ગોવાથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું ટેકઓફ બાદ એન્જિન ફેલ, ગોવામાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IndiGo Flight 6E 2102 Emergency Landing : ગોવાથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં ટેકઓફ કર્યાના ગણતરીની મિનિટોમાં જ ટેકનિકલ ખામી સર્જાતાં વિમાનને મોપા એરપોર્ટ પર પરત ઉતારવાની ફરજ પડી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ઇન્ડિગોની ફ્લાઇટ 6E 2102 એ મંગળવારે સવારે આશરે 9:16 વાગ્યે ગોવા એરપોર્ટ પરથી દિલ્હી જવા માટે ઉડાન ભરી હતી. જોકે, આકાશમાં પહોંચ્યાના થોડા જ સમયમાં વિમાનના એક એન્જિનમાં ખામી હોવાની જાણકારી પાયલોટને મળી હતી. જેના કારણે તાત્કાલિક નિર્ણય લેવો પડ્યો હતો.
એર ટ્રાફિક કન્ટ્રોલ દ્વારા ફૂલ ઇમરજન્સી જાહેર કરાઈ
એન્જિનમાં ખામી હોવાની જાણ થતાં જ પાયલોટે ત્વરિત એર ટ્રાફિક કન્ટ્રોલ (ATC) નો સંપર્ક સાધ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એર ટ્રાફિક કન્ટ્રોલે સવારે આશરે 9:30 વાગ્યે ગોવાના મોપા એરપોર્ટ પર 'ફૂલ ઇમરજન્સી' જાહેર કરી દીધી હતી. એરપોર્ટ પર ઇમરજન્સી પ્રોટોકોલ લાગુ કરીને ફાયર ફાઇટર્સ અને એમ્બ્યુલન્સ સહિતની તબીબી ટીમ તથા સુરક્ષા કર્મચારીઓને એલર્ટ પર રાખી દેવામાં આવ્યા હતા.
મોપા એરપોર્ટ પર વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ
વિમાનમાં ટેકનિકલ સમસ્યા સર્જાયા બાદ પાયલોટે અત્યંત સૂઝબૂઝ દર્શાવીને વિમાનને યુ-ટર્ન લઈ પરત ગોવા તરફ વાળી લીધું હતું. મોપા એરપોર્ટ પર પાયલોટે વિમાનનું રનવે પર સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું, જેના કારણે મોટી હોનારત ટળી હતી. વિમાનના સુરક્ષિત ઉતરાણ બાદ તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સે રાહતનો શ્વાસ લીધો હતો.
ઇન્ડિગો અને એવિએશન તંત્ર દ્વારા તપાસ શરૂ
હાલમાં વિમાનમાં કેટલા મુસાફરો સવાર હતા અને એન્જિનમાં કયા પ્રકારની ખામી સર્જાઈ હતી તે અંગેની વિસ્તૃત વિગતો સામે આવી નથી. ઇન્ડિગો એરલાઇન્સ તરફથી આ સમગ્ર ઘટના અંગે સત્તાવાર નિવેદન જારી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. સિવિલ એવિએશન ક્ષેત્રના અધિકારીઓ અને ટેકનિકલ ટીમો દ્વારા એન્જિનમાં આવેલી ખામીના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. મુસાફરોને વૈકલ્પિક ફ્લાઇટ દ્વારા દિલ્હી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.




