India

તહેવારો પહેલાં મોંઘવારીનો માર કોમર્શિયલ એલપીજી રૂ. 62.50 મોંઘો

By GS Team
2 Oct 20263 mins read
TukuTouch Logo
નવી દિલ્હીમાં તહેવારોની મોસમ પહેલાં મોંઘવારીનો માર પડ્યો છે. ઓક્ટોબરની શરૂઆતમાં જ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. 62.50નો વધારો થયો છે, જેનાથી દિલ્હીમાં 19 કિલોવાળા સિલિન્ડરનો ભાવ રૂ. 2810 થયો. ATFનો ભાવ પ્રતિ લિટર રૂ. 16 વધતા હવાઈ મુસાફરી મોંઘી થશે. વર્લ્ડ પેનલના રિપોર્ટ મુજબ, પરિવારોનો ખર્ચ 13% વધી રૂ. 59,857 થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તહેવારો પહેલાં મોંઘવારીનો માર કોમર્શિયલ એલપીજી રૂ. 62.50 મોંઘો
  • જનતા પર રાશન બાદ હવે ઈએમઆઈનો બોજ વધ્યો
  • વર્ષના પહેલા ત્રિમાસિકમાં પરિવારોનો સરેરાશ ખર્ચ ૧૩ ટકા વધી રૂ. ૫૯,૮૫૭ થયો : વર્લ્ડ પેનલ રિપોર્ટ
  • એટીએફનો ભાવ પ્રતિ લીટર રૂ. ૧૬ વધીને રૂ. ૧૩૭ થયો

નવી દિલ્હી : દેશમાં તહેવારોની મોસમ ચાલી રહી છે તેવા સમયે ઓક્ટોબર મહિનાની શરૂઆત જનતા પર મોંઘવારીના પ્રહાર સાથે થઈ છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ગુરુવારે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ પ્રતિ ૧૪ કિલોના સિલિન્ડર દીઠ રૂ. ૬૨.૫૦ વધારી દીધા છે. આ સિવાય વિમાનોમાં ઉડ્ડયન માટે વપરાતું એવિએશન ટર્બાઈન ફ્યુઅલ પણ મોંઘું થતાં હવાઈ પ્રવાસનો ભાવ વધવાની આશંકા છે. બીજીબાજુ દેશની જનતા તહેવારોના સમયમાં મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ રહી છે. દેશના ૮૪ ટકા ગ્રાહકો પોતાનું બજેટ સંભાળવામાં સંઘર્ષ કરી રહ્યા છે અથવા તેમના માટે દૈનિક જીવન પણ મુશ્કેલ બન્યું છે. પરિવારોનો કુલ ખર્ચ પણ વધી રહ્યો છે.
તહેવારોની મોસમ પહેલા જ જનતાને મોંઘવારીનો મોટો ફટકો પડયો છે. ૧ ઓક્ટોબરથી દેશભરમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રૂ. ૬૨.૫૦નો વધારો થયો છે. આ સાથે દિલ્હીમાં ૧૯ કિલોવાળો કોમર્શિયલ એલપીજીનો ભાવ વધીને રૂ. ૨૮૧૦ થઈ ગયો છે. જોકે, ૧૪.૨ કિલોવાળા ઘરેલુ રસોઈ ગેસના ભાવમાં કોઈ ફેરફાર કારયો નથી. દેશમાં સૌથી મોંઘો એલપીજી લેહમાં છે, જ્યાં ઘરેલુ એલપીજીના સિલિન્ડરની કિંમત રૂ. ૧,૧૭૯ છે જ્યારે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ રૂ. ૩૩૮૫.૫ છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય કિંમતોમાં ક્રૂડ ઓઈલના ભાવ વધવા છતાં ઘરેલુ એલપીજીના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી.
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજીની સાથે એવિએશન ટ્રિબ્યુનલ ફ્યુઅલ (એટીએફ)ના ભાવમાં પ્રતિ લીટર રૂ. ૧૬નો વધારો કર્યો છે. ઘરેલુ એરલાઈન્સ માટે એટીએફનો ભાવ પ્રતિ લીટર રૂ. ૧૨૧થી વધીને રૂ. ૧૩૭ થઈ ગયો છે. આ પહેલાં સપ્ટેમ્બરમાં પણ એટીએફમાં પણ પ્રતિ લીટર રૂ. ૬.૨૮નો વધારો કરાયો હતો.
દરમિયાન વર્લ્ડ પેનલના એક તાજા વિશ્લેષણ મુજબ ભારતમાં ગ્રાહકોની આર્થિક સ્થિતિ અને ખર્ચ કરવાની ક્ષમતા પર દબાણ વધ્યું છે. ભારતમાં પરિવારોનું કુલ દેવું જીડીપીના ૪૫.૫ ટકા સુધી પહોંચી ગયું છે. દેશના ૮૪ ટકા ગ્રાહકો માટે દૈનિક ખર્ચા પણ મુશ્કેલ બન્યા છે. પરિવારોના કુલ ખર્ચ વધી ગયા છે. દેશમાં એક તરફ મોંઘા અને પ્રીમિયમ ઉત્પાદનોની માગ જળવાઈ રહી છે. બીજીબાજુ સામાન્ય જનતા જરૂરી ખર્ચા અને દેવાં હેઠળ દબાઈ રહી છે. વધતી મોંઘવારીની અસર લોકોની ખર્ચ કરવાની રીતો અને આદતો પર પણ પડી રહી છે.
રિપોર્ટ મુજબ પરિવારોનો કુલ ખર્ચ અંદાજે ૭ ટકા વધ્યો છે. વર્ષ ૨૦૨૬ના પહેલા ત્રિમાસિકમાં પરિવારોનો સરેરાશ ત્રિમાસિક ખર્ચ રૂ. ૫૯,૮૫૭ હતો, જે ગયા વર્ષના સમાન સમય કરતાં ૧૩ ટકા વધુ છે. પરિવારોના કુલ ખર્ચમાં રાશન અને કરિયાણાના સામાન પર ખર્ચ ગયા વર્ષના ૨૪ ટકાથી ઘટીને ૨૨ ટકા થયો છે. બીજીબાજુ શિક્ષણ અને દેવાંના માસિક હપ્તા એટલે કે ઈએમઆઈ પર પરિવારો તેમના બજેટા લગભગ ૧૦-૧૦ ટકા ખર્ચ કરી રહ્યા છે. સારવાર અને સ્વાસ્થ્ય સેવાઓ પર ખર્ચ ગયા વર્ષના ૯ ટકાથી વધીને ૧૦ ટકા થયો છે.
શહેરોની જેમ હવે ગ્રામીણ ગ્રાહકો પણ ઈએમઆઈની ઝપેટમાં આવી ગયા છે. ગ્રામીણ ભારતમાં ઈએમઆઈ મારફત ડયુરેબલ્સની ખરીદી વધી છે. ગ્રામીણ ભારતમાં પરિવારોનો ખર્ચ ૧૫ ટકા વધ્યો છે જ્યારે શહેરી ભારતમાં ૪ ટકા ઘટયો છે. રિપોર્ટ મુજબ ૪૮ ટકા ગ્રાહકોએ બિનજરૂરી વસ્તુઓની ખરીદી ઘટાડી છે. દેશમાં આર્થિક અસમાનતા પણ વધી છે. એક તરફ વધુ આવકવાળા ગ્રાહકોની આર્થિક સ્થિતિ અને ખર્ચ કરવાની ક્ષમતા વધુ સારી થઈ છે, બીજી તરફ ઓછી આવકવાળા પરિવારો પર દબાણ વધ્યું છે.