IPL 2026 Match : બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાનારી IPL 2026ની મેચો પહેલા કર્ણાટકમાં ક્રિકેટ કરતા વધુ રાજકારણ ગરમાયું છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની ઓપનિંગ મેચ પહેલા ધારાસભ્યોએ ફ્રી VIP ટિકિટો માટે સરકાર પર દબાણ લાવતા અંતે KSCA (કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન) એ નમતું જોખ્યું છે.
શું છે સમગ્ર મામલો?
ગુરુવારે કર્ણાટક વિધાનસભામાં ધારાસભ્યોએ આક્ષેપ કર્યો હતો કે, તેમને ટિકિટ ખરીદવા માટે સામાન્ય જનતાની જેમ ઓનલાઈન લાઈનમાં ઊભા રહેવાનું કહેવામાં આવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય વિજયાનંદ કાશપ્પનવરે જાહેરમાં નારાજગી વ્યક્ત કરતા કહ્યું, "અમે VIP છીએ. અમે લાઈનમાં ઉભા રહીશું નહી. ગત્ત IPL દરમિયાન અમને સામાન્ય ગેલેરીમાં બેસાડવામાં આવ્યા હતા, જે સ્વીકાર્ય નથી. અમારું સન્માન જળવાવું જોઈએ."
સ્પીકરની માંગ અને સરકારની દખલ
વિધાનસભા સ્પીકર યુ.ટી. ખાદરે સરકારને સૂચના આપી હતી કે, દરેક ધારાસભ્યને 4 VIP ટિકિટ મળવી જોઈએ. જોકે, ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમારે શુક્રવારે સ્પષ્ટતા કરી હતી કે મોટાભાગની ટિકિટો વેચાઈ ગઈ હોવાથી 4 ટિકિટ આપવી મુશ્કેલ છે, પરંતુ હવે દરેક ધારાસભ્યને 2 ટિકિટ આપવામાં આવશે જેથી તેઓ પરિવારના સભ્યને સાથે લઈ જઈ શકે.
ધારાસભ્યોની ધમકી અને એક્સાઈઝ લાઈસન્સનો મુદ્દો
રાજકારણીઓએ ક્રિકેટ બોડીને ઘેરવા માટે નવી રણનીતિ અપનાવી હતી. ભાજપના નેતા અશોકાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ક્રિકેટ એસોસિએશન પાસે એક્સાઈઝ (દારૂ)નું લાઈસન્સ કેમ છે? તેમણે કહ્યું, "જો સરકાર આ બાબતે કડક થશે, તો તેઓ આપોઆપ લાઈનમાં આવી જશે."
તેજસ્વી સૂર્યાએ ધારાસભ્યોની ઝાટકણી કાઢી
એક તરફ ધારાસભ્યો ટિકિટ માટે લડી રહ્યા છે, ત્યારે ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ પોતાની જ પાર્ટીના અને વિપક્ષના ધારાસભ્યોની ટીકા કરી છે. તેમણે કહ્યું કે, "રાજકીય વર્ગ સત્તાને જવાબદારી નહીં પણ હક માને છે તે દુખદ છે. ભારત આનાથી વધુ સારું ડિઝર્વ કરે છે. હું વેંકટેશ પ્રસાદ (KSCA પ્રેસિડેન્ટ) ની સાથે ઉભો છું."
આખરે ઘીના ઠામમાં ઘી
કર્ણાટકના 224 ધારાસભ્યો અને 28 સાંસદોને VIP ટ્રીટમેન્ટ મળશે. ધારાસભ્યો માટે સ્ટેડિયમમાં એક ખાસ સ્ટેન્ડ નિર્ધારિત કરવામાં આવશે.KSCA પ્રમુખ વેંકટેશ પ્રસાદે સીએમ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર સાથે મુલાકાત કરી સમાધાન કર્યું.


