India

'નાવિકો પર હુમલો સાંખી નહીં લેવાય', ઓમાનમાં 13 ભારતીયોના રેસ્ક્યુ બાદ વિદેશ મંત્રાલયનું નિવેદન

By GS Team
14 Sep 20262 mins read
TukuTouch Logo
ઓમાનના દરિયાકાંઠે 'MT El Gaia' જહાજ પર હુમલો થતા 14 ભારતીય ક્રૂ મેમ્બર્સમાંથી 13 સુરક્ષિત છે, જ્યારે 1 લાપતા છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ હુમલાની સખત નિંદા કરી શાંતિ જાળવવા અપીલ કરી છે. ઓમાન દૂતાવાસ બચાવ કામગીરી પર નજર રાખી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર હિંસા અસ્વીકાર્ય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'નાવિકો પર હુમલો સાંખી નહીં લેવાય', ઓમાનમાં 13 ભારતીયોના રેસ્ક્યુ બાદ વિદેશ મંત્રાલયનું નિવેદન

Oman Ship Attack : પશ્ચિમ એશિયાના અત્યંત સંવેદનશીલ દરિયાઈ વિસ્તારમાં વેપારી જહાજો પર વધી રહેલા હુમલાઓએ વૈશ્વિક સ્તરે સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. તાજેતરમાં ઓમાનના દરિયાકાંઠે એક વેપારી જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ ભારત સરકારના વિદેશ મંત્રાલયે વિરોધ નોંધાવ્યો છે અને દરિયાઈ ક્ષેત્રમાં વધતા તણાવ સામે ચિંતા વ્યક્ત કરી છે. આ જહાજ પર ઉપસ્થિત મોટાભાગના ક્રૂ મેમ્બર્સ ભારતીય નાગરિકો હતા, જેના કારણે સમગ્ર મામલો ભારત માટે પણ સંવેદનશીલ બની ગયો છે.

13 ભારતીય નાગરિકો સુરક્ષિત, 1 લાપતા નાવિકની શોધખોળ તેજ

ઓમાન તટ નજીક કમર્શિયલ જહાજ 'MT El Gaia' પર હુમલો થયો હતો. આ જહાજ પર કુલ 14 ભારતીય ક્રૂ સભ્યો સવાર હતા. હુમલા બાદ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં 13 ભારતીય ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 1 ભારતીય નાવિક હજુ પણ લાપતા છે.

અમે ઓમાન તટ નજીક કોમર્શિયલ જહાજ MT El Gaia પર થયેલા હુમલાની સખત નિંદા કરીએ છીએ. જહાજ પર સવાર 14 ભારતીય ક્રૂ મેમ્બર્સમાંથી અત્યાર સુધીમાં 13 ભારતીયોને બચાવી લેવાયા છે. લાપતા ભારતીય નાગરિક માટે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન આગળ વધારવામાં આવી રહ્યું છે. ઓમાનમાં સ્થિત અમારું દૂતાવાસ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને ઓમાન પ્રશાસન સાથે સંકલન સાધી રહ્યું છે. — વિદેશ મંત્રાલય (MEA), ભારત સરકાર

ભારતીય વિદેશ મંત્રાલયે મુશ્કેલ પરિસ્થિતિમાં ભારતીય નાગરિકોને બચાવવા માટે ઓમાન દ્વારા આપવામાં આવેલા સહયોગ બદલ તેમનો આભાર પણ માન્યો હતો.

આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર હિંસા અસ્વીકાર્ય: ભારતે કરી શાંતિની અપીલ

ભારતે સમગ્ર પ્રદેશમાં હિંસા ઘટાડવા અને સમસ્યાનું નિરાકરણ કૂટનીતિ દ્વારા લાવવા પર ભાર મૂક્યો છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ જણાવ્યું કે દરિયાઈ વેપાર, નાવિકો અને સામાન્ય નાગરિક માળખાને નિશાન બનાવવું કોઈ પણ રીતે ચલાવી શકાય નહીં.

અમે ફરી એકવાર અપીલ કરીએ છીએ કે તણાવ તાત્કાલિક ઓછો કરવામાં આવે અને આ ક્ષેત્રમાં શાંતિ સ્થાપવા માટે વાતચીત અને કૂટનીતિનો માર્ગ અપનાવવામાં આવે. વ્યાપારી જહાજો, નાવિકો, નાગરિકો અને સિવિલિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવું સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. અમે એ પણ આગ્રહ રાખીએ છીએ કે આ ક્ષેત્રના આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પરથી મુક્ત અને સલામત નેવિગેશન તેમજ વાણિજ્યિક વ્યવહાર વહેલી તકે પુનઃસ્થાપિત થાય.— વિદેશ મંત્રાલય (MEA)