વૈષ્ણોદેવી માર્ગ પર ભૂસ્ખલન બેટરી કાર-હેલિકોપ્ટર સેવા બંધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

18 હજાર શ્રધ્ધાળુઓ પારંપરિક રસ્તે થઈ માતાના દરબાર પહોંચ્યા
કટરા : સતતપણે થઈ રહેલા વરસાદે બુધવારે માતા વૈષ્ણોદેવીના દરબારમાં જનારા શ્રધ્ધાળુઓની તકલીફો વધારી દીધી. જોકે આસ્થાના પૂર સામે ખરાબ મોસમ, ભકતોના પગને રોકી શકી નથી.
બુધવારે બપોર પછી અચાનક વાદળ વરસ્યા. બે-ત્રણ કલાક થયેલા જોરદાર વરસાદમાં ભવન માર્ગ પર ઠેકઠેકાણે કાંકરા-પત્થર અને કાટમાળ આવી ગયો. કેટલાક ભાગોમાં થોડું ભૂસ્ખલન પણ થયું, જેના લીધે માર્ગ લપસણો થઈ ગયો.
શ્રીમાતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે શ્રધ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બપોરે લગભગ ૩ વાગ્યે બેટરી કાર માર્ગને નવી સૂચના સુધી બંધ કરી દીધો. આ રૂટ પર દોડનારી બેટરી કાર સેવાને પણ તુર્ત જ બંધ કરી દેવાઈ.
આવું પહેલીવાર થયું નથી. મંગળવારે રાત્રે પણ જોરદાર વરસાદમાં રાત્રે ૧૦ વાગ્યે આ માર્ગ બંધ કરવો પડયો હતો. બુધવારે-સવારે ૬ વાગ્યે સફાઈ પછી એને ખોલવામાં આવ્યો હતો. પરંતુ બપોરના વરસાદે ફરીથી પરિસ્થિતિ વણસાવી દીધી.
જોકે વૃધ્ધો અને દિવ્યાંગોની પરેશાની વધી, પરંતુ યાત્રા અટકી નહિ. શ્રધ્ધાળુઓ પારંપરિક માર્ગ પર પગપાળા, ઘોડા, પિઠ્ઠુ અને પાલખીની મદદથી સતતપણે ભવન તરફ આગળ વધતા રહ્યા. માતાના જયજયકારની સાથે દર્શનની પરંપરા જળવાતી રહી.
ખરાબ હવામાનના લીધે હવાઈ સેવાને પણ અસર થઈ. કટરાથી ચાલતી હેલિકોપ્ટર-સેવા આખો દિવસ બંધ રહી. ભવનથી ભૈરવ ખીણની વચ્ચે ચાલતી રોપવે સેવાને પણ જોરદાર વરસાદ અને પવનના લીધે થોડા કલાકો માટે બંધ રાખવી પડી, જે સાંજે ૫ વાગ્યે, હવામાન સુધરતા ફરી શરૂ કરી શકાઈ. હેલિકોપ્ટર અને બેટરી કાર સેવા લાંબો સમય બંધ રહી.
શ્રાઈન બોર્ડે બેટરી કાર માર્ગ પર સફાઈ કર્મીઓ અને દુર્ઘટના વ્યવસ્થાપન ટીમને તૈનાત કરી દીધી છે. કાટમાળ હટાવવાનું કામ સતત ચાલી રહ્યું છે. બોર્ડે સ્પષ્ટ કહ્યું કે મોસમ સંપૂર્ણપણે સામાન્ય થશે ત્યારે સુરક્ષા મુદ્દે તપાસ પછી જ આ માર્ગ ફરીથી ખોલાશે.
વરસાદ અને બંધ રસ્તા છતાં ભકતોનો જોશ ઘટયો નથી. બુધવારે સાંજે ૫ વાગ્યા સુધી લગભગ ૧૮ હજાર શ્રધ્ધાળુઓ નામ નોંધાવીને ભવન તરફ રવાના થઈ ચૂક્યા હતા. મોડી સાંજ સુધી ભકતો આવી રહ્યા હતા.









