ચેટજીપીટી અને જેમિનીને ટક્કર આપવા મેટાએ Muse Image લોન્ચ કર્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

તે લખેલા પ્રોમ્પટની સાથે સાથે ફોટો, સ્કેચ અને અન્ય રેફરન્સના આધારે પણ તસવીરો તૈયાર કરશે
કેલિફોર્નિયા : ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાએ એઆઈ ઇમેજ જનરેશન સિસ્ટમ મ્યુસ ઈમેજ લોન્ચ કરી છે. મેટા સુપરઈન્ટેલિજન્સ લેબ્સ દ્વારા ડેવલપ કરવામાં આવેલું આ કંપનીનું પહેલું ઇન-હાઉસ એઆઈ ઇમેજ મોડેલ છે. તે માત્ર લખેલા પ્રોમ્પ્ટ પરથી જ નહીં, પરંતુ ફોટો, સ્કેચ અને અન્ય રેફરન્સના આધારે પણ નવી તસવીરો તૈયાર કરી શકે છે.
મેટાના જણાવ્યા મુજબ મ્યુસ ઈમેજ અગાઉની એઆઈ ટૂલ્સ કરતા વધુ ચોકસાઈથી સૂચનાઓને સમજે છે. યુઝર કોઈ ફોટામાં ફેરફાર કરવા માટે તેમાં સીધું ડ્રોઈંગ કરી શકે છે. કોઈ ચોક્કસ પાર્ટ બદલવા કહી શકે છે અથવા અનેક તસવીરોને જોડીને નવી ઇમેજ બનાવી શકે છે. આ ટૂલ પોસ્ટર, ઈન્વિટેશન કાર્ડ, સોશિયલ મીડિયા પોસ્ટ, ઇલસ્ટ્રેશન અને અન્ય ક્રિએટીવ ડિઝાઇન તૈયાર કરવામાં પણ મદદરૂપ બનશે.
આ સાથે જ મેટાએ મ્યૂસ વીડિયોનો પ્રિવ્યૂ પણ રજૂ કર્યો છે. આ મોડલ ટેક્સ્ટ અથવા તસવીરોના આધારે વીડિયો તૈયાર કરી શકે છે. મેટા સુપરઈન્ટેલિજન્સ લેબ્સના વડા એલેક્ઝાન્ડર વાંગે જણાવ્યું કે, યુઝર પોતાના જીવન સાથે જોડાયેલા ફોટા અને માહિતીનો ઉપયોગ કરે છે ત્યારે તે સૌથી સારું પરિણામ આપે છે.
નવી ટૂલના લોન્ચિંગ સાથે વિવાદ પણ સર્જાયો છે. તે ઈન્સ્ટાગ્રામના પબ્લિક પ્રોફાઈલના ફોટોને રિક્રેટ કરવાનું ઓપ્શન પણ આપે છે. જેનાથી પ્રાઈવસીનો ખતરો ઊભો થયો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક વર્ષમાં એઆઈ ઈમેજ જનરેશન સેક્ટરમાં ઓપનએઆઈ અને ગૂગલ આગળ વધ્યા છે. તેમને ટક્કર આપવા માટે મેટાએ એવું ઈમેજ જનરેશન મોડલ બનાવ્યું છે જેનો ઉપયોગ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, મેસેન્જર અને વ્હોટ્સએપમાં વધુ થશે.









