Maharashtra Local Body Election Results 2025 : મહારાષ્ટ્ર નગર પરિષદ અને નગર પંચાયત ચૂંટણી 2025ના પરિણામોમાં નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાએ પ્રચંડ જીત મેળવી છે. આ ચૂંટણીમાં શિંદે સેનાનો 'સ્ટ્રાઈક રેટ' એટલો ઊંચો રહ્યો છે કે વિરોધીઓ તો ઠીક, ગઠબંધનના સાથી પક્ષો પણ આશ્ચર્ય પામ્યા છે. અત્યાર સુધી ભાજપના ટેકાથી જ જીતતી હોવાના આક્ષેપોનો સામનો કરનાર શિવસેનાએ આ વખતે એકલા હાથે મેદાન મારીને પોતાની શક્તિ સાબિત કરી દીધી છે.
શિવસેનાએ 135 બેઠકોમાંથી 50 બેઠકો પર ચૂંટણી જીતી
રિપોર્ટ મુજબ, શિવસેનાએ અંદાજે 135 બેઠકો પર ચૂંટણી લડી હતી અને તેમાંથી 50થી વધુ પદો પર વિજય મેળવ્યો છે.
- શિવસેનાએ ખેડ નગર પરિષદમાં વિરોધીઓનો સફાયો કર્યો : સૌથી મોટી વાત એ છે કે, શિવેસનાએ ખેડ નગર પરિષદમાં મંત્રી યોગેશ કદમના નેતૃત્વમાં તમામ 21 બેઠકો જીતીને વિરોધીઓનો સફાયો કર્યો છે. અહીં માધવી ભુટાલા મેયર પદ સંભાળશે.
- શિવસેનાએ ભાજપ નેતાના પ્રભુત્વવાળો વિસ્તાર પણ જીત્યો : આ ઉપરાંત વાશિમ જિલ્લાની માલેગાંવ નગર પંચાયત અને સોલાપુરના સાંગોલામાં પણ શિંદે સેનાએ શાનદાર દેખાવ કર્યો છે. સાંગોલામાં શિવસેનાના શહાજીબાપુ પાટીલે ભાજપના નેતા અને મંત્રી જયકુમાર ગોરેના પ્રભાવવાળા વિસ્તારમાં ક્લીન સ્વીપ આપી પોતાની પકડ મજબૂત કરી છે. જ્યારે માલેગાવ નગર પંચાયતની ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર ઓમ પ્રકાશ સુરખાડેની જીત થઈ છે.
- સાથી પક્ષ અને વિરોધીઓના ગઢમાં ગાબડું : કોંકણની બે સૌથી ચર્ચિત બેઠકો કણકવલી અને માલવણ પર ભાજપ અને શિવસેના વચ્ચે સીધી ટક્કર હતી. અહીં નારાયણ રાણેના બે પુત્રો નીતીશ રાણે અને નિલેશ રાણે વચ્ચે વર્ચસ્વની લડાઈ હતી, જેમાં શિવસેનાના ધારાસભ્ય નિલેશ રાણેની જીત થઈ છે.
- શિંદેએ અજિતના દિગ્ગજ નેતાને પણ હરાવ્યા : મહાડમાં પણ ભરત ગોગાવલેના નેતૃત્વમાં શિવસેનાએ અજિત પવાર જૂથના દિગ્ગજ નેતા સુનીલ તટકરેના પ્રભાવને હરાવી જીત મેળવી છે.
- ભાજપના વિસ્તારોમાં શિંદે સેનાનો દબદબો : મુંબઈ નજીક પાલઘર અને ડહાણુમાં પણ ગણેશ નાઈક જેવા ભાજપના દિગ્ગજોના વિસ્તારોમાં શિંદે સેનાએ ભગવો લહેરાવ્યો છે.
- અનેક વિસ્તારોમાં શિવસેનાની બોલબાલા વધી : આ ઉપરાંત શિવસેનાએ મુરગુડ, જયસિંગપુર, હાતકણંગલે, કુરુંદવાડ, જુન્નર, મંચર, રાજગુરુનગર અને ચાકણમાં પણ દમદાર સ્ટ્રાઈક રેટ મેળવ્યો છે.
બાંગ્લાદેશી ઘૂસણખોરોને આસામમાં વસાવવા માગે છે કોંગ્રેસ', PM મોદીનું SIR મુદ્દે નિવેદન
શિંદેની પાર્ટીએ ઠાકરેની પાર્ટી કરતાં પાંચ ગણી વધુ બેઠકો જીતી
આ પરિણામોનું સૌથી મહત્વનું પાસું એ છે કે, એકનાથ શિંદેની શિવસેનાએ ઉદ્ધવ ઠાકરે જૂથ શિવસેના યુબીટી કરતા પાંચ ગણી વધુ બેઠકો જીતી છે. નવાઈની વાત એ છે કે, વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડીના ત્રણેય પક્ષો - કોંગ્રેસ, શિવસેના યુબીટી અને શરદ પવારની પાર્ટીની સંયુક્ત બેઠકોની સામે શિંદે સેના એકલા હાથે ટક્કર આપી રહી છે. આ દમદાર દેખાવથી સાબિત થયું છે કે, શિવસેનાનો પાયો અને કેડર હજુ પણ મજબૂતીથી શિંદેની સાથે છે. આગામી મુંબઈ મહાનગરપાલિકા (BMC)ની ચૂંટણી માટે આ પરિણામો એક મોટા ‘ટ્રેલર’ સમાન માનવામાં આવે છે.


