India

જલાલાબાદ હવે પરશુરામ પુરી તરીકે ઓળખાશે, પ્રાચીન સમયમાં આ પ્રદેશ ‘ધર્મપુરી’ તરીકે ઓળખાતો હતો

By GS Team
6 Jul 20263 mins read
TukuTouch Logo
ઉત્તર પ્રદેશની યોગી સરકારે ઐતિહાસિક ભૂલો સુધારી સનાતન સંસ્કૃતિને પુનર્જીવિત કરવાનો નિર્ણય લીધો છે. શાહજહાંપુર જિલ્લાના 'જલાલાબાદ' તાલુકાનું નામ બદલીને 'પરશુરામ પુરી' કરવાના પ્રસ્તાવને કેબિનેટે મંજૂરી આપી છે. પૌરાણિક માન્યતા અનુસાર, આ ભગવાન પરશુરામની જન્મભૂમિ છે. સરકારે આ સ્થળને ₹20 કરોડના ખર્ચે પ્રવાસન ધામ તરીકે વિકસાવવાનું શરૂ કર્યું છે. આ નિર્ણયથી સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જલાલાબાદ હવે પરશુરામ પુરી તરીકે ઓળખાશે, પ્રાચીન સમયમાં આ પ્રદેશ ‘ધર્મપુરી’ તરીકે ઓળખાતો હતો

From Jalalabad to Parashuram Puri: A Cultural Renaissance: ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે ફરી એકવાર ઐતિહાસિક ભૂલો સુધારીને કરીને સનાતન સંસ્કૃતિને પુનર્જીવિત કરવાનો નિર્ણય લીધો છે. લખનૌમાં 5 કાલિદાસ માર્ગ સ્થિત મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં શાહજહાંપુર જિલ્લાના ઐતિહાસિક તાલુકા 'જલાલાબાદ'નું નામ બદલીને ‘પરશુરામ પુરી’ રાખવાના પ્રસ્તાવને લીલી ઝંડી આપી દેવાઈ છે. વર્ષો જૂની આ માંગણી પૂરી થતાં જ સ્થાનિક રહીશોમાં ખુશીનો માહોલ છે.

શું છે આ સ્થળનો ઐતિહાસિક વારસો?
ઇતિહાસના પાના ફેરવીએ તો જાણવા મળે છે કે આ પ્રદેશનું પ્રાચીન નામ 'ધર્મપુરી' હતું. જો કે, મુઘલ શાસન દરમિયાન સમ્રાટ જલાલુદ્દીન મુહમ્મદ અકબરના નામ પરથી તેના વહીવટી વડાઓએ આ સ્થળનું નામ બદલીને 'જલાલાબાદ' કરી નાખ્યું હતું, જેનો અર્થ 'જલાલ દ્વારા વસાવેલું શહેર' થાય છે. દિલ્હીથી બંગાળ અને અવધને જોડતા મુખ્ય માર્ગ પર હોવાને કારણે તે મુઘલોનું સૈન્ય મથક પણ બન્યું હતું.

ગુલામીનું પ્રતીક હટાવવા લડત ચલાવવી પડી
‘ભગવાન પરશુરામ જન્મભૂમિ ટ્રસ્ટ’ સહિત અનેક સંગઠનો લાંબા સમયથી આ ગુલામીના પ્રતીકને હટાવવા માટે લડત ચલાવી રહ્યા હતા. ગયા વર્ષે જિલ્લા મેજિસ્ટ્રેટ ધર્મેન્દ્ર પ્રતાપ સિંહ દ્વારા મોકલાયેલા પ્રસ્તાવને કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મળ્યા બાદ, હવે યોગી કેબિનેટે આ ઐતિહાસિક ભૂલને સુધારી દીધી છે.

પરશુરામની જન્મભૂમિ અને તપોભૂમિ
પૌરાણિક માન્યતા અનુસાર, આ એ જ પવિત્ર સ્થળ છે જ્યાં ભગવાન પરશુરામનો જન્મ થયો હતો અને તેમણે અહીં વર્ષો સુધી તપસ્યા કરી હતી. ભગવાન પરશુરામનું મૂળ નામ 'રામ' હતું. શિવજી પાસેથી પરશુ એટલે કે કુહાડી મળ્યા પછી તેઓ પરશુરામ કહેવાયા. તેમના આ જન્મસ્થાન પાસે એક તળાવ આવેલું છે, જેનું નામ 'રામતાલ' છે. આ પવિત્ર તળાવના કિનારે જ ભગવાન પરશુરામ અને તેમના માતા રેણુકાજીનું ભવ્ય મંદિર આવેલું છે. આ સમગ્ર પરિસર ‘પરશુરામ ધામ’ તરીકે ઓળખાય છે.

20 કરોડના ખર્ચે પ્રવાસન ધામ તરીકે વિકસાવાશે
ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ‘પરશુરામ ધામ’ને સત્તાવાર રીતે પ્રવાસન સ્થળ જાહેર કરવામાં આવ્યું છે અને તેના બ્યુટિફિકેશન માટે અંદાજે રૂપિયા 20 કરોડનું બજેટ ફાળવીને કામ શરૂ કરી દેવાયું છે.

યોગી કેબિનેટના અન્ય મહત્ત્વના નિર્ણયો
આ બેઠકમાં માત્ર નગરના નામકરણને જ નહીં, પરંતુ રાજ્યના વિકાસ અને શિક્ષણ ક્ષેત્રે કુલ 27 જેટલા પ્રસ્તાવોને મંજૂરી અપાઈ હતી.

  • સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી: રાજ્યમાં નવું મૂડીરોકાણ લાવવા અને યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવા માટે એક ખાસ 'સ્ટાર્ટઅપ મિશન' શરૂ કરવામાં આવશે, જે નવા ઉદ્યોગસાહસિકોને મદદ કરશે. આ અંતર્ગત 'યુપી સ્ટાર્ટઅપ નીતિ 2026' ને મંજૂરી અપાઈ છે, જે નવા આઈડિયા સાથે બિઝનેસ શરૂ કરનારાઓને સવલતો આપશે. ઉપરાંત, ડિજિટલ ડેટાના સંગ્રહ અને સુરક્ષા માટે મોટા સેન્ટરો સ્થાપવા 'ડેટા સેન્ટર નીતિ 2026' નો અમલ કરવામાં આવશે, જેથી મોટી આઈટી કંપનીઓ ઉત્તર પ્રદેશ તરફ આકર્ષાય.
  • પશુપાલકો માટે કવચ: નાના ખેડૂતો અને પશુપાલકો માટે 'મુખ્યમંત્રી જોખમ વ્યવસ્થાપન અને પશુધન વીમા યોજના' મંજૂર કરાઈ છે, જે રોગચાળા, પશુ અપંગતા કે પશુના મૃત્યુ સમયે આર્થિક સહાય આપશે.
  • નવી યુનિવર્સિટીઓ: કાનપુરના બિલહૌરમાં ‘મહર્ષિ યોગી આંતરરાષ્ટ્રીય કૃષિ યુનિવર્સિટી’, ફતેહપુરમાં ‘ઠાકુર યુગરાજ સિંહ યુનિવર્સિટી’ અને ગાઝિયાબાદમાં ‘અજય કુમાર ગર્ગ યુનિવર્સિટી’ની સ્થાપનાને લીલી ઝંડી મળી છે.
  • પેન્શનમાં વધારો: ઉત્તર પ્રદેશ જાહેર સેવા આયોગના સેવા નિવૃત્ત અધ્યક્ષો અને સભ્યોને મળતા પેન્શનની રકમમાં નોંધપાત્ર વધારો કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.
  • મદરેસા પ્રસ્તાવ રદ: કેબિનેટમાં રજૂ થયેલા પ્રસ્તાવો પૈકી મદ્રેસા શિક્ષકોની ગ્રેચ્યુઇટી સંબંધિત દરખાસ્તને સરકારે હાલ પૂરતી મુલતવી રાખી છે અને તેના પર કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.

ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને સ્મરણાંજલિ
આ બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જન્મજયંતિ પર યાદ કરતા જણાવ્યું હતું કે, વર્ષ 1953માં કાશ્મીરમાં આપેલું તેમનું બલિદાન અને ‘એક દેશમાં બે વડા, બે વિધાન અને બે પ્રધાન નહીં ચાલે’નું તેમનું સપનું વર્ષ 2019 માં પીએમ મોદીના નેતૃત્વમાં કલમ 370 નાબૂદ કરવાની સાથે સાકાર થયું છે. ભાજપની ડબલ-એન્જિન સરકાર આજે દેશના ઐતિહાસિક સ્થળોને પુનર્જીવિત કરવાનું કામ સારી રીતે કરી રહી છે.