જેવા સાથે તેવા: ઇસ્લામાબાદમાં કાર્યવાહીના 3 જ દિવસમાં દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશન પર બુલડોઝર એક્શન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Pakistan Diplomatic Tensions : પહલગામ આતંકી હુમલામાં 26 લોકોના મોત બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. બંને દેશો વચ્ચે ઔપચારિક કૂટનીતિક ગતિવિધિઓ લગભગ ઠપ છે, ત્યારે પાકિસ્તાને ઉશ્કેરણીજનક પગલું ભરતાં ભારતે પણ કૂટનીતિક મોરચે 'જેવા સાથે તેવા' જવાબ આપ્યો છે.
દિલ્હીમાં પાકિસ્તાની મિશન બહાર બુલડોઝર એક્શન
ઇસ્લામાબાદમાં ભારતીય દૂતાવાસ બહારથી પાકિસ્તાની સત્તાવાળાઓએ સુરક્ષા બેરિકેડ્સ અને પાર્કિંગ પોલ મનસ્વી રીતે હટાવી લીધા હતા. આ ઘટનાના માત્ર 3 દિવસ બાદ નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈકમિશન બહાર કડક કાર્યવાહી કરવામાં આવી છે. નવી દિલ્હીમાં પાકિસ્તાની દૂતાવાસના વીઝા વિભાગ પાસે નિર્ધારિત હદ બહાર ઉભા કરાયેલા ગેરકાયદેસર બાંધકામો અને દબાણો પર બુલડોઝર ફેરવીને તમામ અસુરક્ષિત માળખાં દૂર કરી દેવાયા છે.
સંતુલિત અને તાત્કાલિક જવાબી કાર્યવાહી
કૂટનીતિક સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી દિલ્હીનું આ પગલું એક વિચારેલી અને સંતુલિત જવાબી કાર્યવાહી છે. આ કાર્યવાહી દ્વારા ભારતે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પાકિસ્તાનની કોઈપણ ઉશ્કેરણીનો તુરંત અને યોગ્ય જવાબ આપવામાં આવશે. અધિકારીઓની આ કાર્યવાહી બાદ બંને દેશોના રાજનયિક પરિસરો બહાર સુરક્ષા વ્યવસ્થામાં મોટા ફેરફારો જોવા મળ્યા છે.
અમેરિકી રાજદૂતના નિવેદનથી પાકિસ્તાનમાં ખળભળાટ
બીજી તરફ, જમ્મુ-કાશ્મીરના પ્રવાસે આવેલા ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરના નિવેદને પણ પાકિસ્તાનની અસ્વસ્થતા વધારી દીધી છે. સર્જિયો ગોરે જમ્મુ-કાશ્મીરને ભારતનો અતૂટ અને મહત્ત્વપૂર્ણ ભાગ ગણાવ્યો હતો. આ નિવેદનથી ગિન્નાયેલા પાકિસ્તાને ઇસ્લામાબાદમાં અમેરિકાના કાર્યવાહક રાજદૂતને સમન્સ પાઠવીને વિરોધ નોંધાવ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે બંને દેશોમાં લેવાયેલા આ પગલાં કૂટનીતિક વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યા છે.









