Get The App

9 પાંસળીઓ તૂટી, ફેફસામાં ઈજા છતાં ન તૂટ્યો ઉત્સાહ! એમ્બ્યુલન્સના સહારે વિદ્યાર્થિનીની NEETની રી-એક્ઝામ

Updated: Jun 21st, 2026

GS TEAM

Google News
Google News
9 પાંસળીઓ તૂટી, ફેફસામાં ઈજા છતાં ન તૂટ્યો ઉત્સાહ! એમ્બ્યુલન્સના સહારે વિદ્યાર્થિનીની NEETની રી-એક્ઝામ 1 - image

Kolkata Girl Srishti Dubey Attends NEET UG : દેશભરમાં 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ NEET UG 2026ની રી-એક્ઝામ આપી છે, પરંતુ આ પરીક્ષા વચ્ચે કોલકાતાની એક વિદ્યાર્થિનીની સૌથી અલગ અને પ્રેરણાદાયી કહાની સામે આવી છે. સૃષ્ટિ દુબે નામની આ વિદ્યાર્થિનીએ એવી પરિસ્થિતિઓમાં પરીક્ષા આપી છે, જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. એક ગંભીર માર્ગ અકસ્માતમાં ઘાયલ થવા છતાં તેણે હાર ન માની અને ડૉક્ટર બનવાના પોતાના સપનાને જીવંત રાખ્યું. આ જ કારણ છે કે, તેની કહાની હવે હજારો વિદ્યાર્થીઓ માટે પ્રેરણા બની ગઈ છે.

સૃષ્ટિ દુબેના પિતા શીશરામ દુબેના જણાવ્યા અનુસાર, 14 જૂનના રોજ તેમની પુત્રી એક ભીષણ માર્ગ અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં તેની 9 પાંસળીઓ તૂટી ગઈ હતી, અને ફેફસામાં પણ ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત બાદ તેની મોટી સર્જરી કરવી પડી હતી, અને ઘણા દિવસો સુધી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. જો કે, સારવાર બાદ તેની હાલતમાં સુધારો થતાં ડૉક્ટરોએ વેન્ટિલેટર હટાવી લીધું હતું. આ દરમિયાન સૃષ્ટિએ તેના પિતાને કહ્યું કે, તે ગમે તે ભોગે NEETની પરીક્ષા આપવા માંગે છે.

પિતાએ શિક્ષણ મંત્રીને શું અપીલ કરી હતી?

જ્યારે સૃષ્ટિએ પરીક્ષા આપવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે, તેના પિતાએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પત્ર લખીને મદદની ગુહાર લગાવી હતી. તેમણે વિનંતી કરી હતી કે, 'મારી પુત્રીને પરીક્ષા આપવાની મંજૂરી આપવામાં આવે અને પરીક્ષા કેન્દ્રમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવે. સૃષ્ટિ હોસ્પિટલના કપડાંમાં જ પરીક્ષા આપશે અને તેને જરૂરી મેડિકલ સાધનો સાથે પરીક્ષા હોલમાં બેસવાની મંજૂરી મળવી જોઈએ.'

શિક્ષણ મંત્રીએ કેવી રીતે મદદ કરી?

વિદ્યાર્થિનીના પિતાની અપીલ પર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને માનવતાના ધોરણે તાત્કાલિક સંજ્ઞાન લીધું હતું. આ પછી, કોલકાતાના ઢાકુરિયા સ્થિત બિનોદિની ગર્લ્સ હાઈસ્કૂલ પરીક્ષા કેન્દ્રમાં સૃષ્ટિ માટે એક અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી હતી. એટલું જ નહીં, પરીક્ષા કેન્દ્રની બહાર એમ્બ્યુલન્સ અને મેડિકલ સપોર્ટ ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી, જેથી કોઈ પણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક મદદ મળી શકે. તમામ જરૂરી વ્યવસ્થાઓ વચ્ચે સૃષ્ટિએ પરીક્ષા આપી અને પોતાના અતૂટ આત્મવિશ્વાસનું ઉદાહરણ પૂરું પાડ્યું.