India

વૈશ્વિક સંકટ વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર મજબૂત! GDP દર 7.8 ટકા નોંધાયો, સ્થાનિક સ્તરની માંગ બની ‘ગેમ ચેન્જર’

By GS Team
31 Aug 20263 mins read
TukuTouch Logo
ભારતીય અર્થતંત્ર 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 7.8%ના GDP વૃદ્ધિ દર સાથે આગળ વધ્યું છે. આ આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા સોમવારે જાહેર કરાયા છે. અમેરિકા-ઈરાનના સંઘર્ષ જેવા વૈશ્વિક પડકારો છતાં, ભારતે તમામ અંદાજોને પાછળ છોડી સ્થાનિક માંગને કારણે મજબૂત પ્રદર્શન કર્યું છે. આ દર્શાવે છે કે વૈશ્વિક તણાવ છતાં ભારતનો આર્થિક વિકાસ ચાલુ રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વૈશ્વિક સંકટ વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર મજબૂત! GDP દર 7.8 ટકા નોંધાયો, સ્થાનિક સ્તરની માંગ બની ‘ગેમ ચેન્જર’
ફાઈલ તસવીર

India GDP Growth: અમેરિકા-ઈરાનનું યુદ્ધ પણ ભારતીય અર્થતંત્રની ઝડપને રોકી શક્યું નથી અને તેનું ઉદાહરણ છે નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં GDP ગ્રોથ રેટના આંકડા. આજે સોમવારે જાહેર કરવામાં આવેલા India GDP Growth Data પર નજર કરીએ, તો ઈકોનોમીમાં 7.8 ટકાની ઝડપથી આગળ વધી છે. આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય(MoSPI)ના જણાવ્યા મુજબ, FY2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતની રિયલ GDP ગ્રોથ 7.8% નોંધાયો છે. તો બીજી તરફ, નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નોમિનલ GDPમાં 10.3 ટકા રહ્યું છે.

તમામ અંદાજોને પાછળ છોડીને ભારતનો આર્થિક વિકાસ

ભારતીય અર્થતંત્રે નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 7.8%ની વૃદ્ધિ નોંધાવતા તમામ અંદાજોને પાછળ છોડી દીધા છે, ઝડપ અપેક્ષા કરતાં વધુ સારી રહી છે. ઉલ્લેખનીય છે કે એપ્રિલ-જૂનના ગ્રોથ રેટને લઈને તમામ અર્થશાસ્ત્રીઓ દ્વારા 7.1-7.2 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો, જેને ભારતીય ઈકોનોમીએ પાછળ છોડી દીધો છે. આ પહેલાના વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં ભારતીય અર્થતંત્ર 6.9%ની ઝડપથી દોડ્યું હતું.

ગયા નાણાકીય વર્ષની સરખામણીએ મજબૂત પ્રદર્શન

જણાવી દઈએ કે જૂન ત્રિમાસિક ગાળાનું જોરદાર પ્રદર્શન નાણાકીય વર્ષ 2026ના જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં થયેલી 7.8% ગ્રોથ પછી આવ્યું છે. સરકારના કામચલાઉ અંદાજો અનુસાર, સમગ્ર નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતની વાસ્તવિક GDPમાં 7.7%ની ગ્રોથ નોંધાઈ હતી.

'નિરાશાવાદીઓ નિષ્ફળ રહ્યા અને ભારત ફરી એકવાર ખીલી ઉઠ્યું': PM મોદી

GDP ગ્રોથ રેટના આંકડા સામે આવ્યા બાદ વડા પ્રધાન મોદીએ વિરોધીઓ પર કટાક્ષ કરતાં કહ્યું કે-'નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતનો 7.8 ટકાનો અસાધારણ GDP ગ્રોથએ એક ભગીરથ સિદ્ધિ છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે તેલના ભાવમાં થયેલો વધારો અને સપ્લાય ચેનની સમસ્યાઓ છતાં, આપણા લોકોની સામૂહિક શક્તિએ સુનિશ્ચિત કર્યું કે ભારત આટલો વિકાસ હાંસલ કરી શકે. નિરાશાવાદીઓ નિષ્ફળ રહ્યા અને ભારત ફરી એકવાર ખીલી ઉઠ્યું!'

વૈશ્વિક પડકારો વચ્ચે સ્થાનિક માગથી મળ્યો ટેકો

ખાસ વાત એ છે કે India GDP Growthનો આ આંકડો એવા પડકારજનક વૈશ્વિક વાતાવરણમાં આવ્યો છે, જ્યારે સપ્લાય ચેઇનથી લઈને ઓઇલ-ગેસ સંકટ ચરમસીમા પર હતું. જેનો મતલબ સ્પષ્ટ છે કે ટૅરિફનો ભય હોય કે, અન્ય ભૌગોલિક-રાજકીય તણાવ, ઊર્જાની વધતી કિંમતો હોય કે વૈશ્વિક વેપારને લઈને અનિશ્ચિતતા, દરેક વાતાવરણમાં દેશની GDPની ઝડપ સારી રહી છે. આ દબાણો છતાં સ્થાનિક માગ આર્થિક પ્રવૃત્તિઓ માટે એક મુખ્ય સપોર્ટ બની રહી. બીજી તરફ સરકારી મૂડી ખર્ચ, મેન્યુફેક્ચરિંગ, કન્સ્ટ્રક્શન અને નિકાસે પણ વિકાસમાં યોગદાન આપ્યું.

આગામી ત્રિમાસિક ગાળો કેવો રહેશે?

આ ત્રિમાસિક ગાળા દરમિયાન મેન્યુફેક્ચરિંગ અને કન્સ્ટ્રક્શન સેક્ટર અર્થતંત્રને સહારો આપનારા મુખ્ય સેક્ટર્સમાં હતા. ત્રિમાસિક ગાળાના અંતમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં મજબૂતી આવવાથી ગ્રોથને સપોર્ટ મળ્યો. હાલમાં, પ્રથમ ત્રિમાસિક ગાળાના આંકડા FY27ની મજબૂત શરૂઆત દર્શાવે છે. 7.8%ની ગ્રોથ અર્થતંત્રને એક મજબૂત આધાર આપે છે, ભલે પોલિસી મેકર અને બિઝનેસ અસ્થિર વૈશ્વિક વાતાવરણમાં આગળ વધવાનો પ્રયાસ યથાવત રાખે. જો કે, આવનારા ત્રિમાસિક ગાળામાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે શું મજબૂત ખાનગી રોકાણ, વપરાશ અને નિકાસના માધ્યમથી આ ગતિને જાળવી રાખી શકાય છે કે પછી બાહ્ય દબાણ વિકાસ પર વધુ હાવી થશે.

GDP(ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) એટલે શું?

GDP જેને ગુજરાતીમાં કુલ ઘરેલુ ઉત્પાદન કહેવામાં આવે છે, તે એક ચોક્કસ સમયગાળા (સામાન્ય રીતે એક વર્ષ) દરમિયાન દેશની ભૌગોલિક સીમાની અંદર ઉત્પાદિત થયેલી તમામ અંતિમ વસ્તુઓ અને સેવાઓનું કુલ નાણાકીય મૂલ્ય છે. સરકાર ત્રિમાસિક પણ તેના અંદાજિત આંકડા જાહેર કરી હોય છે. GDPએ કોઈપણ દેશની આર્થિક તાકાત, આરોગ્ય અને વિકાસ દર માપવાનો સૌથી મહત્ત્વપૂર્ણ સૂચક છે. જો દેશનો GDP દર ઊંચો હોય, તો તેનો અર્થ એ થાય કે દેશમાં ઉત્પાદન, રોજગારી અને લોકોની આવકમાં વધારો થઈ રહ્યો છે, જ્યારે GDP ઘટવો એ આર્થિક મંદીની નિશાની માનવામાં આવે છે.