Get The App

કર્ણાટકમાં ભયાનક હોનારત: નદીમાં છીપલાં વીણવા ગયેલી 7 મહિલાઓ સહિત 8ના મોત

Updated: May 24th, 2026

GS TEAM

Google News
Google News
Karnataka River Drowning


Karnataka River Drowning: કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં રવિવારે એક દુર્ઘટના સામે આવી છે. અહીં આવેલી વેંકટપુરા નદીમાં કેટલાક લોકો છીપલાં વીણવા ગયા હતા, પરંતુ અચાનક નદીમાં પાણી વધી જતાં 7 મહિલા સહિત 8 લોકોનાં ડૂબી જવાથી મોત થયાં છે. આ કરુણ અકસ્માત ભટકલ તાલુકાના શિરાલી, ટટ્ટી હક્કલ વિસ્તારમાં સર્જાયો હતો.

પરંપરાગત વ્યવસાય માટે ગયા હતા 14 લોકો

મળતી વિગતો અનુસાર, સ્થાનિક વિસ્તારના 14 લોકો વેંકટપુરા નદીમાં છીપલાં વીણવા ગયા હતા. નદી અને દરિયાકાંઠાની આસપાસ વસતા પરિવારો માટે આજીવિકા મેળવવાની આ એક પરંપરાગત રીત છે. પરંતુ, આ પ્રવૃત્તિ દરમિયાન નદીમાં અચાનક પાણીનું સ્તર અને વહેણ વધી જતાં તમામ લોકો પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગયા હતા.

7 મહિલાઓ અને 1 પુરુષનું મોત, સર્ચ ઓપરેશન ચાલુ

આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં 7 મહિલાઓ અને 1 પુરુષ સહિત કુલ 8 લોકોનાં મોત નીપજ્યાં છે. નદીના પ્રવાહમાં વહી ગયેલા લોકોમાંથી અન્ય એક મહિલા અને એક પુરુષ હજુ પણ ગુમ છે, જેમને શોધવા માટે વહીવટતંત્ર દ્વારા નદીમાં વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: બંગાળમાં મોટો ખેલ ! મુસ્લિમ બહુમતી ધરાવતા બૂથમાં ભાજપને મળ્યા 97 ટકા વોટ, TMCનો ગરબડનો આરોપ

4 લોકોને બચાવી લેવાયા, પોલીસ તપાસ શરૂ

દુર્ઘટના દરમિયાન નદીમાં ડૂબી રહેલા 4 લોકોને સ્થાનિકો અને બચાવ ટુકડીની મદદથી સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ભટકલ ગ્રામ્ય પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે તમામ મૃતકોના શવોને પોસ્ટમોર્ટમ માટે ભટકલ તાલુકા હોસ્પિટલમાં મોકલી આપ્યા છે અને આ મામલે ભટકલ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.