ગુજરાતથી હરિયાણા સુધી ચૂંટણીનો ઉલ્લેખ, વોટ ચોરીના દાવા સાથે રાહુલ ગાંધીનો PM, ગૃહમંત્રી અને CEC જ્ઞાનેશ કુમાર પર આરોપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rahul Gandhi Press Conference : કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં કેન્દ્ર સરકાર, ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચ પર અત્યંત આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની નિમણૂક, પંચની કાર્યપ્રણાલી, નિર્ણયો અને મતદાર યાદી સુધારણામાં કરવામાં આવેલી કથિત અનિયમિતતાઓ સામે ગંભીર સવાલો ઊભા કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે દેશમાં મતાધિકારને નષ્ટ કરીને કાયદા અને બંધારણીય સંસ્થાઓને ખતમ કરવામાં આવી રહી છે, જે દરેક ભારતીય નાગરિકની લોકતાંત્રિક અભિવ્યક્તિ અને બંધારણીય માળખા પર સીધો હુમલો છે.
પત્રકાર પરિષદ પહેલાં X પર પોસ્ટ
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ શરૂ કરતા પહેલાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ મૂકીને જણાવ્યું કે, 'બંધારણના દુશ્મનોનો પર્દાફાશ થઈ ગયો છે અને હવે ન્યાય ચોક્કસપણે મળશે, હું આ મામલે સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ સંબોધીશ.'
ભારતમાં એન્ટી-ઇન્કમ્બન્સી એક પાયાનું રાજકીય બળ : રાહુલ ગાંધી
પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં રાહુલ ગાંધીએ પોતાના રાજકીય અનુભવ અને એન્ટી-ઇન્કમ્બન્સી અંગે વાત કરતાં જણાવ્યું કે, 'હું એક રાજકીય પરિવારમાંથી આવું છું અને મેં મારી જિંદગીના 50 વર્ષથી વધુ સમય આ રાજકીય માહોલમાં વિતાવ્યા છે, ભારતમાં એન્ટી-ઇન્કમ્બન્સી એક પાયાનું રાજકીય બળ છે જે કોઈપણ સરકાર સામે બહુ ઝડપથી વિરોધમાં ઊભું થઈ જાય છે અને તેનાથી કોઈ પણ બચી શકતું નથી.'
રાહુલે ઈન્દિરા ગાંધીના શાસનનું ઉદાહરણ આપ્યું
ભૂતકાળના રાજકીય પ્રવાહો યાદ અપાવતા રાહુલ ગાંધીએ પૂર્વ વડાપ્રધાનનો સંદર્ભ આપતાં જણાવ્યું કે, 'ઈન્દિરા ગાંધીએ બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ જીત્યું ત્યારે તેઓ પોતાની લોકપ્રિયતાના સર્વોચ્ચ શિખરે હતા, તેમ છતાં માત્ર બેથી ત્રણ વર્ષના ગાળામાં જ તેમને પ્રચંડ સત્તા વિરોધી લહેર અને ભારે રાજકીય દબાણનો સામનો કરવો પડ્યો હતો, જે કોંગ્રેસના અન્ય નેતાઓ તથા પ્રાદેશિક પક્ષો સાથે પણ બનતું રહ્યું છે.'
‘મોદી, શાહ અને ભાજપ સામે અસંતોષ કેમ નહીં’
વડાપ્રધાન અને ગૃહમંત્રીનો વીડિયો દર્શાવ્યા બાદ સવાલ ઉઠાવતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, 'મને એ સમજાતું નથી કે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ભાજપના કિસ્સામાં આવું કેમ નથી થતું, કોઈ વ્યક્તિ કે સરકારની લોકપ્રિયતા સમજી શકાય છે પરંતુ ભાજપના શાસનમાં આ લહેર અચાનક ક્યાં ગાયબ થઈ જાય છે તે સમજવું અશક્ય છે.'
‘અચાનક સત્તા વિરોધી લહેર ખતમ થઈ ગઈ’, રાહુલે અનેક રાજ્યોનો કર્યો ઉલ્લેખ
વિવિધ રાજ્યોના ચૂંટણી પરિણામો સામે આંગળી ચીંધતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, 'હરિયાણામાં છેલ્લા 50 વર્ષથી સતત સત્તા પરિવર્તન થતું રહ્યું હતું ત્યાં અચાનક સત્તા વિરોધી લહેર ખતમ થઈ ગઈ, મહારાષ્ટ્રમાં લહેર ગાયબ થઈ ગઈ, ઉત્તર પ્રદેશમાં ક્યારેક સપા તો ક્યારેક બસપાની સરકાર બનતી હતી ત્યાં પણ આવું જ બન્યું અને મધ્ય પ્રદેશ તથા ગુજરાતમાં પણ આ જ સ્થિતિ ઊભી કરવામાં આવી છે.'
‘ભારતમાં ઈરાક-ઉત્તર કોરિયા જેવી પરિસ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ’
લોકશાહી ન હોવાના દેશોના ઉદાહરણ આપતાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે, 'જ્યાં લોકશાહી અસ્તિત્વ ધરાવતી નથી જેમ કે ઈરાક કે ઉત્તર કોરિયા, ત્યાં જ સત્તા વિરોધી લહેર જોવા મળતી નથી અને ભારતમાં પણ હવે આ જ પરિસ્થિતિ પેદા કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.'
‘દેશમાં મતોને વ્યવસ્થિત રીતે નષ્ટ કરવામાં આવ્યા’
મતદાનની તાકાતને લોકશાહીનો પાયો ગણાવતાં રાહુલ ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું કે, 'નાગરિકોનો મત જ બંધારણને શક્તિ પૂરી પાડે છે અને તેના આધારે જ દેશના કાયદા તથા સંસ્થાઓ ચાલે છે, જો તમે વોટને ખતમ કરી દો તો આપણું બંધારણ પણ તબાહ થઈ જશે, તે કામ નહીં કરી શકે અને તેનાથી બનતા કાયદા તથા સંસ્થાઓ પણ બરબાદ થઈ જશે, કારણ કે મારા મતે દેશમાં મતોને વ્યવસ્થિત રીતે નષ્ટ કરવામાં આવ્યા છે.'
વોટ ચોરીથી કાયદા અને સંસ્થાઓની ચોરી
ચૂંટણીમાં થતી કથિત ગરબડોની શ્રેણી સમજાવતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, 'દેશમાં પ્રથમ વોટની ચોરી થાય છે, વોટ ચોરીમાંથી કાયદાની ચોરી થાય છે અને કાયદાની ચોરી થવાથી આખી સંસ્થાઓની ચોરી થાય છે, આ ચેઇન હવે સમગ્ર દેશમાં વ્યવસ્થિત રીતે ચાલી રહી છે.'
ચોરીના વોટથી ચૂંટાયેલા સાંસદોના કાયદા ગેરકાયદે હોવાનો દાવો
સંસદમાં બનતા કાયદાઓની માન્યતા સામે પ્રહાર કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, 'જો સાંસદો ચોરી થયેલા વોટના જોરે સંસદ કે વિધાનસભામાં પહોંચ્યા હોય અને તેવા લોકો દ્વારા કાયદા બનાવવામાં આવે તો તે તમામ કાયદા ગેરકાયદે ગણાય અને તેના દ્વારા સંસ્થાઓમાં કરાતા ફેરફારો પણ સંપૂર્ણપણે ગેરકાયદેસર ઠરે છે.'
આરએસએસ દ્વારા સંસ્થાઓ પર કબજાનો આક્ષેપ
દેશના તંત્રમાં ચોક્કસ વિચારધારાના પ્રવેશ અંગે રાહુલ ગાંધીએ જણાવ્યું કે, 'વોટ ચોરી અને કાયદાની ચોરી બાદ શિક્ષણ વ્યવસ્થા, અમલદારશાહી અને ન્યાયતંત્રમાં આરએસએસ સાથે સંકળાયેલા લોકોને બેસાડી દેવામાં આવ્યા છે, આ દેશ વિરુદ્ધનું એક મોટું ષડયંત્ર છે જેમાં ટોચ પર ષડયંત્રકારો બેઠા છે અને નીચે તેમના કહ્યા મુજબ કામ કરનારા લોકો ગોઠવાયેલા છે.'
ચૂંટણી કમિશનરને કાયદાકીય કાર્યવાહીમાંથી રક્ષણ આપતા કાયદા સામે વાંધો
ચૂંટણી પંચ સંબંધિત કાયદાકીય સુધારા અંગે વાત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, '21 ડિસેમ્બર 2023ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા એક અત્યંત અજીબ કાયદો પસાર કરવામાં આવ્યો, જેના દ્વારા ચૂંટણી કમિશનરને તપાસ અને કાયદાકીય કાર્યવાહીમાંથી રક્ષણ આપવામાં આવ્યું છે અને તેમને દેશની કાનૂની વ્યવસ્થાના દાયરામાંથી સંપૂર્ણ બહાર કરી દેવાયા છે.'
‘PM-ગૃહમંત્રીના દબાણ હેઠળ જ્ઞાનેશ કુમારની નિમણૂક કરાઈ’
જ્ઞાનેશ કુમારની પસંદગી પ્રક્રિયા બાબતે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, 'મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક સમયે મેં દેશના વડાપ્રધાનને એક ડિસેન્ટ નોટ આપી હતી જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે ચૂંટણી પંચની સ્વાયત્તતા માટે કમિશનરોની પસંદગી કારોબારી અને સરકારના દખલ વિના મુક્ત રીતે થવી જોઈએ, પરંતુ મારી વાતને નજરઅંદાજ કરીને વડાપ્રધાન અને ગૃહમંત્રીના દબાણ હેઠળ જ્ઞાનેશ કુમારની નિમણૂક કરવામાં આવી હતી.'
‘3 વર્ષથી પુરાવા આપ્યા, ચૂંટણી પંચના સભ્યો ચૂપ રહ્યા ’
પોતાના જૂના દાવાઓનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, 'હું છેલ્લા 3 વર્ષથી ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવી રહ્યો છું અને મહારાષ્ટ્ર, કર્ણાટક તથા હરિયાણાના ઉદાહરણો આપીને પુરાવા પણ રજૂ કર્યા હતા, અમે વોટ ચોરી યાત્રા કાઢીને પ્રેઝન્ટેશન પણ આપ્યા હતા કે કઈ રીતે કેન્દ્રીયકૃત રીતે વોટ ચોરી થઈ રહી છે પરંતુ તે સમયે ચૂંટણી પંચના સભ્યો ચૂપ રહ્યા હતા.'
ચૂંટણી કમિશનરોના 14 વાંધાઓનો ખુલાસો
મીડિયાના અહેવાલનો હવાલો આપતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, 'હવે સત્તાવાર રીતે સામે આવ્યું છે કે ચૂંટણી પંચના બે કમિશનરો સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશીએ છેલ્લા 10 મહિનામાં 14 વખત નિર્ણયો સામે લેખિત વાંધો નોંધાવ્યો હતો, જે અમારા સવાલોને સમર્થન આપે છે અને ચૂંટણી પંચના આ બંને કમિશનરોએ બહાર આવીને ખૂબ સારું કામ કર્યું છે.'
ફોર્મ-6 અને નવા મતદારોની નોંધણીમાં છેડછાડ
મતદાર યાદીની આંતરિક વિગતો અંગે માહિતી આપતાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે, 'એસઆઇઆર પ્રક્રિયા, નવા મતદારોના રજિસ્ટ્રેશન માટે વપરાતા ફોર્મ-6માં કરવામાં આવેલા કથિત નિયમવિરુદ્ધ ફેરફારો, મતદાર યાદીમાંથી નામો હટાવવા કે ઉમેરવા અને વોટર ડેટાની સુરક્ષા જેવા મુદ્દાઓ પર પંચના સભ્યોએ જ આંતરિક પત્રો લખીને તેનો વિરોધ કર્યો હતો.'
‘વોટર લિસ્ટ અને ઈવીએમ બંને દ્વારા વોટની ચોરી કરાઈ’
દેશની લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ અંગે ગંભીર નિવેદન આપતાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે, '1947થી આજ સુધીમાં દેશ આવી પરિસ્થિતિમાં ક્યારેય પહોંચ્યો નથી, વર્ષ 2024ની લોકસભા ચૂંટણી ફેક હતી અને ત્યારબાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓ પણ ફેક હતી કારણ કે વોટર લિસ્ટ અને ઈવીએમ બંને દ્વારા વોટની ચોરી કરવામાં આવી છે.'
જ્ઞાનેશ કુમારના રાજીનામાની અને સરકારી સાક્ષી બનવાની માંગ
મુખ્ય ચૂંટણી કમિશનરની ભૂમિકા પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, 'મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે તાત્કાલિક પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ, તેઓ ખૂબ ભણેલા-ગણેલા છે તેથી તેમણે સમજવું જોઈએ કે દેશ સાથે શું થઈ રહ્યું છે અને તેમણે આ સમગ્ર ગરબડના સાક્ષી એટલે કે અપ્રૂવર બની જવું જોઈએ.'
‘જે વ્યક્તિ દેશના નાગરિકોના વોટને નષ્ટ કરે છે તે વાસ્તવમાં દેશદ્રોહી છે’
મતદાન પ્રક્રિયાને નુકસાન પહોંચાડનારાઓ સામે લાલઘૂમ થતાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે, 'જે વ્યક્તિ દેશના નાગરિકોના વોટને નષ્ટ કરે છે તે વાસ્તવમાં દેશદ્રોહી છે, અમે ભારતમાં લોકશાહીને ખતમ થવા દઈશું નહીં અને ચૂંટણી વ્યવસ્થા સાથે છેડછાડ કરનારા દરેક જવાબદાર વ્યક્તિને આજે નહીં તો કાલે ચોક્કસ સજા મળશે.'
‘મોદી-શાહની CECને બચાવી રહ્યા છે’
આ સમગ્ર વિવાદ પાછળના મુખ્ય સૂત્રધારો અંગે આરોપ લગાવતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, 'આ આખા કાવતરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો હાથ છે, તેઓ મુખ્ય ચૂંટણી કમિશનરને બચાવી રહ્યા છે તેથી આ મામલે તેમની ભૂમિકાની પણ સંપૂર્ણ તપાસ થવી જોઈએ.'
6 મહિનામાં તમામ રહસ્યો સામે આવવાનો વિશ્વાસ
ભવિષ્યની રણનીતિ અંગે આત્મવિશ્વાસ વ્યક્ત કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે, 'અમારી પાસે વોટ ચોરીના પૂરતા પુરાવા છે અને અમે આ મુદ્દે બિલકુલ શાંત બેસવાના નથી, આગામી 6 મહિનાની અંદર આખી બાબત દેશ સમક્ષ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈને બ્લેક ઍન્ડ વ્હાઇટમાં સામે આવી જશે અને જ્યારે દેશમાં સરકાર બદલાશે ત્યારે જ તમામ વ્યવસ્થાઓ ફરીથી સુધરશે.'




