India

PPF, સુકન્યા અને SCSS પર વ્યાજની જાહેરાત, 1 ઓક્ટોબરથી લાગુ, જાણો કઈ સ્કીમમાં કેટલો વ્યાજદર

By GS Team
30 Sep 20262 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકારે ઓક્ટોબરથી ડિસેમ્બર 2026 ક્વાર્ટર માટે નાની બચત યોજનાઓના વ્યાજદરો યથાવત રાખ્યા છે. નાણાં મંત્રાલય દ્વારા આ નિર્ણયની જાહેરાત કરાઈ હતી. PPF, સુકન્યા સમૃદ્ધિ અને સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ સહિતની યોજનાઓના દરોમાં કોઈ ફેરફાર નહીં થાય. આ સતત 9મી વખત છે જ્યારે સરકારે દરો સ્થિર રાખ્યા છે, જેથી રોકાણકારોને જૂના વ્યાજદરો જ મળતા રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

PPF, સુકન્યા અને SCSS પર વ્યાજની જાહેરાત, 1 ઓક્ટોબરથી લાગુ, જાણો કઈ સ્કીમમાં કેટલો વ્યાજદર

Small Savings Schemes Interest Rate : કેન્દ્ર સરકારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સુકન્યા સમૃદ્ધિ યોજના અને સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ સહિતની નાની બચત યોજનાઓ માટેના વ્યાજ દરોની જાહેરાત કરી દીધી છે. નાણાં મંત્રાલય દ્વારા ઓક્ટોબરથી ડિસેમ્બર 2026 ક્વાર્ટર માટે આ વ્યાજ દરો જાહેર કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, ચાલુ ત્રિમાસિક ગાળા માટે આ યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. રોકાણકારોને અગાઉ જે વ્યાજ મળતું હતું તે જ મળતું રહેશે. આ સતત 9મી વખત છે જ્યારે સરકારે નાની બચત યોજનાઓના દરો સ્થિર રાખ્યા છે.

1 ઓક્ટોબર 2026થી લાગુ થશે નિર્ણય

નાણાં મંત્રાલય હેઠળના આર્થિક બાબતોના વિભાગ દ્વારા બુધવારે આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ નિર્ણય મુજબ, 1 ઓક્ટોબર 2026થી શરૂ થતા નવા ત્રિમાસિક ગાળા દરમિયાન પોસ્ટ ઓફિસ અને બેંકોની તમામ નાની બચત યોજનાઓ પર મળતા વળતરમાં કોઈ ફેરફાર થશે નહીં અને જૂના દરો જ યથાવત રહેશે.

વિવિધ નાની બચત યોજનાઓ પર મળવાપાત્ર વ્યાજ દરો

  • સુકન્યા સમૃદ્ધિ યોજના - 8.2% (સમયગાળો - 21 વર્ષ)
  • સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ - 8.2%
  • નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) - 7.7%
  • કિસાન વિકાસ પત્ર (KVP) - 7.5%
  • 5 વર્ષની પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ (FD) - 7.5% (સમયગાળો - 5 વર્ષ)
  • મંથલી ઈન્કમ સ્કીમ (MIS) - 7.4%
  • પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) - 7.1% (સમયગાળો - 15 વર્ષ)
  • પોસ્ટ ઓફિસ 3 વર્ષની ટાઈમ ડિપોઝીટ (FD) - 7.1% (સમયગાળો - 3 વર્ષ)
  • પોસ્ટ ઓફિસ 2 વર્ષની ટાઈમ ડિપોઝીટ (FD) - 7% (સમયગાળો - 2 વર્ષ)
  • પોસ્ટ ઓફિસ 1 વર્ષની ટાઈમ ડિપોઝીટ (FD) - 6.9% (સમયગાળો - 1 વર્ષ)
  • 5 વર્ષની રિકરિંગ ડિપોઝીટ (RD) - 6.7% (સમયગાળો - 5 વર્ષ)
  • પોસ્ટ ઓફિસ બચત ખાતું - 4%

કેવી રીતે નક્કી થાય છે યોજનાઓના વ્યાજ દરો?

કેન્દ્ર સરકાર દ્વારા દર ત્રણ મહિને નાની બચત યોજનાઓના વ્યાજ દરોની સમીક્ષા કરવામાં આવે છે. આ આકલન દરમિયાન સરકારી બોન્ડ્સ પર મળતું રિટર્ન, બજારની સ્થિતિ, મોંઘવારી તેમજ ભૌગોલિક અને રાજકીય સંજોગો જેવા વિવિધ પરિબળો ધ્યાને લેવાય છે. આ યોજનાઓમાં છેલ્લો સુધારો એપ્રિલ 2024માં કરવામાં આવ્યો હતો, જેમાં 3 વર્ષની પોસ્ટ ઓફિસ એફડી પરનો દર 7% થી વધારીને 7.1% અને સુકન્યા સમૃદ્ધિ યોજના પરનો દર 8% થી વધારીને 8.2% કરાયો હતો.