India

8 કલાક પહેલા ટિકિટ રદ કરવા પર નહીં મળે રિફંડ... ભારતીય રેલવેએ બદલ્યા કેન્સલેશન્સના નિયમો

By GS TEAM
24 Mar 20263 mins read
TukuTouch Logo
ભારતીય રેલવેએ મુસાફરો માટે મોટા ફેરફારોની જાહેરાત કરી છે. હવે ટ્રેન ઉપડવાના આઠ કલાક પહેલા ટિકિટ કેન્સલ કરાવવા પર કોઈ જ રિફંડ મળશે નહીં. આ સાથે જ બોર્ડિંગ પોઈન્ટ બદલવા અને ક્લાસ અપગ્રેડ કરવાની નવી સુવિધાઓ પણ આપવામાં આવી છે. ટિકિટિંગ પ્રક્રિયાને વધુ સરળ, પારદર્શક અને સુરક્ષિત બનાવવામાં આવી છે, જેનો સીધો લાભ સામાન્ય મુસાફરોને મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

8 કલાક પહેલા ટિકિટ રદ કરવા પર નહીં મળે રિફંડ... ભારતીય રેલવેએ બદલ્યા કેન્સલેશન્સના નિયમો

Indian Railway New Refund Slabs: ભારતીય રેલવેએ મુસાફરો માટે મોટા ફેરફારોની જાહેરાત કરી છે. હવે ટ્રેન ઉપડવાના આઠ કલાક પહેલા ટિકિટ કેન્સલ કરાવવા પર કોઈ જ રિફંડ મળશે નહીં. આ સાથે જ બોર્ડિંગ પોઇન્ટ બદલવા અને ક્લાસ અપગ્રેડ કરવાની નવી સુવિધાઓ પણ આપવામાં આવી છે. ટિકિટિંગ પ્રક્રિયાને વધુ સરળ, પારદર્શક અને સુરક્ષિત બનાવવામાં આવી છે, જેનો સીધો લાભ સામાન્ય મુસાફરોને મળશે.

1થી 15 એપ્રિલ 2026ની વચ્ચે લાગુ થશે નવો નિયમ

કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારે રેલવે ટિકિટિંગ સિસ્ટમ અને મુસાફરોની સુવિધા સાથે જોડાયેલા મોટા સુધારાઓની જાહેરાત કરતાં જણાવ્યું કે હવે ટ્રેન છૂટવાના આઠ કલાક પહેલા સુધી ટિકિટ કેન્સલ કરવા પર કોઈ રિફંડ મળશે નહીં. અગાઉ આ મર્યાદા ચાર કલાકની હતી, જેને વધારીને મુસાફરો માટે પારદર્શિતા સુનિશ્ચિત કરવામાં આવી છે. આ નવો નિયમ 1થી 15 એપ્રિલ 2026ની વચ્ચે લાગુ કરી દેવામાં આવશે.

રિફંડનું નવું માળખું જાહેર

આ ઉપરાંત રિફંડના અન્ય સ્લેબમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. હવે 24 થી 8 કલાકની વચ્ચે ટિકિટ કેન્સલ કરાવવા પર ટિકિટની કિંમતના 50 ટકા કાપી લેવામાં આવશે. અગાઉ આ મર્યાદા 12થી 4 કલાકની હતી. જો ટ્રેન ઉપડવાના 72થી 24 કલાક પહેલા ટિકિટ કેન્સલ થશે, તો 25 ટકા રકમ કાપવામાં આવશે. જ્યારે 72 કલાકથી વધુ સમય પહેલા કેન્સલેશન કરાવવા પર પૂરેપૂરી રકમ પરત મળશે, જે દરમિયાન રેલવે મુસાફરો પાસેથી માત્ર ફ્લેટ ચાર્જ જ વસૂલશે.

સમયગાળો અને રિફંડની સ્થિતિ

8 કલાકથી ઓછો સમય: કોઈ રિફંડ નહીં

24થી 8 કલાકની વચ્ચે:  50 ટકા રિફંડ

72થી 24 કલાકની વચ્ચે : 25 ટકા રિફંડ

72 કલાકથી વધુ: મહત્તમ રિફંડ (માત્ર ફ્લેટ ચાર્જ કપાશે)

બ્લેક માર્કેટિંગ અને એજન્ટો પર લગામ લાગશે તેવો દાવો

રેલવે મંત્રીએ નિર્ણય અંગે વધુ માહિતી આપી કે, બ્લેક માર્કેટિંગ અને એજન્ટો દ્વારા છેલ્લી ઘડીએ કરવામાં આવતી ટિકિટ બુકિંગને રોકવા માટે આ નવો રિફંડ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જાન્યુઆરી 2026થી શરૂ થયેલી વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત ટ્રેનો પર આ નિયમ પહેલેથી જ અમલી છે. આ સાથે કાઉન્ટર ટિકિટ ખરીદનારાઓ માટે ક્લાસ અપગ્રેડની સુવિધા પણ વધારી દેવામાં આવી છે. હવે મુસાફરો ટ્રેન ઉપડવાના 30 મિનિટ પહેલા પણ તેમનો ટ્રાવેલ ક્લાસ અપગ્રેડ કરાવી શકશે.

બોર્ડિંગ પોઇન્ટ બદલી પણ શકાશે

બોર્ડિંગ પોઇન્ટ બદલવાની સુવિધા પણ હવે મુસાફરોને આપવામાં આવી છે. હવે શરૂઆતના સ્ટેશનથી ટ્રેન ઉપડવાના 30 મિનિટ પહેલા ડિજિટલ માધ્યમથી બોર્ડિંગ પોઇન્ટ બદલી શકાશે. આનાથી મુસાફરોને સુવિધા મળશે અને સીટનો વધુ સારો ઉપયોગ થઈ શકશે. રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે આનાથી ટિકિટની કિંમત પર કોઈ અસર પડશે નહીં. 

આ પણ વાંચો: ‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સવાલ

3 કરોડ શંકાસ્પદ યુઝર આઇડી દૂર કરાયા

વધુમાં આધાર કાર્ડ OTP, બોટ અને નકલી યુઝર આઇડી ટૅક્નોલૉજી દ્વારા અંદાજે 3 કરોડ શંકાસ્પદ યુઝર આઇડી રેલવે દ્વારા દૂર કરવામાં આવ્યા છે. જેના પરિણામે ટિકિટની ઉપલબ્ધતામાં સુધારો થયો છે અને સાચા મુસાફરોને પ્રાથમિકતા મળી રહી છે. હવે ટિકિટ કેન્સલ કરવી અને રિફંડ મેળવવું વધુ સરળ બન્યું છે. કાઉન્ટર અને ઈ-ટિકિટ બંને માટે પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે અને TDR જમા કરાવવાની અનિવાર્યતા પણ નાબૂદ કરવામાં આવી છે.