કેજરીવાલનો માસ્ટરસ્ટ્રોક! કોંગ્રેસને ઝટકો આપી કરી મોટી જાહેરાત, GFP સાથે કર્યું ગઠબંધન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AAP GFP Alliance Goa First Front Arvind Kejriwal: ગોવા વિધાનસભા ચૂંટણી 2027 પહેલા આમ આદમી પાર્ટી (AAP) અને ગોવા ફોરવર્ડ પાર્ટી (GFP) એ મોટો રાજકીય દાવ ખેલ્યો છે. બંને પક્ષોએ રવિવારે ગઠબંધનની જાહેરાત કરતાં પોતાના મોરચાનું નામ 'ગોવા ફર્સ્ટ' રાખ્યું છે. અરવિંદ કેજરીવાલ અને વિજય સરદેસાઈએ જણાવ્યું કે, આ ગઠબંધન ભાજપ અને કોંગ્રેસ સિવાય રાજ્યમાં ત્રીજો વિકલ્પ પૂરો પાડશે. ખાસ વાત એ છે કે GFP અને કોંગ્રેસ વચ્ચે પણ ગઠબંધનને લઈને વાટાઘાટો ચાલી રહી હતી, પરંતુ હવે તે અટકી ગઈ હોય તેમ લાગી રહ્યું છે.
ગોવાના રાજકારણમાં નવું સમીકરણ
ગોવા વિધાનસભા ચૂંટણી 2027 પહેલા આમ આદમી પાર્ટી અને ગોવા ફોરવર્ડ પાર્ટી વચ્ચે ગઠબંધનની અધિકૃત જાહેરાત AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને GFP નેતા વિજય સરદેસાઈએ કરી છે. કેજરીવાલે કહ્યું કે, આ મોરચો ગોવાની જનતાને ભાજપ અને કોંગ્રેસથી મુક્ત એક સશક્ત વિકલ્પ આપશે.
કેજરીવાલે ગોવા પહોંચતા જ આપ્યા હતા સંકેત
અરવિંદ કેજરીવાલ શનિવારે ગોવા પહોંચ્યા હતા અને તેમણે અગાઉથી જ એક મોટી જાહેરાત કરવાનો સંકેત આપ્યો હતો. તેમના પ્રવાસ પહેલા ગોવાના વિવિધ વિસ્તારોમાં AAP અને GFP ના પ્રતીકો સાથેના પોસ્ટરો જોવા મળ્યા હતા, જેમાં લખ્યું હતું કે, 'કોંગ્રેસ અને ભાજપે તમને બે વાર છેતર્યા છે, ત્રીજી વાર તેમને એવું ન કરવા દો.'
કોંગ્રેસને GFP એ આપ્યો ઝટકો
આમ આદમી પાર્ટી અને GFP નું આ ગઠબંધન એટલા માટે મહત્વપૂર્ણ છે, કારણ કે કોંગ્રેસ અને GFP વચ્ચે પણ ચૂંટણી ગઠબંધન અંગે ચર્ચા ચાલી રહી હતી. GFP ની રાજ્ય કારોબારીએ શનિવારે બેઠક કરીને 'સમાન વિચારધારા ધરાવતા ધર્મનિરપેક્ષ દળો' સાથે આગળ વધવાનો નિર્ણય લીધો હતો, અને તેના બીજા જ દિવસે AAP સાથે હાથ મિલાવી લીધા હતા. બંને પક્ષના નેતાઓએ કોંગ્રેસ પર વિપક્ષી દળોને સાથે લાવવામાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો છે.
બંને પક્ષોની વર્તમાન સ્થિતિ
'ગોવા ફર્સ્ટ' મોરચા પાસે હાલમાં ધારાસભ્યોની સંખ્યા ઓછી છે, પરંતુ ચોક્કસ વિસ્તારોમાં તેમનો પ્રભાવ મજબૂત છે.
GFP: પૂર્વ ડેપ્યુટી સીએમ વિજય સરદેસાઈ (ફાતોરડા બેઠક) ના નેતૃત્વ હેઠળ 1 ધારાસભ્ય છે.
AAP: દક્ષિણ ગોવા તરફથી વેંજી વીગાસ (બેનાઉલિમ) અને ક્રૂઝ સિલ્વા (વેલિમ) એમ 2 ધારાસભ્યો છે.
ઉલ્લેખનીય છે કે, 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 40 માંથી 20 બેઠકો જીતી હતી, અને બાદમાં કોંગ્રેસના 11 માંથી 8 ધારાસભ્યો ભાજપમાં જોડાતાં કોંગ્રેસનું બળ ઘટીને 3 ધારાસભ્યોનું થઈ ગયું હતું. હવે 2027માં AAP અને GFP 'ગોવા ફર્સ્ટ' બેનર હેઠળ ભાજપ અને કોંગ્રેસ સામે ત્રીજી શક્તિ તરીકે ઉભરવા પ્રયાસ કરશે.




