અમેરિકાના ઓઈલ ડેપોને રાખના ઢગલામાં ફેરવી દઈશું... વૈશ્વિક સંકટ વચ્ચે ઈરાનની ધમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran US War Update : મધ્ય-પૂર્વ એશિયામાં છેલ્લા 14 દિવસથી ચાલી રહેલું ભયાનક યુદ્ધ હવે નિર્ણાયક અને અત્યંત વિનાશક તબક્કે પહોંચી ગયું છે. ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચેના આ સંઘર્ષમાં હવે સીધી રીતે ઓઇલ સુવિધાઓ અને ઊર્જા મથકોને નિશાન બનાવવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. ઈરાને ખુલ્લી ચેતવણી આપી છે કે જો અમેરિકા તેના ઓઇલના ઠેકાણા પર હુમલો કરશે, તો તે અમેરિકા સાથે જોડાયેલી તમામ ઓઇલ સુવિધાઓને રાખના ઢગલામાં ફેરવી દેશે. આ તણાવને કારણે વૈશ્વિક બજારમાં કાચા ઓઇલની કિંમતોમાં 40 ટકાથી વધુનો તોતિંગ વધારો ઝીંકાયો છે.
હોર્મુઝ જળમાર્ગ અને ખાર્ગ ટાપુ પર જોખમ
વિશ્વના કુલ ઓઇલ વેપારનો 20 ટકા હિસ્સો જ્યાંથી પસાર થાય છે તે 'સ્ટ્રેટ ઑફ હોર્મુઝ' હાલ યુદ્ધનું કેન્દ્ર બન્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે જો ઈરાન દ્વારા જહાજોની અવરજવર રોકવામાં આવશે, તો અમેરિકા ઈરાનના સૌથી મોટા ઓઇલ નિકાસ કેન્દ્ર 'ખાર્ગ દ્વીપ'ને સંપૂર્ણપણે તબાહ કરી દેશે. ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકન નૌસેના ટૂંક સમયમાં ટેન્કરોને સુરક્ષા પૂરી પાડવાનું શરૂ કરશે. ઈરાને આના જવાબમાં વળતો પ્રહાર કરતાં કહ્યું છે કે અમેરિકી હુમલાની સ્થિતિમાં તેની સાથે સંકળાયેલી ઓઇલ કંપનીઓ સુરક્ષિત નહીં રહે.
આ પણ વાંચો : ઈરાનના નવા હથિયારે અમેરિકા-ઈઝરાયલની ઊંઘ ઊડાવી, રડાર વગર જ ડ્રોનને કરે છે ધ્વસ્ત
14 દિવસમાં ભારે વિનાશ અને જાનહાનિ
28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા 'ઓપરેશન એપિક ફ્યુરી'માં અત્યાર સુધીમાં ઈરાનના 15000થી વધુ ઠેકાણાઓ પર હુમલા કરવામાં આવ્યા છે. ઈઝરાયલે એકલા હાથે 7600થી વધુ હવાઈ હુમલા કરીને ઈરાનના મિસાઈલ પ્રોગ્રામને તોડી પાડવાનો પ્રયાસ કર્યો છે. ઈરાનના આરોગ્ય મંત્રાલય અનુસાર 1200થી વધુ લોકોના મોત થયા છે અને 32 લાખથી વધુ લોકો આંતરિક રીતે વિસ્થાપિત થયા છે. ઈરાને પણ વળતો જવાબ આપતા 10થી વધુ દેશો પર મિસાઇલ અને ડ્રોન ફેંક્યા છે.
અન્ય દેશો પર યુદ્ધની અસર
શુક્રવારે રાત્રે તેહરાનમાં થયેલા પ્રચંડ વિસ્ફોટો બાદ અમેરિકાએ હુમલા તેજ કરવાની જાહેરાત કરી છે. કતારના દોહામાં મિસાઇલો તોડી પાડવામાં આવી છે અને સાઉદી અરેબિયાએ ડઝનબંધ ડ્રોન હુમલા નિષ્ફળ બનાવ્યા છે. તૂર્કીએ પણ નાટો દ્વારા ઈરાનની બેલેસ્ટિક મિસાઇલ તોડી પાડવાની પુષ્ટિ કરી છે. લેબનાનમાં થયેલા ઈઝરાયલી હુમલામાં 12 તબીબોના મોત થતા આરોગ્ય સેવાઓ ખોરવાઈ ગઈ છે. બગદાદમાં અમેરિકી દૂતાવાસ પર પણ ડ્રોન હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે.
ઈરાનમાં આંતરિક અસ્થિરતા
ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈના અવસાન બાદ તેમના પુત્ર મોજતબા ખામેનેઈને નવા નેતા જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ તેઓ હજુ સુધી જાહેર જનતાની સામે આવ્યા નથી. ઈરાનમાં જાન્યુઆરી મહિનાથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને યુદ્ધને કારણે ઇન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે બંધ છે. બીજી તરફ, અમેરિકાએ જાપાનથી 'USS Tripoli' જહાજને 2500 મરીન કમાન્ડો સાથે આ ક્ષેત્રમાં તૈનાત કરવા મોકલ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 13 અમેરિકી સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. હાલની સ્થિતિ જોતાં સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર જોખમ તોળાઈ રહ્યું છે.









