કર્ણાટકમાં ભયાનક ઘટના : જમીન વિવાદમાં એક જ પરિવારના 6 લોકોની ક્રૂરતાપૂર્વક હત્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vijayapura crime news: કર્ણાટકના વિજયાપુરા જિલ્લામાંથી એક હૃદયકંપાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં લાંબા સમયથી ચાલી રહેલા જમીન વિવાદના કારણે એક જ પરિવારના સભ્યો સહિત કુલ 6 લોકોની હત્યા કરવામાં આવી છે. પોલીસ દ્વારા શુક્રવારે આપવામાં આવેલી માહિતી અનુસાર, હત્યારાઓએ પહેલા આ લોકોને ગોળી મારી દીધી હતી અને ત્યારબાદ અત્યંત ક્રૂરતાપૂર્વક કુહાડીથી તેમના શબના ટુકડા કરી નાખ્યા હતા.
બે પરિવારો વચ્ચેના જમીન વિવાદમાં ખેલાયો લોહિયાળ ખેલ
આ લોહિયાળ ઘટના વિજયાપુરા જિલ્લાના ચડચાન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા ગોવિંદપુર ગામમાં બની છે. જીવ ગુમાવનારા તમામ 6 લોકો ગોવિંદપુર ગામના જ વતની હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ગામમાં રહેતા 'નિરાલે' અને 'ગોલાગી' પરિવાર વચ્ચે છેલ્લા ઘણા સમયથી જમીનની માલિકી બાબતે મોટો વિવાદ ચાલી રહ્યો હતો. પોલીસને પ્રબળ આશંકા છે કે આ જૂની અદાવતનો બદલો લેવા માટે ગોલાગી પરિવારના સભ્યોએ પૂર્વઆયોજિત કાવતરું ઘડીને આ ભયાનક હુમલાને અંજામ આપ્યો છે.
સામૂહિક હત્યાકાંડમાં ભોગ બનેલા મૃતકોના નામ
આ ઘાતકી અકસ્માતમાં જીવ ગુમાવનારા છ લોકોના નામ ચંદુ નિરાલે, દુંદપ્પા નિરાલે, શિવપુત્ર નિરાલે, રાહુલ નિરાલે, સમર્થ નિરાલે અને શબ્બીર નદાફ છે.
ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત, હત્યારાઓની શોધખોળ શરૂ
એકસાથે 6 લોકોની હત્યા થતાં જ સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે અને ગામમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. જો કે, આ ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હોવાથી હજુ સુધી કોઈની ધરપકડ થઈ શકી નથી. પોલીસે હત્યારાઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.









