનેક જગ્યાએ વૃક્ષો પડવાની દુર્ઘટનાઓ બની છે. કુર્લા વિસ્તારમાં એક મોટું વૃક્ષ દુકાન પર પડતાં 63 વર્ષીય વૃદ્ધનું ગંભીર ઈજાના કારણે મોત નીપજ્યું હતું, જ્યારે આરે કોલોનીમાં બાઈક પર વૃક્ષની ડાળી પડતાં 18 વર્ષના એક યુવકે જીવ ગુમાવ્યો છે. તટીય વિસ્તારોમાં દરિયામાં ઊંચા મોજા ઉછળવાની આશંકા વચ્ચે ફાયર બ્રિગેડ અને આપત્તિ વ્યવસ્થાપનની ટીમો તહેનાત કરી દેવાઈ છે.

ગુજરાત: સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ
ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રદેશોમાં આગામી 6 જુલાઈ સુધી અત્યંત તીવ્ર વરસાદી દોર ચાલુ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અને ભારે વરસાદની ખાસ ચેતવણી આપી છે. આ વિસ્તારોમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ પડવાની આશંકા છે.

છત્તીસગઢ: રાજધાની રાયપુરમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
છત્તીસગઢના 6 જુલાઈ સુધી મોટાભાગના જિલ્લાઓમાં આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પ્રબળ સંભાવના છે. રાજધાની રાયપુર સહિતના સુદૂર વિસ્તારો માટે રેડ એલર્ટ જારી કરાયું છે. વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી વહીવટી તંત્રને એલર્ટ કરાયું છે.

રાજસ્થાન: જયપુર સહિતના શહેરોમાં ઓરેન્જ એલર્ટ
પૂર્વ રાજસ્થાનના જયપુર, ઉદયપુર અને અજમેર જેવા મોટા શહેરો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં કેટલાક સ્થળોએ 6 જુલાઈ સુધી અતિભારે વરસાદ પડી શકે છે, જ્યારે પશ્ચિમ રાજસ્થાનના જોધપુર અને બીકાનેર જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે.

મધ્યપ્રદેશ: ઇન્દોર-ભોપાલ સહિતના વિસ્તારોમાં હાઈ એલર્ટ
મધ્યપ્રદેશના પશ્ચિમ અને પૂર્વીય બંને ભાગોમાં ચોમાસું મહેરબાન છે. ઇન્દોર, ભોપાલ અને જબલપુર સહિત રાજ્યના અગ્રણી શહેરોમાં 6 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને આકાશી વીજળીથી સાવચેત રહેવા સૂચના અપાઈ છે.

ઓડિશા: દરિયાકાંઠાના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ યથાવત
બંગાળની ખાડીની સિસ્ટમના કારણે ઓડિશામાં વરસાદનો સિલસિલો ચાલુ રહેશે. બાલાસોર સહિતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ઝડપે પવન ફૂંકાવાની શક્યતા સાથે 6 જુલાઈએ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ: પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનો ખતરો
બંને પહાડી રાજ્યોમાં ભારે વરસાદને પગલે 6 જુલાઈએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દેહરાદૂન, શિમલા અને મનાલી જેવા પ્રવાસન સ્થળો પર અતિવૃષ્ટિના લીધે લેન્ડસ્લાઇડ (ભૂસ્ખલન) થવાની સંભાવના હોવાથી પ્રવાસીઓને નદી-નાળાઓથી દૂર રહેવાની કડક સલાહ અપાઈ છે.

ઉત્તર પ્રદેશ, દિલ્હી અને હરિયાણા: ગાજવીજ સાથે યેલો એલર્ટ
ઉત્તર પ્રદેશના લખનઉ, કાનપુર અને નોઇડા જેવા શહેરોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાને પગલે 6 જુલાઈએ યલ્લો એલર્ટ અપાયું છે. દેશની રાજધાની દિલ્હી, ચંદીગઢ અને હરિયાણાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ઝડપી પવન, ધૂળભરી આંધી સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે.

બિહાર અને ઝારખંડ: આકાશી વીજળીની ચેતવણી
ઝારખંડના મોટાભાગના વિસ્તારોમાં 6 જુલાઈએ વ્યાપક વરસાદનું અનુમાન છે. બિહારના પટના અને ગયા સહિતના જિલ્લાઓમાં વીજળી પડવાની આશંકા સાથે હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કરીને લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે.