Get The App

સમુદ્રમાં ભારતની નવી તાકાત : 3 શક્તિશાળી યુદ્ધજહાજો નૌસેનામાં સામેલ, જાણો તેની ખાસિયતો

Updated: Jun 21st, 2026

GS TEAM

Google News
Google News
સમુદ્રમાં ભારતની નવી તાકાત : 3 શક્તિશાળી યુદ્ધજહાજો નૌસેનામાં સામેલ, જાણો તેની ખાસિયતો 1 - image

Indian Navy New Warships : ભારતે દરિયાઈ સુરક્ષા વધારવાની દિશામાં એક મોટું પગલું ભર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં કોલકાતા ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ભારતીય નૌસેનામાં સંપૂર્ણપણે ભારતમાં જ ડિઝાઈન અને નિર્મિત થયેલા 3 અત્યાધુનિક સ્વદેશી યુદ્ધજહાજો INS દૂનાગિરી, INS સંશોધક અને INS અગ્રયને કમિશન કરવામાં આવ્યા છે. હાલમાં ભારતીય નૌસેના પાસે 140થી 145 સક્રિય યુદ્ધજહાજો છે, જેને 2030 સુધીમાં 150થી 160 સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ ત્રણ યુદ્ધજહાજો સામેલ થવાથી હિંદ મહાસાગર ક્ષેત્રમાં દેશની વ્યૂહાત્મક સ્થિતિ વધુ મજબૂત બનશે.

INS દૂનાગિરી : દુશ્મનના રડારને આપશે ચકમો

પ્રોજેક્ટ-17A અંતર્ગત બનેલું આ 5મું સ્ટેલ્થ ગાઈડેડ મિસાઈલ ફ્રિગેટ છે, જેનું નામ હિમાલયના દ્રોણાગિરી પર્વત પરથી રાખવામાં આવ્યું છે, જે હનુમાનજીની શક્તિ, સાહસ અને કર્તવ્યનિષ્ઠાનું પ્રતીક છે. આશરે 6,700 ટન વજન ધરાવતું આ જહાજ 30 નોટની મહત્તમ ઝડપે દોડી શકે છે અને તેના આશરે 75 ટકા ઉપકરણો સ્વદેશી છે. આ નવું બ્રહ્માસ્ત્ર બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ, બરાક-8 મિસાઈલો, સ્વદેશી વરુણાસ્ત્ર ટોર્પીડો અને એન્ટી-સબમરીન રોકેટ લોન્ચરથી સજ્જ છે. તેની સૌથી મોટી ખાસિયત તેની સ્ટેલ્થ ટેકનોલોજી એટલે કે ખૂબ ઓછું રડાર ક્રોસ-સેક્શન છે, જેના કારણે દુશ્મનના રડાર માટે આ જહાજને ઓળખવું અત્યંત મુશ્કેલ બની જાય છે. તે સપાટી, હવા અને પાણીની અંદરના તમામ જોખમોનો એકસાથે સામનો કરવાની ક્ષમતા ધરાવે છે.

INS સંશોધક : યુદ્ધજહાજો અને સબમરીનોને રાખશે સુરક્ષિત

સંશોધક એટલે કે શોધ અથવા અનુસંધાન કરનાર, જેને દરિયામાં તરતી અત્યાધુનિક પ્રયોગશાળા ગણવામાં આવે છે. આ કોઈ પરંપરાગત યુદ્ધજહાજની જેમ સીધી લડાઈ નહીં લડે, પરંતુ તેનો મુખ્ય હેતુ અન્ય યુદ્ધજહાજો અને સબમરીનોને સુરક્ષિત રાખવા માટે સચોટ માહિતી પૂરી પાડવાનો છે. તે સર્વે વેસલ (લાર્જ) શ્રેણીનું 4થું જહાજ છે, જે સમુદ્રની ઊંડાઈ, દરિયાઈ માર્ગો અને સમુદ્ર તળનું હાઈડ્રોગ્રાફિક સર્વેક્ષણ કરવા તેમજ દરિયાઈ નકશાઓ તૈયાર કરવા સક્ષમ છે. આ જહાજ બંદરો અને વેપારી માર્ગોની મેપિંગ પણ કરી શકે છે. તે એક જ વારમાં સતત 12,000 કિલોમીટર સુધી મુસાફરી કરી શકે છે, જે સંરક્ષણની સાથે દરિયાઈ આપત્તિ વ્યવસ્થાપન જેવા નાગરિક ઉપયોગો માટે પણ ખૂબ મહત્વનું સાબિત થશે.

આ પણ વાંચો : યુદ્ધના ભણકારા? આકાશથી સમુદ્ર સુધી તાઇવાન ઘેરાયું, ચીનના ફાઇટર જેટ્સ અને યુદ્ધજહાજો તૈનાત!

INS અગ્રય : કદમાં નાનું કામ કરશે મોટું

આ અર્નાળા શ્રેણીનું 4થું એન્ટી-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ છે. તેનું પ્રતીક મહાભારતના મહાન ધનુર્ધર અર્જુનના ગાંડિવ ધનુષથી પ્રેરિત છે, જે પોતાના અચૂક નિશાન માટે જાણીતું હતું. કદમાં નાનું હોવા છતાં આ જહાજ અત્યંત ઘાતક હથિયારો અને એડવાન્સ સેન્સર પ્રણાલીથી સજ્જ છે. આ યુદ્ધપોત 25 નોટની ઝડપે ચાલી શકે છે અને આશરે 3,300 કિલોમીટર સુધી મુસાફરી કરવાની ક્ષમતા ધરાવે છે. તેનો મુખ્ય હેતુ તટીય વિસ્તારોમાં છુપાયેલી દુશ્મનની સબમરીનોને શોધીને તેનો શિકાર કરવાનો અને દરિયામાં બારૂદી સુરંગો બિછાવવાનો છે. તે લાઈટવેઈટ ટોર્પીડો, સ્વદેશી રોકેટ લોન્ચર, 30 મીમી નેવલ ગન અને એડવાન્સ સોનાર સિસ્ટમથી સજ્જ છે, તેમજ દુશ્મનના ટોર્પીડોને નિષ્ક્રિય કરવા માટે તેમાં અદ્યતન ડિકોય સિસ્ટમ પણ લગાવવામાં આવી છે.

આ પણ વાંચો : પાકિસ્તાનના રાષ્ટ્રપતિની વારાણસીની મસ્જિદ પર ટિપ્પણી, ભારત કહ્યું- પહેલા તમારો ટ્રેક રેકોર્ડ જુઓ