India

જ્યાં પાઈપલાઈનની સુવિધા હોય ત્યાં PNG કનેક્શન લેવું ફરજિયાત, LPG ગ્રાહકો માટે સરકારનો મોટો આદેશ

By GS Team
23 Aug 20263 mins read
TukuTouch Logo
પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ક્રૂડ ઓઈલ સંકટ ટાળવા કેન્દ્ર સરકારે કડક નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ મંત્રાલયે દેશભરમાં PNG કનેક્શન ફરજિયાત બનાવ્યું છે. હવે જ્યાં PNG સુવિધા છે, ત્યાં LPG સિલિન્ડર નહીં મળે. આવા ગ્રાહકોના LPG કનેક્શન રદ કરાશે અને તેમને PNG અપનાવવું પડશે. આ નિયમ LPG કંટ્રોલ ઓર્ડર 2026 હેઠળ લાગુ કરાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જ્યાં પાઈપલાઈનની સુવિધા હોય ત્યાં PNG કનેક્શન લેવું ફરજિયાત, LPG ગ્રાહકો માટે સરકારનો મોટો આદેશ

LPG and PNG News : પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એક વખત યુદ્ધની સ્થિતિ સર્જાતા દુનિયા પર ક્રૂડ ઓઈલનું સંકટ તોળાઈ રહ્યું છે. આવા સમયે કેન્દ્ર સરકારે ફરીથી દેશભરમાં પીએનજી કનેક્શનના પ્રસાર પર ભાર મૂક્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયે શહેરોમાં પીએનજી પાઈપલાઈનની સુવિધા હોય તેવી જગ્યાઓ પર એલપીજીના બાટલા આપવાનું બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ અભિયાન સાથે સરકારે સ્પષ્ટ કર્યું છે કે પીએનજીની સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં લોકોએ ફરજિયાત આ કનેક્શન લેવું પડશે. શહેરોમાં જ્યાં પણ પીએનજી કનેક્શન ઉપલબ્ધ હોય છતાં કનેક્શન ના લીધું હોય તેમને નોટિસ પાઠવાશે અને તેમનું એલપીજી કનેક્શન રદ કરશે.

પેટ્રોલિયમ મંત્રાલયે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તંત્રને આદેશ આપ્યો છે કે એલપીજી સિલિન્ડરની જગ્યાએ પીએનજીના ઉપયોગને ઝડપથી પ્રોત્સાહન આપો, જેથી એલપીજીનો સપ્લાય ઘટાડી શકાય. જે વિસ્તારોમાં પીએનજી કનેક્શન પહોંચી ગયું છે અને છતાં લોકો એલપીજી કનેક્શન ચાલુ રાખતા હોય તો તેમના કનેક્શન રદ કરી દો. તેનો અર્થ એ છે કે પીએનજી પાઈપ લાઈનની સુવિધા હોય તેવા વિસ્તારોમાં એલપીજી ગેસ પૂરો પાડવામાં નહીં આવે. હાલના સંજોગોમાં શહેરોમાં પીએનજી પાઈપલાઈનની સુવિધા ઉપલબ્ધ હોવાથી શહેરોમાં એલપીજી કનેક્શન પર તવાઈ આવી શકે છે.

પીએનજી કનેક્શનને પ્રોત્સાહન આપીને કેન્દ્ર સરકારનો આશય ગેસ પૂરવઠા વ્યવસ્થાને ડિજિટલ અને સુરક્ષિત બનાવવાનો છે. નવા એલપીજી કંટ્રોલ ઓર્ડર 2026 અને નેચરલ ગેસ ડિસ્ટ્રીબ્યુશન ઓર્ડર 2026 હેઠળ નવા નિર્દેશો જાહેર કરાયા છે. આ નિર્દેશો હેઠળ કોઈપણ ઘરમાં પીએનજી અને એલપીજી કનેક્શન એક સાથે રાખી શકાશે નહીં. લોકોએ તેમના એલપીજી કનેક્શન સરન્ડર કરવા જ પડશે.

પેટ્રોલિયમ સચિવ નીરજ મિત્તલે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર મોકલીને કહ્યું કે, સરકારે એલપીજીથી પીએનજીમાં શિફ્ટ થવાના નિયમો આકરા કરી દીધા છે. પીએનજી કનેક્શનની પ્રોસેસને ઝડપી લાગુ કરવા માટે સરકારે વિશેષ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું છે.

ક્રૂડ ઓઈલ ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ અને સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓને દરેક ક્ષેત્રમાં પીએનજી સંકલન સમિતિ બનાવવા નિર્દશ અપાયો છે. રાજ્યોને ખાદ્ય અને નાગરિક પૂરવઠા વિભાગના જિલ્લા પૂરવઠા અધિકારી સ્તરના અધિકારીઓને જિલ્લાના નોડલ અધિકારી બનાવવા નિર્દેશ અપાયો છે.

મંત્રાલયે જણાવ્યું છે કે એવું રેગ્યુલેટરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાયું છે, જેના હેઠળ પરિવાર પીએનજી અને એલપીજી બંને કનેક્શન એક સાથે રાખી શકશે નહીં. પીએનજી સંકલન સમિતિના અધિકારી તેમના જિલ્લામાં પીએનજી કનેક્શન હોય ત્યાં એલપીજીનું કનેક્શન રદ કરવામાં આવે તેની ખાતરી કરશે. તેઓ ગ્રાહકો માટે જાગૃતિ અને કનેક્શન શિબિર પણ યોજશે.

પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વકરી રહ્યું છે. અમેરિકા અને ઈરાન બંને હોર્મુઝની ખાડી પર તેમનો કબજો હોવાનો દાવો કરી રહ્યા છે અને હોર્મુઝની ખાડીની નાકાબંધી કરી દીધી છે, જેના પગલે દુનિયામાં ફરી એક વખત ક્રૂડ ઓઈલનો સપ્લાય ખોરવાઈ શકે છે. આવા સંજોગોમાં કેન્દ્ર સરકારે આ વખતે અગાઉથી જ એલપીજીનો વપરાશ ઘટાડવા પર ધ્યાન આપ્યું છે તેમ પેટ્રોલિયમ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું.