Get The App

યુદ્ધને કારણે ભારતના 25 લાખ સહિત દુનિયામાં 88 લાખ લોકો ગરીબીમાં ધકેલાશે : યુએનનો રિપોર્ટ

Updated: Apr 15th, 2026

GS TEAM

Google News
Google News
યુદ્ધને કારણે ભારતના 25 લાખ સહિત દુનિયામાં 88 લાખ લોકો ગરીબીમાં ધકેલાશે : યુએનનો રિપોર્ટ 1 - image

Iran War effect on India : મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હાલ અનિશ્ચિતતાઓમાં ફસાયેલું છે. અમેરિકા અને ઈરાને બે સપ્તાહનો યુદ્ધવિરામ જાહેર કર્યો હતો, પરંતુ ઈસ્લામાબાદમાં શાંતિ મંત્રણાઓ પડી ભાંગતા ફરી તણાવ વધ્યો છે, જેથી આ યુદ્ધ લાંબુ ચાલે તેવી આશંકા છે. જોકે, આ યુદ્ધની ભારત વિપરિત અસર પડી રહી છે. આ યુદ્ધના કારણે ભારતમાં 25 લાખથી વધુ લોકો પર ગરીબીમાં ધકેલાઈ જવાનું જોખમ છે તેમ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (યુએનડીપી)ના એક રિપોર્ટમાં દાવો કરાયો છે. આ રિપોર્ટ મુજબ ઈંધણ, ખાતર અને પરિવહન ખર્ચ વધવાથી કૃષિ મોંઘી થઈ શકે છે, જેથી ખેડૂતો પર દબાણ વધશે. સામાન્ય માણસ પણ મોંઘવારીના ખપ્પરમાં ધકેલાઈ શકે છે.

સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (યુએનડીપી)ના રિપોર્ટમાં વૈશ્વિક સ્તરે 88 લાખ લોકો પર ગરીબી ધકેલાવાનું જોખમ હોવાનો દાવો કરાયો છે. સાથે આ યુદ્ધથી એશિયા-પ્રશાંત ક્ષેત્રને 299 અબજ ડોલર સુધીનું નુકસાન થઈ શકે છે.  સંયુક્ત રાષ્ટ્ર આ રિપોર્ટના પ્રારંભિક આકલન મુજબ યુદ્ધના કારણે દુનિયાભરમાં ગરીબીમાં ધકેલાનારા લોકોની સંખ્યા લગભગ 19 લાખથી વધીને અંદાજે 88 લાખ સુધી થઈ શકે છે, જેમાં દક્ષિણ એશિયાના લોકો સૌથી વધુ હશે. ચીનમાં પણ ગરીબોની સંખ્યા 1.15 લાખથી વધીને 6.20 લાખ સુધી પહોંચવાની આશંકા છે. જોકે, ચીનની કુલ વસતીની સરખામણીમાં તેની અસર અપેક્ષાકૃત ઓછી રહેશે.

આ રિપોર્ટ મુજબ ભારતમાં એચડીઆઈ પ્રગતિમાં લગભગ 0.03થી 0.12 વર્ષ સુધીનો ઘટાડો થઈ શકે છે. આ સિવાય નેપાળમાં 0.02થી 0.09 વર્ષ અને વિયેતનામમાં 0.02થી 0.07 વર્ષનો ઘટાડો જોવા મળી શકે છે. જોકે, ચીન પર તેનો પ્રભાવ અપેક્ષાકૃત ઓછો રહેવાનો અંદાજ છે. ચીનમાં એચડીઆઈ 0.01થી 0.05 વર્ષ રહી શકે છે. રિપોર્ટ મુજબ વેપાર અને પૂરવઠા શ્રેણી પર પણ અસર જોવા મળી શકે છે. દુનિયામાં 36માંથી 25 દેશોમાં ટ્રાન્સપોર્ટેશન ચાર્જ, યુદ્ધ જોખમ વીમો, માર્ગ પરિવર્તન અન ેવિલંબ જેવી સમસ્યાઓ જોવા મળી છે.

સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (યુએનડીપી)ના 'પશ્ચિમ એશિયામાં સૈન્ય વૃદ્ધિ : એશિયા અને પ્રશાંત ક્ષેત્રમાં માનવ વિકાસ પર અસર' મથાળાવાળા રિપોર્ટમાં કહેવાયું છે કે મધ્ય-પૂર્વમાં યુદ્ધ એશિયા તથા પ્રશાંત ક્ષેત્રમાં માનવ સંશાધનો પર દબાણ વધારી રહ્યું છે. ભારતમાં ઈંધણ, પરિવહન અને ક્રૂડ ઓઈલનો ખર્ચ વધવાથી લોકોની ઘરેલુ ખર્ચ શક્તિ ઘટી રહી છે. ખાદ્ય અસુરક્ષા વધી રહી છે, સરકારી બજેટ પર દબાણ પડી રહ્યું છે અને આજીવિકા માટેની આવક ઘટી રહી છે.

આ રિપોર્ટ મુજબ ભારતમાં ગરીબીથી અસરગ્રસ્ત લોકોની સંખ્યા લગભગ 4 લાખથી વધીને 25 લાખ સુધી પહોંચવાનો અંદાજ છે. આ રિપોર્ટ મુજબ આ યુદ્ધ લાંબુ ચાલશે તો ભારતમાં ગરીબી દર 23.9 ટકાથી વધીને 24.2 ટકા સુધી પહોંચી શકે છે, જેનાથી લગભગ 24,64,698 લોકો ગરીબીમાં ધકેલાઈ શકે છે. આ સંકટ પછી દેશમાં ગરીબીમાં રહેનારા લોકોની સંખ્યા 35.15 કરોડથી વધીને 35.40 કરોડ સુધી પહોંચી શકે છે. માનવ વિકાસ સૂચકાંક પર પણ તેની વિપરિત અસર પડી શકે છે. ભારતમાં એચડીઆઈમાં 0.03 વર્ષથી 0.12 વર્ષ સુધીનો ઘટાડો આવી શકે છે.

આ અહેવાલ મુજબ ભારત તેની જરૂરિયાતનું 90 ટકાથી વધુ ઓઈલની જરૂરિયાત આયાતથી પૂરી કરે છે, જેમાંથી 40 ટકાથી વધુ ક્રૂડ ઓઈલ અને 90 ટકા એલપીજી પશ્ચિમ એશિયામાંથી આવે છે. આ સિવાય 45 ટકાથી વધુ ખાતરની આયાત પણ આ જ ક્ષેત્રમાંથી થાય છે અને દેશમાં યુરિયા ઉત્પાદન 85 ટકા આયાતી ગેસ પર નિર્ભર છે. ઊર્જાના ભાવમાં વધારાના કારણે ભારત સહિત અનેક દેશોએ કોલસા આધારિત વીજઉત્પાદન પર નિર્ભરતા વધારી દીધી છે. ખાતરની અછત અને ઈંધણના ભાવ વધવાથી ખાદ્ય સુરક્ષા અને ખરીફ મોસમ પર તેની અસર પડવાની આશંકા છે. વધુમાં યુદ્ધના કારણે ખાડી દેશોમાંથી આવતા રેમિટન્સમાં પણ ઘટાડો થયો છે.

ભારતનો ખાડી દેશો સાથે ગાઢ સંબંધ છે, જ્યાં ઓક્ટોબર 2024 સુધીમાં અંદાજે 93.7 લાખ ભારતીયો રહેતા હતા અને તેઓ દેશમાં આવતા કુલ રેમિટન્સનો 38-40 ટકા હિસ્સો મોકલતા હતા. મધ્ય-પૂર્વમાં ચાલતા આ યુદ્ધથી ભારતમાં રોજગાર અને એમએસએમઈ સેક્ટર પર પણ જોખમ છે. વિશેષરૂપે એમએસએમઈ સેક્ટરમાં હોટેલ, ફૂડ પ્રોસેસિંગ, કન્સ્ટ્રક્શન, સ્ટીલ અને જેમ્સ-ડાયમંડ જેવા ઉદ્યોગોમાં ખર્ચ વધવાથી, સપ્લાયમાં અછત અને ઓર્ડર રદ થવા જેવી સમસ્યાઓ સામે આવી શકે છે. આ સિવાય સ્વાસ્થ્ય ક્ષેત્ર પર પણ અસર પડી શકે છે. રિપોર્ટમાં કહેવાયું છે કે તબીબી ઉપકરણોના કાચા માલનો ખર્ચ અંદાજે 50 ટકા સુધી વધી શકે છે જ્યારે દવાઓના જથ્થાબંધ ભાવમાં પહેલાથી જ 10થી 15 ટકાનો વધારો થઈ ગયો છે.