Get The App

મંદિરોના સોનાને લઈને ફેલાઈ રહેલી અફવાઓ પર સરકારની સ્પષ્ટતા, કહ્યું- ‘આવી કોઈ યોજના નથી’

Updated: May 19th, 2026

GS TEAM

Google News
Google News
મંદિરોના સોનાને લઈને ફેલાઈ રહેલી અફવાઓ પર સરકારની સ્પષ્ટતા, કહ્યું- ‘આવી કોઈ યોજના નથી’ 1 - image
AI Image

Government on Gold Monetization: દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા તેમજ કેટલાક મીડિયા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે, કેન્દ્ર સરકાર હવે મંદિરો અને ધાર્મિક સંસ્થાઓ પાસે રહેલા સોનાને મોનેટાઇઝ કરવાની યોજના બનાવી રહી છે. આ સાથે એવો પણ દાવો કરાયો હતો કે, મંદિરોનું આ સોનું દેશના “સ્ટ્રેટેજિક ગોલ્ડ રિઝર્વ”નો ભાગ બની શકે છે. જોકે, હવે કેન્દ્ર સરકારે આ તમામ દાવાઓને સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા છે.

કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયે આ અંગે સત્તાવાર સ્પષ્ટતા જાહેર કરતા જણાવ્યું છે કે, સરકાર પાસે મંદિરોના સોનાને મોનેટાઇઝ કરવાની કોઈ યોજના નથી. મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, મંદિર ટ્રસ્ટો પાસે રહેલા સોનાના બદલામાં કોઈ ગોલ્ડ બોન્ડ જાહેર કરવાની કે તે સોનાનો સરકારના રિઝર્વ માટે ઉપયોગ કરવાની કોઈ જ ચર્ચા કે પ્રક્રિયા ચાલી રહી નથી.

શું હતી સમગ્ર અફવા?

સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ્સ અને અહેવાલો દ્વારા એવો ભ્રામક દાવો કરવામાં આવ્યો હતો કે, સરકાર દેશભરના મોટા મંદિરોના સોનાને દેશના સ્ટ્રેટેજિક ગોલ્ડ રિઝર્વમાં સામેલ કરવા વિચારી રહી છે. આ અફવાઓમાં ખાસ કરીને મંદિરના ગોપુરમ, ગર્ભગૃહના દરવાજા અને અન્ય ધાર્મિક માળખાઓ પર જડેલા સોનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આ પ્રકારના દાવાઓને કારણે શ્રદ્ધાળુઓમાં ગેરસમજ ફેલાઈ હતી અને ધાર્મિક સંસ્થાઓમાં પણ ચિંતાની લાગણી સાથે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. પરિસ્થિતિની ગંભીરતાને જોતા નાણાં મંત્રાલયે તાત્કાલિક આગળ આવીને આ અંગે સત્તાવાર નિવેદન જાહેર કરવું પડ્યું છે.

સરકારે શું કરી સ્પષ્ટતા?

નાણાં મંત્રાલયે સત્તાવાર રીતે જણાવ્યું છે કે, ‘સોશિયલ મીડિયા પર ચાલી રહેલી આ તમામ માહિતી સંપૂર્ણપણે ખોટી, ભ્રામક અને બિનઆધારભૂત છે. સરકાર તરફથી સ્પષ્ટ કરવામાં આવે છે કે, મંદિર ટ્રસ્ટો હસ્તકના સોનાને કોઈપણ પ્રકારની ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ અથવા સ્ટ્રેટેજિક ગોલ્ડ રિઝર્વ સાથે જોડવાની કોઈ યોજના હાલના તબક્કે અસ્તિત્વમાં નથી.’

મંત્રાલયે વધુમાં ઉમેર્યું કે, ‘સરકાર દ્વારા કોઈપણ નવી નીતિ કે યોજનાઓ અંગેની માહિતી માત્ર સત્તાવાર પ્રેસ રિલીઝ, સરકારી વેબસાઇટ્સ અથવા અધિકૃત સરકારી માધ્યમો દ્વારા જ જાહેર કરવામાં આવે છે. તેથી, નાગરિકોએ સોશિયલ મીડિયા પર ફરતી આવી અપ્રમાણિત માહિતી પર બિલકુલ વિશ્વાસ ન કરવો જોઈએ.’

લોકોને મંત્રાલયની અપીલ

કેન્દ્ર સરકારે દેશના નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આવી ભ્રામક અફવાઓને સોશિયલ મીડિયા પર આગળ શેર ન કરે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આવી ખોટી માહિતી સમાજમાં બિનજરૂરી ગેરસમજ અને ભયનો માહોલ પેદા કરી શકે છે. આ સાથે જ લોકોને માત્ર સત્તાવાર સ્ત્રોતો પરથી મળતી માહિતીને જ સાચી માનવાની સલાહ આપવામાં આવી છે.

શું છે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ?

ભારત સરકારે વર્ષ 2015માં 'ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ'ની શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ સામાન્ય નાગરિકો અને સંસ્થાઓ પોતાના ઘરમાં કે લોકરમાં પડેલા નિષ્ક્રિય સોનાને બેંકોમાં જમા કરાવીને તેના પર નિયમિત વ્યાજ મેળવી શકે છે. જોકે, હાલમાં મંદિરોના સોનાને લઈને જે દાવા કરવામાં આવ્યા હતા, તે સંદર્ભે સરકારે સ્પષ્ટ કર્યું છે કે આવી કોઈ નવી યોજના પર સરકાર કોઈ વિચારણા કરી રહી નથી. નાણાં મંત્રાલયની આ સત્તાવાર અને મક્કમ સ્પષ્ટતા બાદ હવે મંદિરોના સોનાના મોનેટાઇઝેશનને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી તમામ અફવાઓ અને અટકળો પર પૂર્ણવિરામ મુકાયું છે.