Mani Shankar Aiyar Slams Congress Leaders : હંમેશા વિવાદાસ્પદ નિવેદનોના કારણે ચર્ચામાં રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે પોતાની જ પાર્ટીના નેતાઓ સામે મોરચો ખોલીને રાજકીય વાતાવરણ ગરમાવી દીધું છે. તેમણે એક સરકારી કાર્યક્રમમાં કેરળના મુખ્યમંત્રીની ભરપેટ વખાણ કર્યા છે, તો રાહુલ ગાંધી વિરુદ્ધ કટાક્ષ કર્યો છે. એટલું જ નહીં, તેમણે શશી થરૂર, પવન ખેડા અને જયરામ રમેશ જેવા દિગ્ગજ નેતાઓ સામે જાહેરમાં રોષ વ્યક્ત કર્યો છે.
કેરળના CMના ભરપૂર વખાણ
તિવનંદપુરમમાં એક સરકારી કાર્યક્રમમાં અય્યરે કહ્યું કે, કેરળની વિધાનસભા ચૂંટણીમાં વર્તમાન મુખ્યમંત્રી પિનરાઈ વિજયન જ મુખ્યમંત્રી યથાવત્ રહેશે. કેરળે પંચાયતી રાજમાં ઘણી પ્રગતિ કરી છે અને કોંગ્રેસ આ ‘બેટન’ (નાની અને હળવી લાકડી)ને છોડી દીધી છે, તેથી જ વિજયને તે ઉઠાવવી જોઈએ.
હું રાહુલવાદી નથી : અય્યર
તેમણે કહ્યું છે કે, તેઓ ગાંધીવાદી અને રાજીવવાદી છે, પરંતુ રાહુલવાદી નથી. તેમણે રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે કે, તેઓ ભૂલી ગયા કે, અય્યર પાર્ટીના સભ્ય છે. અય્યરને ડૉ. આંબેડકરના જીવનનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, આજે કે. સી. વેણુગોપાલને મોટી જવાબદારી સોંપવામાં આવી છે, કોંગ્રેસે પવન ખેડા જેવા વ્યક્તિને સત્તાવાર પ્રવક્તા બનાવીને રાખ્યા છે. આખરે પાર્ટી આટલી મોટી મૂર્ખામી કેવી રીતે કરી શકે, તેઓ તો માત્ર કઠપૂતળી છે.
પવન ખેડા અને શશી થરૂર પર પણ સાધ્યું નિશાન
અય્યરે ખાસ કરીને પવન ખેડા પર આકરા પ્રહારો કરતાં તેમને પાર્ટીની 'કઠપૂતળી' ગણાવ્યા હતા. તેમણે ટીકા કરતાં કહ્યું કે, 'ખેડા કોઈ વાસ્તવિક પ્રવક્તા નથી પરંતુ એક હતાશ પૂર્વ અધિકારી છે, જે છેલ્લા બે વર્ષથી તેમને અપશબ્દો કહી રહ્યા છે.' આ ઉપરાંત, તેમણે શશી થરૂરને 'પાકિસ્તાન વિરોધી' ગણાવીને એવો કટાક્ષ કર્યો હતો કે થરૂરની મહત્ત્વાકાંક્ષા આગામી વિદેશ મંત્રી બનવાની છે, જ્યારે જયરામ રમેશ માત્ર પોતાનો હોદ્દો કે નોકરી બચાવવા માટે જ મથામણ કરી રહ્યા છે.
અય્યરનો પાર્ટી સાથે કોઈ સંબંધ નથી : કોંગ્રેસ
અય્યરના નિવેદન બાદ કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ કહ્યું છે કે, અનુભવી નેતા અય્યરનો ઘણા સમયથી પાર્ટી સાથે કોઈ સંબંધ નથી, તેઓ સંપૂર્ણ વ્યક્તિગત બોલે છે અને લખે છે. આ ઉપરાંત કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પવન ખેડીની પોસ્ટને રિપોસ્ટ કરતાં લખ્યું છે કે, ‘કોઈ શંકા કરવાની જરૂર નથી, કેરળની પ્રજા જવાબદાર શાસન માટે યુડીએફને ફરી સત્તામાં લાવશે. તેઓ જાણે છે કે, એલડીએફ અને ભાજપ સિક્રેટ પાર્ટનર છે.’
આ પણ વાંચો : ટીપુ સુલતાન અંગેનો વિવાદ વકર્યો, ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો, 9 ઈજાગ્રસ્ત


