Get The App

તીવ્ર ગરમી સાઇલેન્ટ કિલર બની, દર ચારમાંથી ત્રણ વ્યક્તિ પર જીવનું જોખમ !

Updated: Apr 20th, 2026

GS TEAM

Google News
Google News
તીવ્ર ગરમી સાઇલેન્ટ કિલર બની, દર ચારમાંથી ત્રણ વ્યક્તિ પર જીવનું જોખમ ! 1 - image

- ગરમીથી 2021માં 374નાં જ્યારે 2023માં 800નાં મોત

- ગયા વર્ષે જમીની સ્તર પર તાપમાન સરેરાશ કરતાં ૦.૨૮ ડિગ્રી વધ્યું, ૨૦૨૪ સૌથી ગરમ વર્ષ રહ્યું હતું  

નવી દિલ્હી: અચાનક જ અનેક રાજ્યોમાં તાપમાનનો પારો વધી ગયો છે, કેટલાક રાજ્યોમાં તો તાપમાન ૪૫ ડિગ્રીને પાર જતુ રહ્યું છે. જ્યારે મોટાભાગના રાજ્યોમાં સરેરાશ તાપમાન ૪૦ ડિગ્રી આસપાસ રહ્યું હતું. એવામાં વધી રહેલુ તાપમાન લોકો માટે જીવલેણ પણ બની રહ્યું છે, રિપોર્ટ મુજબ દર ચારમાંથી ત્રણ ભારતીય પર ભયંકર ગરમીનો પ્રકોપ છે, દર વર્ષે અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. ગરમી હવે સાઇલેન્ટ કિલર બની રહી છે, દર ચારમાંથી ત્રણ લોકો પર જીવનું જોખમ હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. 

છેલ્લા ૧૫માંથી ૧૦ વર્ષ સૌથી ગરમ, ગુજરાત, મહારાષ્ટ સહિતના રાજ્યો પર ખતરો વધુ ઃ છત્તીસગઢ સહિત કેટલાક રાજ્યોમાં સ્કૂલોનો સમય બદલવો પડયો

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ૨૦૨૫માં જમીની સ્તર પર તાપમાન સામાન્ય કરતા ૦.૨૮ ડિગ્રી વધુ નોંધાયું હતું, ૧૯૦૧ બાદ સૌથી વધુ ગરમ વર્ષ ૨૦૨૪ રહ્યું છે જ્યારે તાપમાન ૦.૬૫ ડિગ્રી વધી ગયું હતું.

 ચિંતાજનક વાત એ છે કે ૧૯૦૧થી ૨૦૨૫ દરમિયાન જે સૌથી ગરમ ૧૫ વર્ષ રહ્યા તેમાંથી ૧૦ વર્ષ હાલના ૧૫ વર્ષોમાના જ છે. એટલે કે તાજેતરના ૧૫ વર્ષમાં તાપમાન સૌથી વધુ રહ્યું છે. આ સમયગાળો ૨૦૧૧થી ૨૦૨૫નો છે. કાઉન્સિલ ઓન ઓનર્જી એન્વાયર્મેંટ એન્ડ વોટરની રિપોર્ટ મુજબ ભારતમાં ૭૩૪માંથી ૪૧૭ એટલે કે ૫૭ ટકા જિલ્લાઓ પર ભયંકર ગરમીનો પ્રકોપ છે, જેમાં ભારતની ૭૬ ટકા વસતી રહે છે. એટલે કે દર ચારમાંથી ત્રણ ભારતીય ગરમીનો શિકાર બની શકે છે.

 જે રાજ્યોમાં સૌથી વધુ ગરમીના પ્રકોપનો ખતરો રહેલો છે તેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, ગોવા, કેરળ, રાજસ્થાન, તમિલનાડુ, આંધ્ર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ વગેરેનો સમાવેશ થાય છે. દેશમાં ગરમીને કારણે ૨૦૨૧માં ૩૭૪ લોકોના મોત થયા હતા, ૨૦૨૨માં સંખ્યા વધીને ૭૩૦ પર પહોંચી ગઇ હતી, ૨૦૨૩માં હીટવેવ કે હીટ સ્ટ્રોકને કારણે ૮૦૪ લોકો માર્યા ગયા હતા. એટલે કે દર વર્ષે ગરમીને કારણે મોતનો આંકડો વધી રહ્યો છે. હાલની સ્થિતિ પર નજર કરીએ તો છત્તીસગઢ, મહારાષ્ટ્રમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રીને પાર જતો રહ્યો છે, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઓડિશા, તેલંગાણા અને છત્તીસગઢમાં અનેક શહેરોનું તાપમાન ૪૨ ડિગ્રીને પાર રહ્યું હતું.

 ટોચના સૌથી ગરમ ૧૦ શહેરોની યાદીમાં મધ્ય પ્રદેશનું રતલામ અને ઉમરિયા પણ સામેલ છે કે જ્યાં તાપમાન ૪૪ ડિગ્રીને પાર જતુ રહ્યું, છત્તીસગઢના ૧૩ જિલ્લામાં ભારે ગરમીને કારણે સ્કૂલોનો સમયગાળો બદલવામાં આવ્યો છે. 

બીજી તરફ ઉત્તર પ્રદેશમાં હીટવેવની આગાહી કરવામા આવી છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં ફરી હિમવર્ષા થઇ હતી.