Get The App

ન્યાય, દરવાજા પાછળ રડી રહ્યો છે: મમતા

Updated: Feb 5th, 2026

GS TEAM

Google News
Google News
ન્યાય, દરવાજા પાછળ રડી રહ્યો છે: મમતા 1 - image

- દેશની સૌ પ્રથમ ઘટના, બંગાળની 'દુર્ગા' વકીલના સ્વરૂપમાં: સુપ્રીમ આફરીન

- તમારા અધિકારીઓને કહો થોડી સંવેદનશીલતા રાખે: ચૂંટણી પંચને નોટિસ, આડેધડ નોટિસો ના મોકલવા સુપ્રીમની ટકોર

- અમર્ત્ય સેન જેવા જાણીતા લોકોને ચૂંટણી પંચ નોટિસ મોકલી રહ્યું છે, એસઆઇઆર મતદારોના નામ રદ કરવાની પ્રક્રિયા છે: મમતા

- મમતાએ પોતાનો કેસ રજૂ કરવા પાંચ મિનિટનો સમય માગ્યો, મુખ્ય ન્યાયાધીશે 15 મિનિટ આપી

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળની તૃણમુલ કોંગ્રેસની સરકારે ચૂંટણી પંચ દ્વારા મતદારોના વેરિફિકેશનની પ્રક્રિયા એસઆઇઆરને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. આ મામલામાં દલીલો કરવા માટે ખુદ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સુપ્રીમ કોર્ટમાં હાજર રહ્યા હતા. સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની બેંચ સમક્ષ મમતા બેનરજીએ ધારદાર રજુઆતો કરી હતી. સાથે જ કહ્યું હતું કે બંગાળને ઇરાદાપૂર્વક નિશાન બનાવાઇ રહ્યું છે, અનેક મતદારોની યાદીમાંથી બાદબાકી કરી દેવાઇ છે. નોબેલ વિજેતા અમર્ત્ય સેન, પ્રખ્યાત કવી જોય ગોસ્વામી જેવા જાણીતા લોકોને નોટિસ મોકલાઇ રહી છે.    

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચની એસઆઇઆર પ્રક્રિયાને લઇને ભારે વિવાદ ચાલી રહ્યો છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ખૂદ એક વકીલ પણ હોવાથી આ મામલે દલીલ કરવા પોતે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમાલ્યા બાગ્ચી અને ન્યાયાધીશ વિપુલ પંચોલીની બેંચ સમક્ષ મમતા બેનરજીએ દલીલો કરી હતી. સાથે જ ચૂંટણી પંચ પર મોટા આક્ષેપ કર્યા હતા. 

મમતાએ સુપ્રીમ કોર્ટમાં પોતાની દલીલો એકદમ શાંતિથી શરૂ કરી હતી, તેમણે દલીલો શરૂ કરતા કહ્યું કે આપ તમામ સન્માનિત જસ્ટિસ સમક્ષ મારી વિનંતી છે કે મારી વાત સાંભળવામાં આવે, જ્યારે ન્યાય દરવાજાની પાછળ થઇ રહ્યો હોય ત્યારે મે અનેક વખત ચૂંટણી પંચને પત્ર લખ્યા છે. કોર્ટરૂમમાં મમતાની પાસે ટીએમસીના સાંસદ કલ્યાણ બેનરજી પણ ઉભા હતા જેની સાથે મમતા વચ્ચે બાંગ્લા ભાષામાં વાત કરતા જોવા મળ્યા હતા. એક મુખ્યમંત્રી તરીકે સુપ્રીમ કોર્ટમાં દલીલો કરવાની આ પ્રથમ ઘટના માનવામાં આવે છે.  

મમતાએ જેવી દલીલો આગળ વધારી કે વચ્ચે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે ટોકતા કહ્યું કે પશ્ચિમ બંગાળ રાજ્યએ અરજી કરી છે, તમારા તરફથી દેશના સર્વશ્રેષ્ઠ વકીલો અહીંયા હાજર છે. વકીલ કપિલ સિબ્બલ અને શ્યામ દિવાન તમારી તમામ દલીલો રજુ કરી રહ્યા છે. મુખ્ય ન્યાયાધીશે એમ પણ કહ્યું હતું કે દરેક સમસ્યાનું કોઇને કોઇ સમાધાન હોય છે. કોઇ પણ નિર્દોષ વ્યક્તિ યાદીની બહાર ન રહી જાય તેની તકેદારી રાખવામાં આવશે.  બાદમાં મમતાએ કહ્યું હતું કે માત્ર પાંચ મિનિટ બોલવાની તક આપો, મુખ્ય ન્યાયાધીશે તેમને ૧૫ મિનિટ સુુધી હોલવાની તક આપી હતી. મમતાએ દલીલો શરૂ રાખી અને કહ્યું કે હું કેટલાક મીડિયા રિપોર્ટ રજુ કરવા માગું છું કે સાબિત કરે છે કે એસઆઇઆરની પ્રક્રિયા માત્ર નામ કમી કરવા માટે જ છે. નામ ઉમેરવા માટે નથી. હું અહીંયા મારી પાર્ટી માટે લડવા નથી આવી, હું તો સામાન્ય માણસ બંધુઆ મજૂર છું અને ન્યાયની માગણી કરી રહી છું. બંધ બારણા પાછળ ન્યાય રડી રહ્યો છે.   

ચૂંટણી પંચને છ વખત પત્ર લખ્યો છતા કોઇ જવાબ નથી મળ્યો: મમતા

મમતાએ કહ્યું હતું કે મે ચૂંટણી પંચને છ વખત પત્ર લખ્યો, અમને ન્યાય નથી મળી રહ્યો. જીવિત વ્યક્તિને મૃત જાહેર કરીને નામ કાઢી નખાયા છે.  મમતાએ વધુમાં કહ્યું હતું કે ચૂંટણી પંચે નોબેલ વિજેતા અમર્ત્ય સેન, બંગાળી કવી જોય ગોસ્વામી અને ટીએમસી સાંસદ દીપક અધિકારી જેવા જાણિતા લોકોને પણ નોટિસ મોકલી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે ચૂંટણી પંચને નોટિસ પાઠવી હતી સાથે જ કહ્યું હતું કે એસઆઇઆર નોટિસ મોકલવામાં આવે ત્યારે પુરતી કાળજી રાખવામાં આવે, સાથે જ તમારા ચૂંટણી અધિકારીઓને કહો કે તેઓ થોડી સંવેદના દેખાડે.  

મમતાએ શાંતિથી દલીલો શરૂ કરી પછી આક્રમક અંદાજમાં આવી ગયા

શાંતિથી દલીલો શરૂ કરનારા મમતા બેનરજી હવે વધુ આક્રામક અંદાજમાં આવી ગયા હતા, તેમણે સીધા ચૂંટણી પંચને ઘેર્યું અને કહ્યું હતું કે ઇલેક્શન કમિશન સોરી વોટ્સએપ કમિશન જાણી જોઇને બંગાળને નિશાન બનાવી રહ્યું છે. કોઇ મહિલાએ લગ્ન બાદ પોતાના પતિની સરનેમ અપનાવી હોય તો તેને મિસમેચમાં સામેલ કરી દેવાય છે. નામમાં સ્પેલિંગ જેવી સામાન્ય ભૂલોને કારણે લોકોને યાદીમાંથી હટાવાઇ રહ્યા છે.  ખેતિની સીઝન છે આવા સમયે લોકોને નોટિસ મોકલીને હાજર થવા પરેશાન કરાઇ રહ્યા છે.

 અનેક લોકો રાજ્યમાં હાજર પણ નથી.