લોકસભા સ્પીકરે ચોમાસુ સત્ર પહેલા બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠક બોલાવી, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Lok Sabha BAC Meeting : સંસદનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું છે. તેને લઈને બેઠકોનો દોર આજથી જ શરૂ થઈ ગયો છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ આજે બિઝનેસ એડવાઇઝરી કમિટી (BAC)ની બેઠક બોલાવી છે. આ બેઠકમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાએ લોકસભામાં તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને જનહિતના મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કરવા માટે આમંત્રિત કર્યા હતા.
જાહેર મહત્વ અને રાષ્ટ્રીય ચિંતાના બાબતોના સૂચનો
બેઠક દરમિયાન સરકાર અને અલગ-અલગ રાજકીય પક્ષોના સભ્યોએ સત્ર દરમિયાન હાથ ધરવામાં આવનારા કાનૂની અને અન્ય કાર્યો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. સભ્યોએ સત્ર દરમિયાન ચર્ચા માટે જાહેર મહત્વ અને રાષ્ટ્રીય ચિંતાની અનેક બાબતોના સૂચનો પણ આપ્યા હતા.
તમામ પક્ષોને ઓમ બિરલાએ કરી અપીલ
સ્પીકર ઓમ બિરલાએ રચનાત્મક વાતચીત, અર્થપૂર્ણ ભાગીદારી અને સર્વોચ્ચ સંસદીય પરંપરાઓનું પાલન કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે તમામ પક્ષોને અપીલ કરી હતી કે, તેઓ ગૃહની કાર્યવાહીને સુચારુ અને વ્યવસ્થિત રીતે ચલાવવામાં પોતાનો સંપૂર્ણ સહયોગ આપે, જેથી જનતા સાથે જોડાયેલા મુદ્દાઓ પર સંપૂર્ણ અને ફાયદાકારક રીતે ચર્ચા થઈ શકે. કમિટીએ સભ્યોના સૂચનોની નોંધ લીધી છે. ચર્ચાનું શિડ્યુલ અને કામની અલગ-અલગ બાબતો માટે સમયની ફાળવણી નક્કી કરાયેલી સંસદીય પ્રક્રિયાઓ અનુસાર અને સરકાર તેમજ રાજકીય પક્ષોના નેતાઓ સાથે સલાહ-સુચન કરીને કરવામાં આવશે. સ્પીકરે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તમામ સભ્યો મળીને કામ કરશે, જેથી મોટા જનહિતમાં એક પ્રોડક્ટિવ અને સન્માનજનક ચોમાસુ સત્ર યોજાઈ શકે.
સંસદ સત્રમાં સહયોગ અને સાર્થક ચર્ચાની અપીલ: રિજિજુ
સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ રવિવારે તમામ વિરોધ પક્ષોને ચોમાસુ સત્ર દરમિયાન સંસદની કાર્યવાહી સુચારુ રીતે ચાલવા દેવા અપીલ કરી છે. રિજિજુએ જણાવ્યું કે, એ સાબિત થઈ ચૂક્યું છે કે, ગૃહમાં હંગામો કરવાથી કોઈ રાજકીય લાભ થતો નથી. સર્વદળીય બેઠક બાદ તેમણે કહ્યું કે, તમામ રાજકીય પક્ષોએ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સરકાર દ્વારા લાવવામાં આવનારા વિધેયકોને સાર્થક ચર્ચા સાથે પસાર કરવા જોઈએ.
TMCના 20 બળવાખોર સાંસદો પર બોલ્યા રિજિજુ
'નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા' (NCPI) માં જોડાવાની જાહેરાત કરનારા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના 20 સાંસદો વાળા જૂથને બેઠકમાં બોલાવવાના નિર્ણયને યોગ્ય ઠેરવતા રિજિજુએ કહ્યું કે તેઓ આટલા બધા સભ્યોને બેઠકથી કેવી રીતે દૂર રાખી શકે. તેમણે આ વિષયને લઈને વિપક્ષી પક્ષો દ્વારા થોડીવાર માટે કરવામાં આવેલા વોકઆઉટ અંગે કહ્યું કે, આ તેમનો અધિકાર છે અને તે એક પ્રતિકાત્મક વિરોધ હતો.









