Get The App

હવે અગ્નિવીરોને નિવૃત્ત થતાં જ રેલવેમાં નોકરીની મળશે તક, કેન્દ્ર સરકારે કરી મોટી તૈયારી!

Updated: Feb 27th, 2026

GS TEAM

Google News
Google News
હવે અગ્નિવીરોને નિવૃત્ત થતાં જ રેલવેમાં નોકરીની મળશે તક, કેન્દ્ર સરકારે કરી મોટી તૈયારી! 1 - image

Agniveers: ભારતીય રેલવે અને ભારતીય સેનાએ એક મહત્ત્વપૂર્ણ પહેલ હેઠળ "ફ્રેમવર્ક ઑફ કોઓપરેશન" શરુ કર્યું છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય અગ્નિવીરો અને સેવારત/સેવાનિવૃત્ત લશ્કરી કર્મચારીઓને લશ્કરી સેવા બાદ નાગરિક જીવનમાં સરળ સંક્રમણની સુવિધા આપવાનો તથા રેલવેમાં રોજગારની તકોનો વિસ્તાર કરવાનો છે.

વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ અને રેલવે મંત્રાલયના નેતૃત્ત્વ દ્વારા શરુ કરવામાં આ પહેલથી રેલવેમાં ઉપલબ્ધ નોકરીઓ વિશે જાગૃતિ વધશે અને આ સાથે જ નિવૃત્ત કર્મચારીઓ માટે એક સમર્પિત સહાય પ્રણાલી સ્થાપિત કરવામાં આવશે. આ પહેલ નિવૃત્ત સૈનિકોને સાર્થક બીજું કરિયર પ્રદાન કરવા અને રાષ્ટ્રીય વિકાસ લક્ષ્યોમાં યોગદાન આપવાની સહિયારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

ભારતીય રેલવે પૂર્વ સૈનિકોના કલ્યાણ અને પુનર્વસનને તેની નીતિઓનો અભિન્ન ભાગ માને છે. આ પહેલ હેઠળ પૂર્વ સૈનિકો અને નિવૃત્ત અગ્નિવીરો માટે ખાસ અનામત સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. 

- નિવૃત્ત સૈનિકો માટે: લેવલ-2 અને ઉપરના પદોમાં 10% તથા લેવલ-1ના પદોમાં 20% અનામત.

- નિવૃત્ત અગ્નિવીરો માટે: લેવલ-2 અને ઉપરના પદોમાં 5% તથા લેવલ-1ના પદોમાં 10% અનામત.

વર્ષ 2024 અને 2025માં રેલવેની વિવિધ ભરતી નોટિફિકેશનમાં નિવૃત્ત સૈનિકો માટે કુલ 14,788 જગ્યાઓ અનામત રાખવામાં આવી હતી, જેમાં 6,485 લેવલ-1 પદ અને 8,303 લેવલ-2/ઉપરના પદ સામેલ છે. આ પદ પર ભરતી રલવે ભરતી બોર્ડ (RRB) અને રેલ્વે ભરતી કેન્દ્રો(RRC)ના માધ્યમથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા કરવામાં આવે છે.

આ ઉપરાંત હાલની ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા ઝડપી બનાવવા અને નિવૃત્ત સૈનિકોની ઝડપી ભરતીને પ્રોત્સાહન આપવા માટે રેલવે મંત્રાલયે નિયમિત ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી 'પોઇન્ટ્સમેન' પદ માટે કરારના આધારે ભૂતપૂર્વ સૈનિકોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. આ હેતુ માટે 5,000થી વધુ જગ્યાઓનું આયોજન કરવામાં આવ્યું છે, અને દેશભરના નવ રેલવે વિભાગોએ પહેલા જ લશ્કરી સંગઠનો સાથે MoU પર હસ્તાક્ષર કરી લીધા છે.

આ પણ વાંચો: મિત્રો કે સગાં લોન લેતા હોય તો સહી કરતાં પહેલા ચેતજો! લોન ગેરંટર અંગે સુપ્રીમ કોર્ટનો મહત્ત્ત્વનો ચુકાદો

આ સહયોગ અગ્નિવીર યોજના હેઠળ 2026માં નિવૃત્ત થનારા નિવૃત્ત સૈનિકોના પ્રથમ બેચ માટે તો મહત્ત્વપૂર્ણ છે જ, પરંતુ લશ્કરી અને નાગરિક ક્ષેત્રો વચ્ચે મજબૂત સંકલનનું પ્રતીક પણ છે. આનાથી નિવૃત્ત સૈનિકોને સન્માનજનક અને સ્થિર રોજગાર મળશે, જે તેમની કુશળતા અને શિસ્તને રેલવે જેવા મોટા સંગઠનમાં ઉપયોગી સાબિત કરશે.