India

'જાણે મને ઘરેથી તગેડી મૂકાઈ રહી હોય...', ભાજપ સરકારના નિર્ણય પર કિરણ બેદીનું દર્દ છલકાયું

By GS Team
27 May 20263 mins read
TukuTouch Logo
કેન્દ્રની ભાજપ સરકારે દિલ્હીના 27.3 એકરમાં ફેલાયેલા પ્રતિષ્ઠિત દિલ્હી જિમખાના ક્લબને ખાલી કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય પર પૂર્વ આઈપીએસ ઓફિસર કિરણ બેદીએ ભારે નારાજગી અને દુઃખ વ્યક્ત કર્યું છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, જ્યારે મેં ક્લબ ખાલી કરવાનો આદેશ સાંભળ્યો ત્યારે મને એવો આઘાત લાગ્યો જાણે મને પોતાના જ ઘરમાંથી બેદખલ કરવામાં આવી રહી હોય. આ ક્લબ સાથે મારી દાયકાઓ જૂની યાદો જોડાયેલી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'જાણે મને ઘરેથી તગેડી મૂકાઈ રહી હોય...', ભાજપ સરકારના નિર્ણય પર કિરણ બેદીનું દર્દ છલકાયું
(IMAGE - IANS)

Kiran Bedi Delhi Gymkhana Club: કેન્દ્રની ભાજપ સરકારે દિલ્હીના 27.3 એકરમાં ફેલાયેલા પ્રતિષ્ઠિત દિલ્હી જિમખાના ક્લબને ખાલી કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય પર પૂર્વ આઇપીએસ ઑફિસર કિરણ બેદીએ ભારે નારાજગી અને દુઃખ વ્યક્ત કર્યું છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, જ્યારે મેં ક્લબ ખાલી કરવાનો આદેશ સાંભળ્યો ત્યારે મને એવો આઘાત લાગ્યો જાણે મને પોતાના જ ઘરમાંથી બેદખલ કરવામાં આવી રહી હોય. આ ક્લબ સાથે મારી દાયકાઓ જૂની યાદો જોડાયેલી છે.

14 વર્ષની ઉંમરની યાદો: અમૃતસરથી દિલ્હી ટેનિસ રમવા આવતા

કિરણ બેદીએ પોતાના ભૂતકાળને યાદ કરતાં જણાવ્યું કે, 'જ્યારે હું 14 વર્ષની હતી ત્યારે ટેનિસ ટુર્નામેન્ટ રમવા માટે અમૃતસરથી દિલ્હી આવતી હતી. આ ક્લબમાં જ અમે રમીને મોટા થયા અને તેના કારણે જ મને દિલ્હી શહેર સાથે પ્રેમ થઈ ગયો હતો. મેં સપનું જોયું હતું કે હું એક દિવસ દિલ્હીમાં જ રહીશ અને નોકરી કરીશ. બાદમાં જ્યારે 24 વર્ષની ઉંમરે મારું પહેલું પોસ્ટિંગ ચાણક્યપુરીમાં આસિસ્ટન્ટ સુપરિટેન્ડન્ટ ઑફ પોલીસ (ASP) તરીકે થયું, ત્યારે આ જિમખાના ક્લબ મારા જ પોલીસ વિસ્તારનો એક ભાગ હતો.'

વર્લ્ડ ક્લાસ ખેલાડીઓ અને દિગ્ગજોનું હતું આ કેન્દ્ર

આ ક્લબના ભવ્ય ઇતિહાસ વિશે વાત કરતા કિરણ બેદીએ કહ્યું કે, 'અહીં એશિયાના સૌથી શ્રેષ્ઠ લોન ટેનિસ કોર્ટ આવેલા છે. દિલ્હીમાં લોન ટેનિસ એસોસિએશન કોમ્પ્લેક્સ બન્યું તે પહેલા તમામ આંતરરાષ્ટ્રીય મેચો અને ડેવિસ કપના મુકાબલા અહીં જ રમાતા હતા. મેં રામનાથન કૃષ્ણન, જયદીપ મુખર્જી, અમૃતરાજ બ્રધર્સ અને નિરુપમા માંકડ જેવા ભારતના દિગ્ગજ ટેનિસ ખેલાડીઓને અહીં રમતા જોયા છે. આ સિવાય અહીં 100 વર્ષ જૂનો સ્વિમિંગ પૂલ, સ્ક્વોશ કોર્ટ, આધુનિક જીમ અને દેશની સૌથી શ્રેષ્ઠ લાઈબ્રેરી આવેલી છે, જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ પણ નવો પૂલ બનાવવામાં મદદ કરી હતી.'

મહિલાઓના હક માટે કિરણ બેદીએ બદલાવ્યા હતા નિયમો

કિરણ બેદી વર્ષ 1975માં એક મહિલા સભ્ય તરીકે આ ક્લબમાં જોડાયા હતા. તે સમયે ક્લબમાં મહિલાઓને વોટ આપવાનો અધિકાર નહોતો. કિરણ બેદીએ આ લિંગ-ભેદભાવ (જેન્ડર ડિસ્ક્રિમિનેશન)ને કાનૂની રીતે પડકારીને ક્લબના નિયમો બદલાયા હતા અને મહિલાઓને સમાન હક મળ્યો હતો. આ ક્લબ માત્ર અમીરો માટે નહીં પરંતુ નિવૃત્ત પેન્શનરો, વરિષ્ઠ નાગરિકો અને મધ્યમવર્ગીય સરકારી પરિવારો માટે એક બીજા ઘર સમાન છે, જ્યાં વાજબી ભાવે ભોજન અને બેકરીની સુવિધાઓ મળે છે.

આ પણ વાંચો: 'પતિ-પત્નીના ઝઘડામાં સાસરિયા પક્ષના મૌનને ક્રૂરતા ન માની શકાય...', સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

સરકાર પાસે પુનઃવિચાર કરવા માંગ: 5 જૂન સુધીનો સમય

આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય હેઠળની જમીન અને વિકાસ કચેરીએ સંવેદનશીલ સફદરજંગ રોડ વિસ્તારમાં સંરક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જાહેર સુરક્ષાનું કારણ આપીને જિમખાના ક્લબને બેદખલીની નોટિસ ફટકારી છે. ક્લબ પ્રશાસનને આ જગ્યા ખાલી કરવા માટે 5 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો છે. કિરણ બેદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ આ અંગે પોસ્ટ કરીને કેન્દ્ર સરકારને આ કડક નિર્ણય પર ફરીથી વિચાર કરવા માટે નમ્ર અપીલ કરી છે. હાલમાં આ સમગ્ર મામલો કોર્ટમાં વિચારાધીન છે.