બાળકોના પાસપોર્ટ અંગેના નિયમો બદલાયા, ફીમાં પણ ધરખમ વધારો, સરકારનું નોટિફિકેશન જાહેર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Revises Passport Rules Fees: વિદેશ પ્રવાસનું આયોજન કરી રહેલા અને નવો પાસપોર્ટ કઢાવવા માંગતા નાગરિકો માટે વિદેશ મંત્રાલય દ્વારા મહત્ત્વપૂર્ણ નિયમો લાગુ કરવામાં આવ્યા છે. સરકારે 'પાસપોર્ટ સુધારા નિયમ, 2026'ને સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત કરીને અમલી બનાવી દીધા છે. આ નવા નિયમો હેઠળ બાળકોના પાસપોર્ટની સમયમર્યાદા સ્પષ્ટ કરવામાં આવી છે તેમજ સામાન્ય, તત્કાલ, રિન્યુઅલ અને રિપ્લેસમેન્ટ સહિતની તમામ કેટેગરીમાં પાસપોર્ટની ફીમાં તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે.
બાળકોના પાસપોર્ટની વેલિડિટીમાં મોટો ફેરફાર
નવા નિયમો મુજબ, 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ઇશ્યૂ થનારા 36 પેજના સામાન્ય પાસપોર્ટની માન્યતા હવે પાસપોર્ટ જારી થયાની તારીખથી 5 વર્ષ અથવા તો બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી જ રહેશે. આ બંનેમાંથી જે પણ સમયગાળો વહેલો પૂરો થશે, તે મુજબ પાસપોર્ટની વેલિડિટી આપોઆપ પૂર્ણ થઈ જશે. એટલે કે જો 5 વર્ષ પૂરા થવા પહેલાં જ બાળક 18 વર્ષનું થઈ જશે, તો તેનો પાસપોર્ટ એ જ સમયે એક્સપાયર માની લેવામાં આવશે.
પુખ્ત વયના લોકો માટે પાસપોર્ટ ફી મોંઘી થઈ
સામાન્ય કેટેગરીમાં એડલ્ટ્સ માટે 36 પેજના પાસપોર્ટની ફી અગાઉ ₹1,500 હતી, જે હવે વધારીને ₹2,500 કરી દેવામાં આવી છે. જ્યારે 60 પેજના જમ્બો પાસપોર્ટ માટે પહેલાં ચૂકવવા પડતા ₹2,000ના બદલે હવે અરજદારે ₹3,500 ફી ચૂકવવી પડશે.
તત્કાલ સેવાના દરોમાં પણ જંગી વધારો
ઇમરજન્સીમાં પાસપોર્ટ મેળવવા માટેની તત્કાલ સેવા પણ હવે વધુ ખર્ચાળ બની ગઈ છે. હવે 36 પેજના તત્કાલ પાસપોર્ટ માટે ₹3,500ને બદલે ₹5,000 ચૂકવવા પડશે, જ્યારે 60 પેજના તત્કાલ પાસપોર્ટની ફી ₹4,000થી વધારીને ₹6,000 કરી દેવાઈ છે. આ ઉપરાંત, જો કોઈનો 60 પેજનો પાસપોર્ટ ખોવાઈ જાય કે ખરાબ થઈ જાય અને તેને તત્કાલ સ્કીમ હેઠળ નવો કઢાવવો હોય, તો પહેલાં ચૂકવવા પડતા ₹5,500ની સામે હવે પૂરા ₹8,500 ભરવા પડશે.
બાળકો માટે નવી ફી અને છૂટછાટના નિયમો
સગીરો માટે 36 પેજના નવા કે રિ-ઇશ્યૂ થનારા સામાન્ય પાસપોર્ટની ફી ₹1,000થી વધારીને ₹1,750 કરવામાં આવી છે, જ્યારે આ જ પાસપોર્ટ માટે તત્કાલ સેવામાં ₹3,000નો ચાર્જ લાગશે. જોકે રાહતની વાત એ છે કે 8 વર્ષથી ઓછી વયના બાળકો અને 60 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે નવા પાસપોર્ટની અરજી પર મળતી 10 ટકાની છૂટ યથાવત રાખવામાં આવી છે, પરંતુ આ કન્સેશન રિ-ઇશ્યૂના કિસ્સામાં મળશે નહીં.




