ભારત-નેપાળ વચ્ચે રેલ કનેક્ટિવિટી વધારવા રેલવેની મંજૂરી, જનકપુર ધામથી અયોધ્યા કેન્ટ વચ્ચે 604 કિમીની સાપ્તાહિક ટ્રેન દોડશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Janakpur Dham to Ayodhya Cantt Train Service: ભારત અને નેપાળ વચ્ચે રેલ કનેક્ટિવિટીને મજબૂત કરવા માટે ભારતીય રેલવે દ્વારા શનિવારે(14 નવેમ્બર) એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવેએ નેપાળ સ્થિત માતા જાનકીની જન્મસ્થળી જનકપુર ધામ અને ઉત્તર પ્રદેશ સ્થિત પ્રભુ શ્રી રામની જન્મસ્થળી અયોધ્યા કેન્ટ વચ્ચે નવી સાપ્તાહિક ટ્રેન સેવા શરૂ કરવાની મંજૂરી આપી છે. કુલ 604 કિલોમીટરનું અંતર કાપનારી આ ટ્રેન બંને દેશોના યાત્રાળુઓ, પ્રવાસીઓ અને સરહદી વિસ્તારના નાગરિકોને સીધી રેલ સુવિધા પૂરી પાડશે.
ટ્રેનનો રૂટ અને 10 મુખ્ય સ્ટોપેજ
આ નવી સાપ્તાહિક ટ્રેન બિહાર અને ઉત્તર પ્રદેશના મહત્ત્વના શહેરોમાંથી પસાર થશે. બંને ટર્મિનલ સ્ટેશન ઉપરાંત ટ્રેનને 10 સ્ટેશનો પર કોમર્શિયલ સ્ટોપેજ આપવામાં આવ્યા છે. જેમાં બિહારમાં જયનગર, મધુબની, શિશો, સીતામઢી, રક્સૌલ અને નરકટિયાગંજ તેમજ ઉત્તર પ્રદેશમાં ગોરખપુર, બસ્તી, મનકાપુર અને અયોધ્યા ધામ ખાતે ટ્રેન ઉભી રહેશે.
સંચાલનના દિવસો
આ ટ્રેન સેવા અઠવાડિયામાં એક દિવસ કાર્યરત રહેશે
- જનકપુર ધામથી: દર શનિવારે ઉપડશે.
- અયોધ્યા કેન્ટથી: દર સોમવારે ઉપડશે.
પ્રવાસન, વેપાર અને સરહદી વિસ્તારોને સીધો ફાયદો
રામાયણ સર્કિટ સાથે જોડાયેલા પ્રવાસનને વેગ આપવા ઉપરાંત આ ટ્રેન શિક્ષણ, વેપાર અને પારિવારિક કારણોસર સરહદ પાર મુસાફરી કરતા લોકો માટે પરિવહનનો મહત્ત્વનો વિકલ્પ બનશે. બિહાર અને નેપાળના સરહદી વિસ્તારોમાં રહેતા સમુદાયો વચ્ચે આર્થિક અને સામાજિક સંબંધો વધુ મજબૂત થશે, તેમજ રૂટ પરના ટૂર ઓપરેટર્સ, હોસ્પિટાલિટી વ્યવસાયો, સ્થાનિક વેપારીઓ અને પરંપરાગત કારીગરો માટે રોજગારીની નવી તકો ઊભી થશે.
આ નવી સેવાથી તીર્થયાત્રીઓ, પ્રવાસીઓ અને અન્ય મુસાફરો માટે સરહદ પારની મુસાફરી વધુ સુવિધાજનક બનશે. તેનાથી જનકપુર અને અયોધ્યા વચ્ચે ધાર્મિક યાત્રાઓ સરળ બનશે. તેની સાથે જ રામાયણ સાથે જોડાયેલા પ્રવાસન સર્કિટને પ્રોત્સાહન મળશે અને શિક્ષણ, વેપાર કે પારિવારિક કાર્યો માટે મુસાફરી કરતા લોકોને અવરજવરમાં વધુ સુવિધા મળશે.




