Get The App

'મેં ક્યારેય નથી કહ્યું કે હું બીમાર છું...', રાજીનામાના કારણ અંગે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડે તોડ્યું મૌન

Updated: Feb 27th, 2026

GS TEAM

Google News
Google News
Jagdeep Dhankhar


(IMAGE -IANS)

Jagdeep Dhankhar: ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ગયા વર્ષે જુલાઈમાં આપેલા પોતાના અચાનક રાજીનામા પાછળનું સાચું કારણ જણાવીને સૌને ચોંકાવી દીધા છે. રાજસ્થાનના ચૂરૂમાં એક સભાને સંબોધતા તેમણે સ્પષ્ટ કર્યું કે, તેમનું રાજીનામું ખરાબ તબિયતને કારણે નહોતું, પરંતુ તેમણે 'સ્વાસ્થ્યને પ્રાથમિકતા' આપવા માટે આ મોટું પગલું ભર્યું હતું. તેમણે કહ્યું કે, 'પહેલું સુખ તે જાતે નર્યા' એ કહેવત મુજબ મેં ક્યારેય સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી દાખવી નથી. જ્યારે મેં પદ ત્યાગવાની જાહેરાત કરી ત્યારે મેં ક્યારેય એમ નહોતું કહ્યું કે હું બીમાર છું, મેં ફક્ત એટલું જ કહ્યું હતું કે હું મારા સ્વાસ્થ્યને મહત્ત્વ આપી રહ્યો છું.'

રાજકીય અટકળોનો અંત

નોંધનીય છે કે 21 જુલાઈ, 2025ના રોજ જ્યારે તેમણે રાષ્ટ્રપતિને રાજીનામું આપ્યું હતું, ત્યારે અનેક સવાલો ઊભા થયા હતા. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ આ રાજીનામા પાછળ કોઈ મોટી વાર્તા હોવાની આશંકા વ્યક્ત કરી હતી અને ધનખડની ચુપકીદી પર સવાલો ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીએ ત્યારે સવાલ કર્યો હતો કે રાજ્યસભામાં ગાજતા વ્યક્તિ અચાનક કેમ શાંત થઈ ગયા અને તેઓ કેમ છુપાઈ રહ્યા છે?

આ પણ વાંચો: હવે અગ્નિવીરોને નિવૃત્ત થતાં જ રેલવેમાં નોકરીની મળશે તક, કેન્દ્ર સરકારે કરી મોટી તૈયારી!

પૂર્વ ઉપરાષ્ટ્રપતિની કોંગ્રેસી નેતાઓ સાથે મુલાકાત

ધનખડના આ ચૂરૂ પ્રવાસ દરમિયાન તેમણે પૂર્વ કોંગ્રેસ સાંસદ રામ સિંહ કસવાંની મુલાકાત લીધી હતી. આ મુલાકાત પણ રાજકીય રીતે મહત્ત્વની માનવામાં આવી રહી છે કારણ કે તેની યજમાની કોંગ્રેસના નેતાઓએ કરી હતી. પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે તેઓ રામ સિંહ કસવાંની તબિયત અંગે ચિંતિત હોવાથી અહીં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ધનખડના રાજીનામા બાદ યોજાયેલી ચૂંટણીમાં સી. પી. રાધાકૃષ્ણન દેશના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા.

'મેં ક્યારેય નથી કહ્યું કે હું બીમાર છું...', રાજીનામાના કારણ અંગે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડે તોડ્યું મૌન 2 - image