Get The App

બળવાખોર ધારાસભ્યોને ટક્કર આપવા તૈયાર મમતા બેનરજી! ભત્રીજા અભિષેકનું પદ બચાવવા હાઈકોર્ટમાં જશે TMC

Updated: Jun 5th, 2026

GS TEAM

Google News
Google News
બળવાખોર ધારાસભ્યોને ટક્કર આપવા તૈયાર મમતા બેનરજી! ભત્રીજા અભિષેકનું પદ બચાવવા હાઈકોર્ટમાં જશે TMC 1 - image

Mamata Banerjee Backs Abhishek Banerjee : પાર્ટીની બેઠકમાં TMCએ પક્ષના બળવાખોર ધારાસભ્ય ઋતબ્રત બેનર્જીને બંગાળ વિધાનસભાના સ્પીકર દ્વારા 'નેતા વિરોધ પક્ષ' (Leader of Opposition) નો દરજ્જો આપવામાં આવતા હાઈકોર્ટ જવાનો નિર્ણય કર્યો છે. ટીએમસી આ નિર્ણયને કલકત્તા હાઈકોર્ટમાં પડકારશે. તૃણમૂલ કોંગ્રેસની મહત્વની બેઠકમાં મમતા બેનર્જીએ ફરી એકવાર પોતાના ભત્રીજા અભિષેક બેનર્જીના નેતૃત્વ પર ભરોસો વ્યક્ત કર્યો છે. બળવાખોર ધારાસભ્યોના વિરોધ છતાં મમતાએ અભિષેક બેનર્જીને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય મહાસચિવ નિયુક્ત કર્યા છે. મમતા બેનર્જી ટીમીસીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે યથાવત રહેશે. આ ઉપરાંત, TMC એ પક્ષના બાગી ધારાસભ્ય ઋતબ્રત બેનર્જીને બંગાળ વિધાનસભાના સ્પીકર દ્વારા નેતા વિરોધ પક્ષનો દરજ્જો આપવાના નિર્ણય સામે હાઈકોર્ટ જવાનું નક્કી કર્યું છે. ટીએમસી આ નિર્ણયને કલકત્તા હાઈકોર્ટમાં પડકારશે.

શુક્રવાર સાંજે તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીના કાલીઘાટ સ્થિત નિવાસસ્થાને એક બેઠક યોજાઈ હતી, જેમાં ખૂબ જ સીમિત નેતાઓને બોલાવવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ પાર્ટી અનેક રાજકીય પડકારોનો સામનો કરી રહી છે. આવા માહોલમાં આ મીટિંગ પર સૌની નજર હતી.

મમતા બેનર્જીના નિવાસે પહોંચનારાઓમાં પૂર્વ ધારાસભ્ય ચંદ્રિમા ભટ્ટાચાર્ય, રાજ્યસભા સાંસદ ડોલા સેન, સ્વરૂપનગરના ધારાસભ્ય બીના મંડલ, લોકસભા સાંસદ અભિષેક બેનર્જી અને પૂર્વ મંત્રી રાજીવ બેનર્જી સામેલ હતા. TMCના ઘણા બળવાખોર નેતાઓએ અભિષેક બેનર્જીની કાર્યશૈલી પર સવાલો ઉઠાવી તેમની સામે ખુલ્લો વિરોધ નોંધાવ્યો હતો. આથી લોકો એ જાણવા માંગતા હતા કે, શું મમતા અભિષેક સામે કોઈ એક્શન લેશે કે કેમ?

આ પહેલા TMC એ બુધવારે પાર્ટીની તમામ કમિટીઓ અને ફ્રન્ટલ સંગઠનોને ભંગ કરી દીધા હતા. શુક્રવારની બેઠકમાં પાર્ટીની તમામ કમિટીઓનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું. આ પુનર્ગઠન અંતર્ગત અભિષેક બેનર્જીને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે, અભિષેક પહેલા પણ આ જ પદ પર હતા. ટીએમસી નેતા ડેરેક ઓ બ્રાયન અને ડોલા સેનને સંયુક્ત સચિવ બનાવવામાં આવ્યા છે. આ બંને નેતાઓ અભિષેક બેનર્જીને મદદ કરશે. વિધાનસભા ચૂંટણી દરમિયાન પાર્ટીનો ચર્ચિત ચહેરો રહેલા સયાની ઘોષને ટીએમસી યૂથ વિંગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેઓ પહેલા પણ આ પદ પર હતા. માલા રોયને મહિલા ટીએમસીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ચંદ્રિમા ભટ્ટાચાર્યને પશ્ચિમ બંગાળ ટીએમસીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

નેતા વિરોધ પક્ષની નિમણૂકને પડકાર

ટીએમસીએ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં TMC ના બાગી જૂથના નેતા ઋતબ્રત બેનર્જીને નેતા વિરોધ પક્ષ તરીકે નિયુક્ત કરવાના સ્પીકરના નિર્ણયનો વિરોધ કર્યો છે. પાર્ટીના નેતા કલ્યાણ બેનર્જીએ કહ્યું કે 'સ્પીકરનો આ નિર્ણય ગેરકાયદેસર છે અને અમે તેને સ્વીકારતા નથી, આ નિર્ણયની વિરુદ્ધ અમે સોમવારે કલકત્તા હાઈકોર્ટ જઈશું. બીજેપી જે રીતે ટીએમસી કાર્યકર્તાઓની હત્યા કરી રહી છે, અને તેમના પર ખોટા કેસ દાખલ કરી રહી છે, અમે તેની સામે લડીશું. અમે રસ્તા પર લડીશું, અમે કોર્ટમાં લડીશું. 59 ધારાસભ્યોએ પહેલા લોકો પાસે જઈને તેમની પરવાનગી લેવી જોઈએ. મમતા બેનર્જી જ મુખ્ય વ્યક્તિ છે. તે ધારાસભ્યોની કોઈ અહેમિયત નથી. હું તેમને પડકાર ફેંકું છું કે તેઓ પોતાના મતવિસ્તારમાં જાય, કાર્યકર્તાઓ સાથે બેઠક કરે અને તેમની પાસેથી પરવાનગી લે કે મમતા બેનર્જી તેમના નેતા નથી. હું તેમને ચેલેન્જ આપું છું.'