India

બંગાળમાં મમતા 3 વાર CM બન્યા, ઓડિશામાં 25 વર્ષ BJD સત્તામાં: એન્ટી-ઇન્કમ્બન્સી મુદ્દે રાહુલ ગાંધી પર BJPનો વળતો પ્રહાર

By GS Team
24 Sep 20264 mins read
TukuTouch Logo
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને લઈને રાજકારણ ગરમાયું છે. લોકસભાના વિપક્ષી નેતાએ ચૂંટણી પ્રક્રિયા સામે સવાલો ઉઠાવી રાજીનામાની માંગ કરી હતી. ભાજપે પલટવાર કરતાં કહ્યું કે, વિપક્ષી નેતાની રાજકીય સમજ શૂન્ય છે. 1990 પછી બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ સત્તામાં નથી. વાસ્તવિક એન્ટી-ઇન્કમ્બન્સી ગાંધી પરિવારની અંદર જ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બંગાળમાં મમતા 3 વાર CM બન્યા, ઓડિશામાં 25 વર્ષ BJD સત્તામાં: એન્ટી-ઇન્કમ્બન્સી મુદ્દે રાહુલ ગાંધી પર BJPનો વળતો પ્રહાર

BJP Slams Rahul Gandhi : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને લઈને દેશનું રાજકારણ ગરમાયું છે. લોકસભામાં વિપક્ષના નેતા દ્વારા ચૂંટણી પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઊભા કરીને રાજીનામાની માંગ કરવામાં આવી હતી. આ સાથે તેમણે ભાજપ સામે સત્તા વિરોધી લહેર એટલે કે એન્ટી-ઇન્કમ્બન્સી કેમ કામ નથી કરતી તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ નિવેદન બાદ ભાજપે આકરો પલટવાર કરતાં જણાવ્યું હતું કે, વિપક્ષી નેતાની રાજકીય સમજ શૂન્ય છે અને કોંગ્રેસ હવે સત્તા મેળવવા માટે તરફડિયાં મારી રહી છે.

કોંગ્રેસના જૂનાગઢમાં સત્તા વિરોધી લહેરના ઉદાહરણો

પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થતાં જ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી(Sudhanshu Trivedi) મેદાનમાં આવ્યા હતા અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે, 'બિહારમાં વર્ષ 1990 પછી ક્યારેય કોંગ્રેસ રહી નથી અને ત્યાં લાલુ યાદવની સરકાર 3 વખત રહી, ઓડિશામાં વર્ષ 1999 પછી કોંગ્રેસ સરકાર બની નથી અને 25 વર્ષ કરતાં પણ વધુ સમય સુધી બીજુ જનતા દળનું શાસન રહ્યું, પશ્ચિમ બંગાળમાં સતત 3 વાર મમતા બેનર્જીની સરકાર બની તેમજ વર્ષ 1989 પછી ઉત્તર પ્રદેશમાં પણ કોંગ્રેસ આવી નથી જે ગાંધી પરિવારનું ગૃહ રાજ્ય હતું, પરંતુ કદાચ વિપક્ષી નેતાને આ વાતની જાણ નથી.'

રાહુલમાં રાજકીય જ્ઞાન સાવ શૂન્ય : ભાજપનો વળતો પ્રહાર

વિપક્ષી નેતાની રાજકીય પરિપક્વતા સામે પ્રહાર કરતાં ભાજપના પ્રવક્તાએ જણાવ્યું કે, 'તેઓ એવો દાવો કરે છે કે છેલ્લા 50 વર્ષથી આ બધું જોઈ રહ્યા છે, એટલે કે તેઓ 5-6 વર્ષના હતા ત્યારથી જ બધું જાણી રહ્યા છે, વાસ્તવમાં તેમનામાં રાજકીય સમજણનો ભારે અભાવ છે, તેમનું રાજકીય જ્ઞાન સાવ શૂન્ય છે અને તેઓ પોતાની બેઠક પણ સમાજવાદી પાર્ટીની મદદથી જીતી રહ્યા છે.'

આ પણ વાંચો : રાહુલ ગાંધીનો PM, ગૃહમંત્રી અને CEC જ્ઞાનેશ કુમાર પર આરોપ

વાસ્તવિક એન્ટી-ઇન્કમ્બન્સી ગાંધી પરિવારની અંદર : સુધાંશુ ત્રિવેદી

દેશની ચૂંટણી વ્યવસ્થા અને પરિણામો અંગે વાત કરતાં ભાજપના પ્રવક્તાએ જણાવ્યું કે, 'દેશમાં જ્યારથી પારદર્શક ચૂંટણીઓ શરૂ થઈ છે, સીસીટીવી કેમેરા આવ્યા છે તેમજ સ્વતંત્ર મીડિયા અને સ્વતંત્ર ન્યાયતંત્ર બન્યું છે ત્યારથી કોંગ્રેસ માટે સત્તામાં આવવાના ફાંફા પડી ગયા છે, વાસ્તવિક એન્ટી-ઇન્કમ્બન્સી ગાંધી પરિવારની અંદર છે અને કોંગ્રેસ સામેનો જનાક્રોશ એટલો વધી ગયો છે કે તેઓ અન્ય પક્ષોના ટેકા વિના પોતાની ખાનદાની બેઠકો અમેઠી અને રાયબરેલી પણ જીતી શકે તેમ નથી.'

વિવાદિત મીડિયા રિપોર્ટના આધાર સામે ઉઠાવ્યા સવાલ

ચૂંટણી પંચ સંબંધિત અહેવાલની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઊભો કરતાં ભાજપના પ્રવક્તાએ જણાવ્યું કે, 'એક ન્યૂઝ રિપોર્ટનો હવાલો આપવામાં આવી રહ્યો છે પરંતુ હું પૂછવા માંગુ છું કે શું તેમાં કોઈ અધિકૃત નિવેદન છે, શું એક પણ એવી રિપોર્ટ છે જેમાં કહેવાયું હોય કે પંચનો નિર્ણય સર્વસંમતિથી લેવાયો ન હતો, જે અહેવાલ સામે આવ્યો છે તેનો સાચો આધાર શું છે કારણ કે તેમાં કોઈ પણ ચૂંટણી કમિશનરનું સત્તાવાર નિવેદન લેવામાં આવ્યું નથી.'

રાહુલે પ્રેસ કોન્ફરન્સમાં લગાવ્યા હતા ગંભીર આક્ષેપ

ભાજપના આ પલટવાર પહેલાં યોજાયેલી પત્રકાર પરિષદમાં કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર પ્રહાર કરતાં વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, 'હું 50 વર્ષથી વધુ સમયથી આ દેશનું રાજકારણ જોઈ રહ્યો છું, ભારતમાં એન્ટી-ઇન્કમ્બન્સી એક પાયાનું બળ છે જેનાથી કોઈ સરકાર બચી શકતી નથી, બાંગ્લાદેશ યુદ્ધ જીત્યા બાદ ઇન્દિરા ગાંધી સામે પણ વિરોધી લહેર ઊભી થઈ હતી પરંતુ હરિયાણા, મહારાષ્ટ્ર, યુપી, એમપી અને ગુજરાતમાં ભાજપ સામે આ લહેર કેમ ગાયબ થઈ જાય છે તે મોટો સવાલ છે.'

વોટ ચોરીથી કાયદા અને સંસ્થાઓની ચોરીનો દાવો

ચૂંટણી પ્રક્રિયા અંગે આગળ વાત કરતાં વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, 'મતદાનથી બંધારણને શક્તિ મળે છે અને જો વોટ જ ખતમ થઈ જાય તો બંધારણ અને તેના કાયદાઓ પણ ગેરકાયદે બની જાય છે, દેશમાં પહેલાં વોટની ચોરી થઈ, તેમાંથી કાયદાની ચોરી થઈ અને પછી આખી સંસ્થાઓની ચોરી થઈ રહી છે.'

CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની કરી હતી માંગ

મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક અને તાજેતરના વિવાદો પર બોલતાં વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, 'ચૂંટણી પંચના બે કમિશનરો સુખબીર સિંહ સંધૂ (Sukhbir Singh Sandhu) અને વિવેક જોશી(Vivek Joshi)એ છેલ્લા 10 મહિનામાં 14 વખત વાંધો નોંધાવીને ઉત્તમ કામ કર્યું છે, જ્ઞાનેશ કુમારને મોદી-શાહ બચાવી રહ્યા છે તેથી તેમણે તાત્કાલિક રાજીનામું આપીને આ સમગ્ર ગરબડના સાક્ષી એટલે કે અપ્રૂવર બની જવું જોઈએ.'