Get The App

લિવ ઈન અને દહેજ ઉત્પીડન.. માથું ચકરાઈ જાય તેવો કેસ, સુપ્રીમ કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો

Updated: Feb 14th, 2026

GS TEAM

Google News
Google News
Live-in-Partner files Dowry Harassment Case

Live-in-Partner files Dowry Harassment Case: શું કોઈ પરિણીત વ્યક્તિ પોતાની પત્નીના હયાત હોવા છતાં અન્ય મહિલા સાથે લિવ-ઈન રિલેશનશિપમાં હોય, તો તે મહિલા દ્વારા દહેજ ઉત્પીડન(IPCની કલમ 498A) હેઠળ કેસ દાખલ કરી શકાય? આ એક એવો પ્રશ્ન છે જેના પર ભારતની સુપ્રીમ કોર્ટ હવે ગંભીર કાયદાકીય વિચારણા કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય દંડ સંહિતા(IPC)ની કલમ 498A(જે હવે ભારતીય ન્યાય સંહિતામાં છે) સ્પષ્ટપણે જોગવાઈ કરે છે કે માત્ર એક પત્ની જ તેના પતિ અથવા તેના સંબંધીઓ સામે દહેજ કે ક્રૂરતાની ફરિયાદ નોંધાવી શકે છે.

હિન્દુ લગ્ન અધિનિયમ હેઠળ કાયદેસર રીતે એક વ્યક્તિ એક જ સમયે બે મહિલાઓનો પતિ ન હોઈ શકે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે શું લિવ-ઈન પાર્ટનરને કાયદેસર રીતે પત્નીનો દરજ્જો આપી શકાય?

કેસની વિગતો અને કોર્ટની કાર્યવાહી

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન.કે. સિંહની ખંડપીઠે ડૉ. લોકેશ બી.એચ. દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરી હતી, જેની પૃષ્ઠભૂમિ મુજબ લોકેશે ફેબ્રુઆરી 2000માં નવીના સાથે લગ્ન કર્યા હતા. આરોપ છે કે તેમણે વર્ષ 2010માં તીર્થ નામની મહિલા સાથે પણ લગ્ન કર્યા હતા, જે કાયદેસર રીતે અમાન્ય ગણાય છે. 

તીર્થે 2016માં લોકેશ પર દહેજની માંગણી કરી તેને સળગાવવાનો પ્રયાસ કરવાનો ગંભીર આરોપ લગાવી ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો હતો. તેના બચાવમાં લોકેશની દલીલ છે કે તીર્થ સાથે તેનો કોઈ કાયદેસર વૈવાહિક સંબંધ નથી અને આ સંબંધને અમાન્ય જાહેર કરવા માટે તેમણે બેંગલુરુની ફેમિલી કોર્ટમાં કેસ પણ કરેલો છે, જે હાલ પેન્ડિંગ છે. વધુમાં, લોકેશના એમ્પ્લોયરે પણ પ્રમાણિત કર્યું છે કે કથિત ઘટનાના દિવસે તેઓ હોસ્પિટલમાં પોતાની ફરજ પર હાજર હતા.

સુપ્રીમ કોર્ટનો ગંભીર અભિગમ: કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો

કર્ણાટક હાઈકોર્ટે લોકેશની એ અરજી ફગાવી દીધી હતી, જેમાં તેમણે પોતાની સામે ચાલી રહેલી કાયદાકીય કાર્યવાહીને રદ કરવાની માંગ કરી હતી. આ મામલે હવે સુપ્રીમ કોર્ટનો અભિગમ અત્યંત ગંભીર જણાય છે. સુપ્રીમ કોર્ટે આ જટિલ મુદ્દે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે અને એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીને આ કેસમાં સહયોગ કરવા જણાવ્યું છે. કેસની કાયદાકીય ગૂંચવણોને ધ્યાનમાં રાખીને કોર્ટે વરિષ્ઠ એડવોકેટ નીના નરીમનને 'એમિકસ ક્યુરી'(Amicus Curiae-અદાલતના મિત્ર) તરીકે નિયુક્ત કર્યા છે, જેઓ આ વિષય પર નિષ્પક્ષ કાયદાકીય અભિપ્રાય રજૂ કરશે.

આ પણ વાંચો: સરકારે 25 લાખ ટન ઘઉં અને પાંચ લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી

બીજી તરફ, અરજદારના વરિષ્ઠ વકીલ સંજય નુલીએ દલીલ કરી હતી કે હાઈકોર્ટે IPCની કલમ 498Aનું અર્થઘટન કરવામાં ગંભીર ભૂલ કરી છે. તેમની મુખ્ય દલીલ એ છે કે કાયદાની પરિભાષા સ્પષ્ટપણે માત્ર 'પતિ' અને 'પત્ની'નો જ ઉલ્લેખ કરે છે, તેથી આ કલમ 'લિવ-ઈન રિલેશનશિપ' પર લાગુ કરી શકાય નહીં-ખાસ કરીને એવા કિસ્સામાં જ્યાં પુરુષ પહેલેથી જ કાયદેસર રીતે પરિણીત હોય.

લિવ ઈન અને દહેજ ઉત્પીડન.. માથું ચકરાઈ જાય તેવો કેસ, સુપ્રીમ કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો 2 - image