લખનઉ અગ્નિકાંડમાં મોટો ખુલાસો, LDAની તપાસમાં 18 અધિકારી-એન્જિનિયર દોષિત ઠર્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Lucknow Fire Tragedy: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના અલીગંજ વિસ્તારમાં સોમવારે બપોરે ત્રણ માળની ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં 15 લોકોનાં કરુણ મોત નીપજ્યાં છે. આ ઈમારત એક 'ડેથ ટ્રેપ' બની ગઈ, કારણ કે તેમાં અવરજવર માટે માત્ર એક જ રસ્તો હતો. આ એક માત્ર રસ્તામાં એર-કંડિશનિંગ પેનલ, વાયરોના ગૂંચળા અને અન્ય ઉપકરણો ગોઠવાયેલા હોવાને કારણે આગ ફેલાયા બાદ અંદર ફસાયેલા લોકો માટે બહાર નીકળવા માટે ખૂબ ઓછી જગ્યા બચી હતી અને તેઓ આ આગમાં હોમાઈ ગયા.
LDAની તપાસમાં 18 અધિકારી-એન્જિનિયર દોષિત ઠર્યા
આ કેસમાં સામે આવેલા નવા અપડેટ પ્રમાણે આ ભીષણ અગ્નિકાંડમાં LDAની તપાસમાં 18 અધિકારીઓ અને એન્જિનિયરો દોષિત ઠર્યા છે. LDAના ઉપાધ્યક્ષે આ દોષિત અધિકારીઓ સામે કડક કાર્યવાહીની ભલામણ કરતી રિપોર્ટ વહીવટી તંત્રને મોકલી આપી છે.
દોષિતોમાં પાંચ ઝોનલ ઓફિસર સહિત કુલ 18 એન્જિનિયરો અને સંબંધિત અધિકારીઓ સામેલ હોવાનું સામે આવ્યું છે. આ અગાઉ LDA દ્વારા એક જૂનિયર એન્જિનિયર અને એક આસિસ્ટન્ટ એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવી ચૂક્યા છે.
બિલ્ડિંગનો થઈ રહ્યો હતો દુરુપયોગ?
તપાસમાં સામે આવ્યું છે કે, આ બિલ્ડિંગનો મેપ માત્ર રહેણાંક હેતુ માટે મંજૂર કરાવવામાં આવ્યો હતો. જોકે, મંજૂર થયેલા મેપથી વિપરીત આ બિલ્ડિંગનો ઉપયોગ વ્યાવસાયિક પ્રવૃત્તિઓ (કોમર્શિયલ એક્ટિવિટી) માટે કરવામાં આવી રહ્યો હતો.
તપાસમાં એવો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે કે, વર્ષ 2026માં ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ જારી કરવામાં આવેલો ડિમોલિશન ઓર્ડર પાછળથી રદ કરી દેવામાં આવ્યો હતો. રિપોર્ટ પ્રમાણે તે સમયના વિહિત સત્તાધિકારી દુર્ગેશ શ્રીવાસ્તવે આ ડિમોલિશન ઓર્ડર રદ કર્યો હતો.
દુર્ઘટનાગ્રસ્ત ઈમારતમાં ધુમાડો બહાર નીકળવા માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા નહોતી. આગ લાગ્યા બાદ આખી બિલ્ડિંગ અને રૂમોમાં ધુમાડો ભરાઈ ગયો હતો, જેના કારણે મોટાભાગના લોકોના મોત ગૂંગળામણને લીધે થયા હતા.
બેદરકારીનો ખુલાસો
- FIR પ્રમાણે બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની પૂરતી વ્યવસ્થા નહોતી. ઈમરજન્સીની સ્થિતિમાં બહાર નીકળવા માટે કોઈ વૈકલ્પિક રસ્તો કે ઈમરજન્સી એક્ઝિટ પણ બનાવવામાં આવ્યું નહોતું.
- બિલ્ડિંગમાં અવરજવર માટે માત્ર એક જ મેઈન એન્ટ્રન્સ અને એક્ઝિટ રસ્તો હતો.
- બિલ્ડિંગમાં વીજળીનું વાયરિંગ અને ઈલેક્ટ્રિક ઉપકરણો પણ અત્યંત અસુરક્ષિત રીતે ગોઠવવામાં આવ્યા હતા.
- બિલ્ડિંગની અંદર ACના આઉટર યુનિટ અને અન્ય ઉપકરણો પણ સુરક્ષાના નિયમો વિરુદ્ધ લગાવવામાં આવ્યા હતા.
- ફાયર બ્રિગેડ અને NDRFની ટીમને રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન બિલ્ડિંગની દીવાલ તોડીને અંદર પ્રવેશ કરવો પડ્યો હતો.
- તપાસમાં સામે આવ્યું કે, બિલ્ડિંગના સંચાલકો અને જવાબદાર વ્યક્તિઓને સંભવિત જોખમની જાણકારી હોવા છતાં, તેમની તરફથી સુરક્ષાના કોઈ પગલાં કે આગોતરી વ્યવસ્થા કરવામાં નહોતી આવી.
આ પણ વાંચો: લખનઉ અગ્નિકાંડ: તંત્રના પાપે જ 15 જીવ હોમાયા, 10 વર્ષ પહેલા જ તોડી પાડવાની હતી બિલ્ડિંગ
આ દુર્ઘટના બાદ ઉઠી રહ્યા અનેક સવાલ
લખનઉમાં સર્જાયેલી આ ભીષણ દુર્ઘટના બાદ હવે એ ગંભીર સવાલો ઊભા થયા છે કે, રહેણાંક વિસ્તારમાં આવી બોક્સ જેવી કોમર્શિયલ ઈમારત કેવી રીતે ધમધમી રહી હતી. લખનઉ ડેવલપમેન્ટ ઓથોરિટી (LDA)ના અધિકારીઓ હવે એ દિશામાં ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે કે, રહેણાંક હેતુ માટે મંજૂર કરવામાં આવેલી બિલ્ડિંગનો ઉપયોગ વ્યાવસાયિક પ્રવૃત્તિઓ માટે કઈ રીતે થવા લાગ્યો.








