India

PNB કૌભાંડમાં મોટી કાર્યવાહી, નીરવ મોદીના નજીકના સાથીની ધરપકડ, UAEથી ભારત લવાયો

By GS Team
29 Sep 20262 mins read
TukuTouch Logo
PNB કૌભાંડમાં ભાગેડુ નીરવ મોદીના સહયોગી સંદીપ મિસ્ત્રીની CBIએ દુબઈથી પ્રત્યાર્પણ બાદ મુંબઈમાં ધરપકડ કરી છે. મિસ્ત્રી નીરવની હોંગકોંગ સ્થિત કંપની 'ફેન્સી ક્રિએશન્સ લિમિટેડ'નો ડિરેક્ટર હતો. તેના પર PNBને રૂ. 6,498.20 કરોડનું નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડવાનો આરોપ છે. કોર્ટે તેને 6 ઓક્ટોબર સુધી ન્યાયિક હિરાસતમાં મોકલ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

PNB કૌભાંડમાં મોટી કાર્યવાહી, નીરવ મોદીના નજીકના સાથીની ધરપકડ, UAEથી ભારત લવાયો

PNB Scam Sandeep Mistry Arrest: પંજાબ નેશનલ બૅંક(PNB) કૌભાંડ કેસમાં ભાગેડું નીરવ મોદીના સહયોગી સંદીપ મિસ્ત્રીની સીબીઆઇએ ધરપકડ કરી લીધી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સંયુક્ત આરબ અમીરાત(UAE)થી પ્રત્યાર્પણ બાદ મંગળવારે મુંબઈમાં મિસ્ત્રીની ઔપચારિક રીતે ધરપકડ કરવામાં આવી હતી. મિસ્ત્રીને સોમવારે યુએઈથી ભારત લાવવામાં આવ્યો હતો. મંગળવારે સીબીઆઇએ તેની ધરપકડ કર્યા બાદ વિશેષ સીબીઆઇ કોર્ટમાં રજૂ કર્યો હતો. એજન્સીએ તેની કસ્ટડીની માંગ કરી નહોતી, ત્યારબાદ અદાલતે મિસ્ત્રીને 6 ઑક્ટોબર સુધી ન્યાયિક હિરાસતમાં મોકલી દીધો છે.

કૌભાંડના ષડયંત્રમાં સંદીપ મિસ્ત્રી કેટલો સામેલ હતો?

આ ધરપકડ નવેમ્બર 2025માં વિશેષ અદાલત દ્વારા જારી કરવામાં આવેલા બિનજામીનપાત્ર વોરંટના આધારે કરવામાં આવી છે. સંદીપ મિસ્ત્રી નીરવ મોદીની હોંગકોંગ સ્થિત કંપની 'ફેન્સી ક્રિએશન્સ લિમિટેડ'માં ડિરેક્ટર રહી ચૂક્યો છે. સીબીઆઇનો આરોપ છે કે, મિસ્ત્રીએ નીરવ મોદી અને અન્ય આરોપીઓ સાથે મળીને ગુનાહિત ષડયંત્રમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, આ ષડયંત્ર હેઠળ પંજાબ નેશનલ બૅંકને લગભગ રૂ. 6,498.20 કરોડનું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. સીબીઆઇએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, ભારતમાં કેસ નોંધાયા પછી મિસ્ત્રીએ નીરવ મોદીના ભાઈ નેહલ અને અન્ય એક વોન્ટેડ આરોપી સાથે મળીને દુબઈમાં નીરવ મોદી સાથે જોડાયેલી અલગ-અલગ કંપનીઓના ડમી ડિરેક્ટરોને ધમકાવ્યા હતા.

13 હજાર કરોડથી વધુનું PNB કૌભાંડ

તપાસ એજન્સી અનુસાર, આ કર્મચારીઓને ધરપકડના ડરથી દુબઈ છોડીને ઈજિપ્ત જવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. સીબીઆઇએ આરોપ લગાવ્યો છે કે, આરોપીઓએ પુરાવા નાશ કરવા માટે પોતાના મોબાઇલ ફોન પણ તોડી નાખ્યા હતા. નીરવ મોદી, તેના મામા મેહુલ ચોક્સી અને અન્ય આરોપીઓ સામે વર્ષ 2018થી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) મની લોન્ડરિંગ કેસમાં તપાસ કરી રહ્યું છે. આ કેસોની સીબીઆઇ પણ તપાસ કરી રહી છે.

નોંધનીય છે કે, નીરવ મોદી, મેહુલ ચોક્સી અને અન્ય લોકોએ બૅંક અધિકારીઓની મિલીભગતથી 2 અબજ યુએસ ડૉલરથી વધુ(13 હજાર કરોડ રૂપિયાથી વધુ)નું બૅંક કૌભાંડ આચર્યું હતું. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, મુંબઈ સ્થિત PNBની બ્રેડી હાઉસ શાખામાંથી બોગસ લેટર ઑફ અંડરટેકિંગ(LoU) જારી કરાવીને આ છેતરપિંડી કરવામાં આવી હતી.