ભારતના ઇતિહાસની સૌથી મોટી ડિફેન્સ ડીલ પર વાગશે મહોર! મેક્રોનની ભારત મુલાકાત પર દુનિયાભરની નજર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - IANS) |
Emmanuel Macron India Visit: ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન ચાર દિવસના ભારત પ્રવાસે મંગળવારે મુંબઈ પહોંચી ગયા છે. તેમની આ મુલાકાત ભારત-ફ્રાંસ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાના આશય સાથે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આજે 17 ફેબ્રુઆરી, 2026ના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈમાં મેક્રોન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે, જેમાં સંરક્ષણ, ટૅક્નોલૉજી અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થશે.
₹3.25 લાખ કરોડની ઐતિહાસિક મેગા ડીલ
આ પ્રવાસનું સૌથી મોટું કેન્દ્રબિંદુ ₹3.25 લાખ કરોડની ઐતિહાસિક રાફેલ ડીલ છે. આ આઝાદી પછીની સૌથી મોટી હથિયાર ખરીદી હશે, જે અંતર્ગત ભારત ફ્રાંસની દસોલ્ટ એવિએશન કંપની પાસેથી 114 આધુનિક રાફેલ મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટ(MRFA) ખરીદવા જઈ રહ્યું છે. આ ડીલ હેઠળ 18 વિમાન તૈયાર સ્થિતિમાં ફ્રાંસથી આવશે, જ્યારે બાકીના 96 વિમાનોનું નિર્માણ 'આત્મનિર્ભર ભારત' અભિયાન હેઠળ ભારતમાં જ કરવામાં આવશે.
શું છે આ ‘F-5’ સુપર રાફેલ?
આ નવી ડીલની સૌથી ખાસ બાબત 'સુપર રાફેલ' એટલે કે F-5 વેરિઅન્ટ છે. અત્યારે ભારત પાસે F-3 વેરિઅન્ટના રાફેલ છે, પરંતુ આ સોદામાં 24 વિમાન F-5 વર્ઝનના હશે જે સિકસ્થ જનરેશનના ફાઇટર જેટ્સ જેવી ક્ષમતા ધરાવે છે. આ 'સુપર રાફેલ' ઍડ્વાન્સ સેન્સર્સ, સ્ટીલ્થ ફીચર્સ(જે રડારમાં પકડાય નહીં), આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને 'કિલ-વેબ' ટૅક્નોલૉજીથી સજ્જ હશે, જે 2030 સુધીમાં ડિલિવર થવાની અપેક્ષા છે. આ સોદાથી ભારતીય વાયુસેનાની તાકાતમાં 50%નો વધારો થશે, જે ચીન અને પાકિસ્તાન જેવા પડોશી દેશોની વધતી આક્રમકતા સામે ભારતની હવાઈ સુરક્ષાને અભેદ્ય બનાવશે. આ ડીલમાં ટૅક્નોલૉજી ટ્રાન્સફર પણ સામેલ છે, જેનાથી ભારત ભવિષ્યમાં પોતાની રીતે આવા શક્તિશાળી વિમાનો બનાવી શકશે.
સંરક્ષણથી આરોગ્ય સુધીના ક્ષેત્રોમાં ભાગીદારી
આજના કાર્યક્રમ મુજબ, બપોરે 3:15 વાગ્યે મુંબઈના લોક ભવનમાં બંને નેતાઓ વચ્ચે બેઠક યોજાશે, ત્યારબાદ સાંજે 5:15 વાગ્યે તેઓ 'ભારત-ફ્રાંસ ઇનોવેશન વર્ષ 2026'નું ઉદ્ઘાટન કરશે અને ઉદ્યોગ જગતના નેતાઓ તથા સંશોધકોને સંબોધશે. આ મુલાકાત દરમિયાન સંરક્ષણ ઉપરાંત વેપાર, કૌશલ્ય વિકાસ, આરોગ્ય અને સપ્લાય ચેન જેવા ક્ષેત્રોમાં પણ લગભગ એક ડઝન જેટલા કરારો થવાની સંભાવના છે.
ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં મજબૂત સહયોગ
ઇમેન્યુઅલ મેક્રોન 19 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં 'AI ઇમ્પેક્ટ સમિટ'માં પણ હાજરી આપશે. બંને નેતાઓ રશિયા-યુક્રેન યુદ્ધ, ગાઝાની સ્થિતિ અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહયોગ જેવા મહત્ત્વના વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે, જે બંને દેશોના મજબૂત થતા સંબંધોની નવી મિશાલ રજૂ કરશે.










