રામ મંદિર દાન ચોરી મામલે મોટી કાર્યવાહી, 8 આરોપીઓના ઘરે પોલીસના દરોડા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ayodhya Ram Mandir donation theft case 2026: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં ચઢાવાની ચોરીના મામલામાં પોલીસની તપાસ અત્યંત વેગીલી બની છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ પર ગઠિત SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ના પ્રારંભિક અહેવાલ બાદ પોલીસે રવિવારે વહેલી સવારે ધરપકડ કરાયેલા તમામ આઠ આરોપીઓના નિવાસસ્થાને એકસાથે દરોડા પાડ્યા છે. આ અગાઉ પોલીસ આરોપીઓ પાસેથી 80 લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ રિકવર કરી ચૂકી છે, અને હવે તેમની સામે મજબૂત કેસ બનાવવા માટે વધુ પુરાવા અને ગુપ્ત મિલકતોની તપાસ થઈ રહી છે.
ચંપત રાયના નજીકના સાથી સહિત આ નેતાઓ પર ત્રાટકી પોલીસ
રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનના પ્રભારી નિરીક્ષક સુમિત શ્રીવાસ્તવના નેતૃત્વમાં પોલીસ ટીમોએ રામધામ સ્થિત સ્વર્ગદ્વાર મહોલ્લામાં રહેતા અને ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયના ખૂબ નજીકના ગણાતા રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ, કૌશલપુરીના અનુકલ્પ મિશ્રા અને રુદૌલીના લવકુશ મિશ્રા સહિત તમામ આરોપીઓના આવાસ પર દરોડા પાડ્યા હતા. ઘણા સ્થળોએ ઘરના દરવાજા ખોલાવવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ દરોડા દરમિયાન પોલીસે આરોપીઓના પરિવારજનો અને પડોશીઓની પણ પૂછપરછ કરીને મહત્વની માહિતી એકત્ર કરી છે. પોલીસ હવે તપાસ કરી રહ્યું છે કે મંદિરમાં નોટો ગણવાની કામગીરીમાં જોડાયા પહેલા આ લોકોની આર્થિક સ્થિતિ કેવી હતી અને હાલ તેમની પાસે કેટલી સંપત્તિ છે.
SIT ના રિપોર્ટ બાદ તાબડતોબ ધરપકડ
રામ મંદિર ટ્રસ્ટ દ્વારા નોટોની ગણતરી માટે ખાસ રાખવામાં આવેલા આઠ કર્મચારીઓ- રામશંકર ઉર્ફે ટિન્નુ યાદવ, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, સુભાષ ચંદ્ર શ્રીવાસ્તવ, કરુણેશ પાંડે, મનિષ યાદવ, અવિનાશ શુક્લા અને રમાશંકર મિશ્રા સામે નામજોગ FIR નોંધાવવામાં આવી હતી. ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં જ પોલીસ આ તમામની ધરપકડ કરી લીધી હતી.
મોડી કાર્યવાહી અને દરોડા પર ઉઠ્યા સવાલો
બીજી તરફ, આ મામલે એફઆઈઆર નોંધવામાં થયેલા વિલંબને લઈને વિપક્ષી દળો અને સ્થાનિક લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. વિપક્ષનું કહેવું છે કે એસઆઈટીની રચનાના એક સપ્તાહ બાદ એફઆઈઆર નોંધવામાં આવી હતી. જેના કારણે આરોપીઓને ચોરીના નાણાં અને દસ્તાવેજો સગેવગે કરવાનો પૂરતો સમય મળી ગયો હશે. આરોપીઓને રિમાન્ડ પર લીધા વિના આટલા દિવસો પછી કરાયેલા દરોડામાં કંઈ ખાસ હાથ લાગશે કે કેમ તે અંગે પણ આશંકાઓ વ્યક્ત થઈ રહી છે. જો કે, અયોધ્યા પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કાયદાકીય કડક પગલાં લેવા માટે સાક્ષીઓ વેરિફાય કરવાનું કામ ચાલુ રહેશે.







