Get The App

ભારતમાં મોટા હુમલાનું ISIનું કાવતરું, 8 ઝડપાયા

Updated: Feb 23rd, 2026

GS TEAM

Google News
Google News
ભારતમાં મોટા હુમલાનું ISIનું કાવતરું, 8 ઝડપાયા 1 - image

- દિલ્હીમાં એઆઇ સમિટ સમયે મેટ્રો સ્ટેશનો પર ફ્રી કાશ્મીરના પોસ્ટરો લગાવ્યા

- આરોપીઓ પાસેથી 16 સિમકાર્ડ, આઠ મોબાઇલ મળ્યા જેમાં હથિયારોની ખરીદીના પ્રયાસોના પુરાવા પણ સામેલ

- ભારતમાં 2007માં આત્મઘાતી હુમલાના કાવતરા બદલ ઝડપાયેલા શબ્બીરે 2017માં છૂટી બાંગ્લાદેશ જઈ હુમલાનું પ્લાનિંગ કર્યું

- દિલ્હી સહિતના મુખ્ય શહેરોની મુલાકાત લીધી હતી બંગાળમાંથી બે જ્યારે તમિલનાડુમાંથી છની ધરપકડ

નવી દિલ્હી: પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઇએસઆઇ ભારતની રાજધાની દિલ્હીમાં મોટા હુમલાની ફિરાકમાં છે, આ હુમલાનું કાવતરું ઘડનારા એક બાંગ્લાદેશી સહિત આઠ શંકાસ્પદ આતંકીઓની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. એટલુ જ નહીં તપાસ દરમિયાન 16 સિમકાર્ડ,8 મોબાઇલ પણ જપ્ત કરાયા છે. ઝડપાયેલા આરોપીઓએ દિલ્હી, કોલકાતા મેટ્રો સ્ટેશનો પર અનેક પોસ્ટરો લગાવ્યા હતા જેમાં ફ્રી કાશ્મીર, કાશ્મીરમાં નરસંહાર રોકો જેવા સુત્રો લખ્યા હતા. 

સીસીટીવી કેમેરા તેમજ અન્ય પુરાવાઓના આધારે દિલ્હી પોલીસે કેટલાક રાજ્યોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જ્યારે શનિવારે દિલ્હીના લાલ કિલ્લા અને ચાંદની ચોક વિસ્તારમાં આઇઇડીની તપાસ કરી હતી.  આ કાર્યવાહી દરમિયાન બંગાળના માલદાથી બે આરોપીઓ ઉમર ફારૂક, રોબીલ ઉલ ઇસ્લામની ધરપકડ કરી હતી જેની પૂછપરછમાં અન્ય રાજ્યોમાં છૂપાયેલા શંકાસ્પદોની જાણકારી મળી હતી.  બાદમાં તમિલનાડુમાં તપાસ અભિયાન ચલાવાયું જેમાં ઉથુકુલીમાંથી બે શંકાસ્પદો, પલ્લાદમમાંથી ત્રણ અને તિરુપુરમાંથી એક શંકાસ્પદ ઝડપાયો હતો. આ તમામ આરોપીઓના નામ મિઝનુર રેહમાન, મોહમ્મદ શબાત, ઉમર, મોહમ્મદ લિતાન, શાહીદ, ઉજ્જલ વગેરે છે.  

આ તમામ આરોપીઓ ફેક આધાર કાર્ડ સહિતના બનાવટી દસ્તાવેજોની મદદથી છૂપાઇને રહેતા હતા જ્યારે એક ગારમેન્ટ ફેક્ટરીમાં કામ પણ કરતા હતા. તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર મોડયુલનું સંચાલન બાંગ્લાદેશથી થતું હતું, જેને પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઇએસઆઇનું પુરુ સમર્થન હતું. શબ્બીર અહમેદ લોન નામનો હેન્ડલર તમામ આરોપીઓને આદેશ આપી રહ્યો હતો, સુત્રોએ જણાવ્યું છે કે શબ્બીરની ૨૦૦૭માં ધરપકડ કરાઇ હતી તે સમયે તેના પર ભારતમાં આત્મઘાતી હુમલાનો આરોપ લાગ્યો હતો અને બાદમાં જેલમાં મોકલી દેવાયો હતો, જેલમાંથી છૂટયા બાદ તે ભારતથી ભાગી ગયો અને લશ્કર-એ-તોયબા સાથે જોડાઇ ગયો હતો. 

બાદમાં શબ્બીરે બાંગ્લાદેશમાં પોતાનો બેઝ તૈયાર કર્યો હતો અને પાકિસ્તાનની આઇએસઆઇના સંપર્કમાં હતો. અન્ય એક બાંગ્લાદેશી સૈદુલ ઇસ્લામ પણ ધરપકડ કરાયેલા આરોપીઓના સંપર્કમાં હતો.

મોબાઇલમાંથી શંકાસ્પદ વીડિયો, તસવીરો મળી આવ્યા 

આરોપીઓના મોબાઇલ ફોનમાંથી વીડિયો અને તસવીરો મળી આવ્યા છે, જેમાં હથિયારોની ખરીદીના પ્રયાસોના પુરાવા પણ સામેલ છે. પોલીસને શંકા છે કે આરોપીઓ દિલ્હી સહિત દેશમાં જુદા જુદા સ્થળે મોટા હુમલાની ફિરાકમાં હતા, દિલ્હી પોલીસ હવે ફન્ડિંગ અને વિદેશી કનેક્શન તેમજ સંવેદનશીલ ટાર્ગેટ સ્થળોની જાણકારી મેળવી રહી છે. આ પહેલા પાકિસ્તાનનું આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા દિલ્હીમાં મોટા હુમલાની ફિરાકમાં છે તેવા અહેવાલો સામે આવ્યા હતા જેને પગલે શનિવારે લાલ કિલ્લા, ચાંદની ચોક સહિતના વિસ્તારોમાં ભારે તપાસ કરાઇ હતી. હવે રવિવારે આઠ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. 

આઠમાંથી ચાર આરોપી પોસ્ટરો લગાવવા દિલ્હી આવ્યા હતા

બીજી તરફ હજુ પણ દિલ્હીમાં ભારે તપાસ અભિયાન ચાલી રહ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓએ અનેક શહેરોની મુલાકાત લીધી હતી અને દિલ્હીમાં એઆઇ સમિટ ચાલી રહી હતી ત્યારે જ મેટ્રો સ્ટેશનો પર ફ્રી કાશ્મીર જેવા પોસ્ટરો લગાવ્યા હતા. બાદમાં તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં પાછા આવી ગયા હતા. તમામ આરોપીઓ સોશિયલ મીડિયાથી એકબીજાના સંપર્કમાં હતા. આઠમાંથી ચાર આરોપીઓ પોસ્ટરો લગાવવા દિલ્હી આવ્યા હતા. પોલીસે સીસીટીવી વીડિયો સહિતની તમામ માહિતી મેળવીને આરોપીઓને ઝડપી પાડયા છે.    

- બાંગ્લાદેશી હેન્ડલર શબ્બીર શાહ હાફિઝ સઈદના સંપર્કમાં હતો 

લશ્કરે તોયબા બાંગ્લાદેશી મોડયુલનો પણ પર્દાફાશ થયો છે, બાંગ્લાદેશી હેન્ડલર શબ્બીર શાહ આતંકી હાફિઝ  સઇદના સંપર્કમાં હતો, શબ્બીર અહમદ લોન કે જેને શબ્બીર શાહ તરીકે પણ ઓળખવામાં આવે છે તે ૨૦૦૭થી જ લશ્કર ચીફ હાફિઝ સઇદ અને ૨૬/૧૧ હુમલાના માસ્ટરમાઇન્ડ ઝકી ઉર રહમાન લખવીના સંપર્કમાં હતો. ૨૦૦૭માં ઝડપાયેલો શબ્બીર ૨૦૧૭માં છૂટી ગયો હતો અને ભારતથી ભાગીને બાંગ્લાદેશ ગયો હતો જ્યાંથી હવે તે ભારત વિરોધી કાવતરા ઘડી રહ્યો છે.