'મેં ક્યારેય રૂપિયો નથી લીધો...', TMC કાર્યાલયમાં આત્મહત્યા કરનારા આશીષ બેનરજીની સુસાઇડ નોટ સામે આવી, મમતાએ સૌથી વિશ્વસનીય નેતા ગુમાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Aashish Banerjee Died : પશ્ચિમ બંગાળ વિધાનસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકર અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) તરફથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા વરિષ્ઠ નેતા આશીષ બેનરજીનો મૃતદેહ રવિવારે સવારે બીરભૂમ જિલ્લાના રામપુરહાટ સ્થિત તેમના નિવાસસ્થાન નજીક આવેલા પાર્ટી કાર્યાલયમાંથી ફાંસીથી લટકેલી હાલતમાં મળી આવ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અને પશ્ચિમ બંગાળના રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીના અત્યંત કટોકટીના સાથી અને નજીકના માનવામાં આવતા આશીષ બેનરજીના આ શંકાસ્પદ મોત અંગે પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને તપાસ શરૂ કરી છે.
સુસાઇડ નોટમાં આશીષ બેનરજીનું દર્દ છલકાયું
પશ્ચિમ બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર અને તૃણમૂલ કોંગ્રેસના સિનિયર નેતા આશીષ બેનરજીના રહસ્યમય મોત બાદ તેમની હાથથી લખેલી એક સનસનાટીભરી સુસાઇડ નોટ સામે આવી છે. TMC પ્રવક્તા નિલંજન દાસે સોશિયલ મીડિયા પર શેર કરેલા આ પત્રમાં આશીષ બેનરજીએ પોતાને નિર્દોષ ગણાવતા કહ્યું છે કે મારા પર લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના તમામ આક્ષેપો સાવ પાયાવિહોણા છે અને મને સમાજમાં બદનામ કરવા માટે જ આ રાજકીય રમત રમાઈ હતી.
"વિદ્યાર્થીકાળથી રાજકારણમાં છું, પણ ક્યારેય રૂપિયો નથી લીધો"
સુસાઇડ નોટમાં પોતાના ભૂતકાળને યાદ કરતા તેમણે લખ્યું હતું કે, હું પોતાના વિદ્યાર્થીકાળથી જ સક્રિય રાજકારણ સાથે જોડાયેલો રહ્યો છું. બર્ધવાન યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ યુનિયનના જનરલ સેક્રેટરી તરીકેના દિવસોથી લઈને ધારાસભ્ય અને મંત્રી બનવા સુધીના સફરમાં મેં ક્યારેય કોઈ પણ પ્રકારનો આર્થિક ભ્રષ્ટાચાર કર્યો નથી. પક્ષ તરફથી અનેક પદો અને હોદ્દાઓ આપવા છતાં મેં ક્યારેય પદનો મોહ રાખ્યો નહોતો.
TRDA કૌભાંડ પર સ્પષ્ટતા
પોતાના પર લાગેલા આક્ષેપો અંગે ચોખવટ કરતા તેમણે લખ્યું હતું કે, "તારકેશ્વર ડેવલપમેન્ટ ઓથોરિટી (TRDA) માં માત્ર જનરલ મીટિંગો યોજાતી હતી. હું ન તો ટ્રાન્સફર કમિટીમાં હતો કે ન તો મારી પાસે કોઈ ચેક ઈશ્યૂ કરવાની કે સહી કરવાની સત્તા હતી. મેં ક્યારેય કોઈ પ્લાન પાસ કર્યો નથી કે NOC જારી કર્યું નથી. તેમ છતાં મને બદનામ કરવા માટે ખોટા આક્ષેપો મૂકીને મારી સામે ખેલ ખેલવામાં આવ્યો."
યુવાનોને રાજકારણથી દૂર રહેવા સલાહ
પોતાના શિક્ષણકાળ અને વિદ્યાર્થીઓ પ્રત્યેના પ્રેમને યાદ કરતા આશીષ બેનરજીએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, મેં આખું જીવન નિઃસ્વાર્થભાવે વિદ્યાર્થીઓને ભણાવવામાં વિતાવ્યું છે. વર્તમાન પરિસ્થિતિ અંગે ખેદ વ્યક્ત કરતા તેમણે કૉલેજના યુવાનોને સંદેશ આપ્યો હતો કે, "આવનારા દિવસોમાં રાજકારણ માત્ર એક યુદ્ધભૂમિ બની રહેશે. તેથી મારી કૉલેજના બાળકોને વિનંતી છે કે તેઓ રાજકારણમાં ન પડે, પોતાના ક્ષેત્રમાં મહેનત કરે, શાંતિ અને શિસ્ત જાળવે અને સારા માણસ બને."
અંતિમ વિદાય અને પરિવાર માટે સંદેશ
પોતાના પત્રના અંતમાં તેમણે અત્યંત કરુણ શબ્દોમાં લખ્યું હતું કે, "હવે મારો વિદાય લેવાનો સમય આવી ગયો છે. વગર વાંકે ઊભા કરાયેલા આક્ષેપો અને શંકાઓથી પરેશાન થઈને હું ખૂબ જ સાવચેતીપૂર્વક મારો આ માળો (જીવન) સમેટી રહ્યો છું." તેમણે પોતાના પરિવારના સભ્યોને શાંત રહેવા અને હિંમત સાથે સત્યના માર્ગે જીવવાની સલાહ આપી હતી. પત્રના અંતે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, "મારા આ પગલાં કે મોતના નિર્ણય માટે કોઈ વ્યક્તિ જવાબદાર નથી."
પાર્ટી કાર્યાલયમાંથી મળી આવ્યો મૃતદેહ
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બીરભૂમ જિલ્લાના રામપુરહાટમાં આશીષ બેનરજીના ઘરની બિલકુલ બાજુમાં આવેલી TMC ઓફિસમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિની સમીક્ષા કરી મૃતદેહને તાત્કાલિક કબજે લઈને પંચનામું કર્યું હતું. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ ઘટના પાછળના કારણો જાણવા માટે પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
સતત 5 વખત ચુંટાયા, રાજ્યના શિક્ષણ અને કૃષિ મંત્રી રહ્યા
આશીષ બેનરજી તૃણમૂલ કોંગ્રેસના સ્થાપના કાળથી જ બીરભૂમ જિલ્લાનો મોટો ચહેરો રહ્યા હતા:
5 વખત ધારાસભ્ય: તેઓ બીરભૂમ જિલ્લાની રામપુરહાટ બેઠક પરથી વર્ષ 2001, 2006, 2011, 2016 અને 2021 માં સતત પાંચ વખત ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા.
મંત્રીપદ અને મહત્ત્વના હોદ્દા: મમતા બેનરજી જ્યારે પ્રથમ વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા ત્યારે આશીષ બેનરજીએ રાજ્યના શિક્ષણ મંત્રી અને કૃષિ મંત્રી તરીકે મહત્વની જવાબદારીઓ સંભાળી હતી. તેઓ પશ્ચિમ બંગાળ વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર તરીકે પણ સેવા આપી ચૂક્યા હતા.
આ વર્ષે થયેલી ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો
ઉલ્લેખનીય છે કે, સતત પાંચ ચૂંટણી જીતનારા આશીષ બેનરજીને આ વર્ષના પ્રારંભમાં યોજાયેલી બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના ઉમેદવાર ધ્રુવ સાહા સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. હાર બાદથી જ તેઓ જાહેર જીવનમાં થોડા શાંત જણાતા હતા, પરંતુ તેમના આ પ્રકારે અચાનક થયેલા શંકાસ્પદ અવસાનથી તેમના સમર્થકો અને પક્ષના કાર્યકરોમાં શોકની કાલીમા છવાઈ ગઈ છે.









